ઇસિભાસિયાઇં

January, 2002

ઇસિભાસિયાઇં (ઋષિભાષિતાનિ) : જૈન ધર્મનો એક પ્રાચીન વિશિષ્ટ આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના 45 આગમ ગ્રંથોમાં આનો સમાવેશ નથી થતો, પરંતુ જૈન ધર્મમાં દીક્ષિત ન થયા હોય અને છતાં જે કેવળજ્ઞાની ગણાતા હોય તેવા જૈનેતર ઋષિ કે મુનિને જૈન ધર્મમાં ‘પ્રત્યેકબુદ્ધ’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આવા પ્રત્યેકબુદ્ધ ઋષિ દ્વારા ભાષિત ઉપદેશ તે ઋષિભાષિત. અહીં 45 અધ્યયનોમાં 45 ઋષિઓની વાણી ગૂંથી લેવામાં આવી છે. આ ઋષિઓમાં વૈદિક પરંપરામાં બહુમાન્ય એવા નારદ, વલ્કલચિરિ, અંગિરસ, યાજ્ઞવલ્ક્ય, દ્વૈપાયન આદિનાં નામો જોવા મળે છે; તો સાતિપુત્ર, મહાસાલપુત્ર જેવાં બૌદ્ધ મુનિઓનાં નામો છે. આજીવિક સંપ્રદાયના ગોશાલક પણ અહીં એક ઋષિ રૂપે છે. બાવીસમા તીર્થંકર નેમિનાથથી લઈ અંતિમ ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના સમય સુધીના બુદ્ધ ઋષિઓનો ઉપદેશ આ રીતે અહીં સંગ્રહેલો છે.

સત્યશ્રવણ, દુ:ખનિવૃત્તિ, કર્મલેપ, સમત્વ, અહંવિજય, કામવિજય આદિ સર્વમાન્ય વિષયો પર આ ઋષિઓના ઉદગારો અત્યંત સરળ, ચોટદાર અને માર્મિક અર્ધમાગધી ભાષામાં અહીં ગૂંથી લેવાયા છે. ગ્રંથનો થોડો ભાગ ગદ્ય અને મોટો ભાગ પદ્યસ્વરૂપમાં છે.

વિષયવસ્તુ, ભાષા અને શૈલીના આધારે ડૉ. શુબ્રિંગે આને આચારાંગસૂત્ર, સૂત્રકૃતાંગસૂત્ર, ઉત્તરાધ્યયનાનિ અને દશવૈકાલિક જેવા આગમિક ગ્રંથોની હરોળમાં મૂકેલ છે.

રમણિકભાઈ મ. શાહ