ઇસરો (Indian Space Research Organisation – ISRO) : અંતરીક્ષ સંશોધન અને વિકાસકાર્યો માટેની ભારત સરકારના અંતરીક્ષ વિભાગ (Department of Space – DOS)ની શાખા. સ્થાપના 1972. મુખ્ય મથક અંતરીક્ષ વિભાગની કચેરીમાં જ, બૅંગાલુરુમાં. ભારત સરકારના અંતરીક્ષ વિભાગના સચિવ તેના અધ્યક્ષ છે. અંતરીક્ષ અંગેના વિવિધ કાર્યક્રમો નીચે દર્શાવેલાં જુદાં જુદાં કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવે છે.

(1) વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વી.એસ.એસ.સી.) ત્રિવેન્દ્રમ્, કેરળ : સાઉન્ડિંગ રૉકેટ, ઉપગ્રહ પ્રક્ષેપક રૉકેટ, રૉકેટને લગતી ટૅક્નૉલૉજી, ભૂમિસ્થિત અને રૉકેટસ્થિત સાધનો, રૉકેટ માટેની મિશ્ર ધાતુઓ, રૉકેટ બળતણ, ઉપગ્રહ પ્રક્ષેપક રૉકેટોનો વિકાસ વગેરે આ કેન્દ્રની કામગીરીનાં ક્ષેત્ર છે. ભૂ-ચુંબકીય વિષુવવૃત્ત નજીક આવેલું થુમ્બાનું રૉકેટ-પ્રક્ષેપન મથક આ કેન્દ્રના એક ભાગ રૂપે છે.

(2) ઇસરો સૅટેલાઇટ ઍપ્લિકેશન સેન્ટર (આઇ.એસ.એ.સી.), બૅંગાલુરુ, કર્ણાટક : ભારતીય ઉપગ્રહ કાર્યક્રમોના આયોજન તેમજ અમલીકરણનું મથક. આર્યભટ્ટ, ભાસ્કર–1 અને 2, ઍપલ, રોહિણી તથા IRS–1 જેવા ભારતીય ઉપગ્રહોનાં રચના અને નિર્માણ આ કેન્દ્ર દ્વારા થયાં હતાં.

(3) શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ રિસર્ચ સેન્ટર (એસ.એચ.એ.આર.સી.), શ્રી હરિકોટા ટાપુ, આંધ્રપ્રદેશ : ચેન્નાઈની ઉત્તરે આશરે 100 કિમી. દૂર આ કેન્દ્ર આવેલું છે. મોટા કદનાં અનેક તબક્કાવાળાં ભારતીય સાઉન્ડિંગ રૉકેટો અને ઉપગ્રહ-પ્રક્ષેપન રૉકેટો અંગેની કાર્યવહી અહીં થાય છે. મોટાં રૉકેટોની ભૂમિસ્થિત ઉડ્ડયન- પરીક્ષણ સુવિધાઓ પણ આ કેન્દ્રમાં ઉપલબ્ધ છે.

(4) સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર (એસ.એ.સી.), અમદાવાદ, ગુજરાત અને ઉત્તર-પૂર્વનું સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર, શિલોંગ : અંતરીક્ષવિજ્ઞાન ટૅક્નૉલૉજી અને તેનો વ્યાવહારિક ઉપયોગ તેનું મુખ્ય કાર્ય છે. સંદેશાવ્યવહાર ઉપગ્રહના પે-લોડ, દૂર-સંવેદન(remote sensing)નો ઉપયોગ તથા તેને માટેની સામગ્રી, હવામાન તેમજ ભૂમાપનોનો અભ્યાસ એ બધાં તેનાં મુખ્ય કાર્યક્ષેત્રો છે. ભૂમિમથક માટેના ઍન્ટેના અને તેને લગતાં યંત્રોનો વિકાસ પણ અહીં થાય છે.

(5) ડેવલપમેન્ટ ઍન્ડ એજ્યુકેશન કૉમ્યુનિકેશન યુનિટ (ડી.ઈ.સી.યુ.), અમદાવાદ, ગુજરાત : આ એકમનો મુખ્ય હેતુ વિકાસલક્ષી તથા શૈક્ષણિક ટેલિવિઝન કાર્યક્રમો તૈયાર કરવાનો અને એ અંગે સંશોધન કરવાનો તેમજ પ્રશિક્ષણ આપવાનો છે. આ ઉપરાંત તેની દ્વારા અંતરીક્ષ ટૅક્નૉલૉજીના ઉપયોગલક્ષી કાર્યક્રમોનું સામાજિક ર્દષ્ટિએ મૂલ્યાંકન અને સંશોધન પણ કરવામાં આવે છે.

(6) લિક્વિડ પ્રોપલ્ઝન સિસ્ટમ્સ સેન્ટર (એલ.પી.એસ.સી.), બૅંગાલુરુ (કર્ણાટક) અને તિરુવનંતપુરમ્ (કેરળ) : ભવિષ્યમાં પ્રવાહી, બળતણ દ્વારા ઉપયોગમાં લેવાનાં શક્તિશાળી ઉપગ્રહ પ્રક્ષેપન રૉકેટ માટેનાં એન્જિનો અંગેનું સંશોધન આ કેન્દ્રમાં થઈ રહ્યું છે. મહેન્દ્રગિરિ ખાતે લિક્વિડ પ્રોપલ્ઝન ટેસ્ટ ફેસિલિટી છે.

(7) ટેલિમેટ્રી ટ્રૅકિંગ ઍન્ડ કમાન્ડ નેટવર્ક (આઇ.એસ.ટી.આર.એ.સી.), બૅંગાલુરુ, કર્ણાટક : શ્રી હરિકોટા, અમદાવાદ, કાર નિકોબાર, તિરુવનંતપુરમ્ અને કાવલુર ખાતે આવેલાં ‘ઇસ્ટેક’નાં પાંચ ભૂમિમથકો. પ્રમોચન-વાહનો ઉપગ્રહનાં દૂરમાપન (telemetry), દૂર-આદેશ (telecommand) તથા પથશોધન (tracking) અંગે આવશ્યક સુવિધા ધરાવે છે. ‘ઇસ્ટેક’નું મુખ્ય મથક બૅંગાલુરુમાં છે.

(8) કર્ણાટકના હસન ખાતે તૈયાર કરેલ માસ્ટર કંટ્રોલ ફેસિલિટી (NCF) ઇસરોના તમામ ભૂ-સ્થિર ઉપગ્રહોનું નિયંત્રણ અને અનુશ્રવણ કરે છે.

(9) બૅંગાલુરુ, દહેરાદૂન, જોધપુર, ખડગપુર અને નાગપુરનાં રીજિનલ રિમોટ સેન્સિંગ સર્વિસ સેન્ટરો (RRSSC) સંખ્યાબંધ દૂર-સંવેદન ઉપયોગ પ્રકલ્પો ચલાવે છે. તેમાં ખાસ કરીને પાકને લાયક વિસ્તાર અને ઉત્પાદન-અંદાજનો અભ્યાસ કરવામાં આવે છે.

(10) તિરુપતિ નજીક ગડાન્કી ખાતે નૅશનલ (M.ST) રડાર ફેસિલિટી; હૈદરાબાદ (આં.પ્ર.) ખાતે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી; લખનઉ (ઉ.પ્ર.) ખાતે ઇસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ ઍન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC); ઉદેપુર ખાતે સૌર વેધશાળા અને માઉન્ટ આબુ ખાતે ઇન્ફ્રારેડ વેધશાળા કાર્યરત છે.

ઇસરો લ્યુનર મિશન ટાસ્ક ફોર્સ તૈયાર કર્યો છે, જેમાં ચંદ્ર ઉપર માનવરહિત અવકાશયાન મોકલવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઇસરોનું PSLV તેને કક્ષામાં ગોઠવશે અને 2 વર્ષ કાર્ય કરશે. આ અવકાશયાનમાં ગૅમા અને ઍક્સ(X)-કિરણોના અભ્યાસ માટેનાં ઉપકરણો ગોઠવવામાં આવશે. આ અભ્યાસ ચંદ્રનું રસાયણ સમજવામાં મદદરૂપ થશે તથા વીજાણુ કૅમેરા વડે ચંદ્રની તસવીરો મેળવવામાં આવશે. આ અવકાશયાનનું પ્રક્ષેપણ 2000માં અપેક્ષિત છે. ઇસરો અને ફ્રેન્ચ નૅશનલ સ્પેસ એજન્સી હવે સંયુક્ત ઉપગ્રહ મિશન ‘મેઘા ટ્રૉપિક્સ’માં જોડાયાં છે તેના દ્વારા ઉષ્ણકટિબંધીય વાતાવરણ અને હવામાનનો અભ્યાસ કરવાનો આશય છે. ફ્રેન્ચ ઉપગ્રહ પ્લૅટફૉર્મ (Portens) ઉપર વૈજ્ઞાનિક રીતે વિકસાવેલ ઉપકરણ રાખવામાં આવશે. આ ઉપગ્રહ 2006માં ભારતના PSLV વડે છોડવામાં આવશે.

આ બધી પ્રવૃત્તિઓ ઉપરાંત, અંતરીક્ષ સંશોધન કાર્યક્રમને સુસંગત હોય એવાં અંતરીક્ષવિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને ઉપયોગના વિષયોમાં સંશોધન તેમજ વિકાસકાર્ય કરવા માટે ઇસરો તરફથી સહાય તેમજ પ્રોત્સાહન આપવા માટે ‘રિસ્પૉન્ડ’ નામનો કાર્યક્રમ પણ ચાલે છે. પરદેશની અન્ય અંતરીક્ષ સંશોધન સંસ્થાઓ સાથે સહકાર સ્થાપવાની કામગીરી પણ ઇસરોને સોંપવામાં આવેલી છે.

પ્રફુલ્લ દ. ભાવસાર