ઇસરો (Indian Space Research Organisation – ISRO, ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા) : અંતરીક્ષ સંશોધન અને વિકાસકાર્યો માટેની ભારત સરકારના અંતરીક્ષ વિભાગ (Department of Space – DOS)ની શાખા.

1957માં રશિયાએ કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિક-1 પ્રમોચિત કરીને વિશ્વના અન્ય દેશો માટે અંતરીક્ષ સંશોધનનાં દ્વાર ખોલી આપ્યાં. ડૉ. વિક્રમ સારાભાઈની વિનંતીને માન આપીને તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 1962માં અવકાશ સંશોધન માટે એક રાષ્ટ્રીય સમિતિનું ગઠન કર્યું જે ‘ઇન્ડિયન નૅશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)’ તરીકે ઓળખાઈ. આ સમિતિએ ડૉ. હોમી ભાભાએ સ્થાપેલા પરમાણુ શક્તિ સંશોધન કેન્દ્ર ખાતેથી ભારત સરકારના પરમાણુ શક્તિ વિભાગના નેજા હેઠળ પોતાની પ્રવૃત્તિ શરૂ કરી. આમ ડૉ. ભાભા અને ડૉ. સારાભાઈએ ભારતમાં અંતરીક્ષ સંશોધનના શ્રી ગણેશ કર્યા. પૃથ્વીના ઉપરના વાતાવરણના અભ્યાસ માટે કેરાલામાં થુમ્બા ખાતે સાઉડિંગ રૉકેટ પ્રક્ષેપિત કરવાનું શરૂ થયું. આમ ભારતીય અંતરીક્ષ સંશોધનની પ્રવૃત્તિનો પ્રારંભ 21 નવેમ્બર 1963ના દિવસે  સાઉડિંગ રૉકેટના પ્રક્ષેપણથી થયો. 1967 સુધીમાં તો રોહિણી શ્રેણીના સ્વદેશી રૉકેટ બનવા લાગ્યાં. અંતરીક્ષ સંશોધનનો ઉપયોગ દેશના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવામાં અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે થઈ શકશે તેવી પ્રતીતિ થઈ. અંતરીક્ષ સંશોધન પ્રવૃત્તિને વેગ મળે અને વિશાળ ફલક પર કામ કરી શકે તે હેતુ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 15 ઑગસ્ટ, 1969ના રોજ (INCOSPAR) ઇનકોસપારને ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા – ઇસરોનું રૂપ આપ્યું અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL-પી.આર.એલ.) ખાતેના મુખ્યાલયમાં ડૉ. વિક્રમ સારાભાઈના નેતૃત્વમાં ઇસરોની પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો. જૂન, 1972માં ભારત સરકારના નવા સ્થપાયેલા અંતરીક્ષ વિભાગમાં ઇસરોનો સમાવેશ કરવામાં આવ્યો.

ભારતીય સમાજ અને જીવનને અનુરૂપ કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગોના વિકાસ અને અમલીકરણની સાથે સાથે કૃત્રિમ ઉપગ્રહ અને તેના પ્રક્ષેપણની ટૅકનૉલૉજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમાં રશિયા, અમેરિકા અને યુરોપની અંતરીક્ષ સંસ્થાઓનો સહકાર મળ્યો. 1975માં પ્રથમ સ્વદેશી ઉપગ્રહ “આર્યભટ” ભ્રમણકક્ષામાં પહોંચ્યો અને 1980માં સ્વદેશી પ્રક્ષેપણયાન (SLV – 3) એસએલવી-૩ દ્વારા ભારતની ધરતી પરથી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રમોચિત કરવામાં આવ્યો. આ સાથે ઉપગ્રહ પ્રક્ષેપણની ક્ષમતા ધરાવતું ભારત વિશ્વમાં સાતમું રાષ્ટ્ર બન્યું. સમયની સાથે ઇસરોની સંશોધનપ્રવૃત્તિને વેગ મળ્યો અને અંતરીક્ષ ટેકનોલોજીના વિવિધ આયામો પર નિપુણતા મેળવી. ઈસરોએ પોતાના ઉપગ્રહોને સફળતાપૂર્વક મંગળગ્રહ અને ચન્દ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા. ઇસરોએ વિવિધ દેશોના ઉપગ્રહોને પણ ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કર્યા. ઉપગ્રહ ટૅકનૉલૉજી, રૉકેટ ટૅકનૉલૉજી અને અંતરીક્ષ ટૅકનૉલૉજીના ઉપયોગો સંદર્ભે ઇસરો વિશ્વની ખ્યાતનામ ‘અંતરીક્ષ ટૅક્નૉલૉજી’ સંસ્થાઓની સમકક્ષ થઈ ગયું. 2020 સુધીમાં તો પ્રક્ષેપણયાન માટેના ક્રાયોજેનિક એન્જિન વિકસાવવાનું કાર્ય પણ સંપન્ન થયું.

ભારતીય ઉપખંડ વિસ્તારમાં સ્થાન દર્શન તેમજ નિર્દેશ માટે ઇસરોએ IRNSS પદ્ધતિ (Indian Regional Navigation Satellite System) વિકસાવી જે હવે NavIC (NAVigation with Indian Constellation) તરીકે ઓળખાય છે. ‘ગગનયાન’ નામે ઓળખાતું  સમાનવ અંતરીક્ષયાન ઇસરોનો મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ છે. આ અંગે ઘણી સજ્જતા ઇસરોએ કેળવી લીધી છે. ઇસરો સમાનવ અંતરીક્ષયાન 2024 સુધીમાં પ્રક્ષેપિત કરવાનો મનસૂબો ધરાવે છે. ગગનયાનની સફળતાને પગલે ત્યાર પછીના પાંચથી સાત વર્ષમાં અંતરીક્ષ મથક (Space Station) સ્થાપવાની ઇસરોની યોજના છે. ઇસરોએ વિકસાવેલી વિમાન આરોહણ-અવરોહણમાં મદદરૂપ પદ્ધતિ ગગન (GPS Aided GEO Augmented Navigation – GAGAN) કાર્યરત થઈ ગઈ છે. 2019માં ચન્દ્રની સપાટી પર હળવેકથી વિક્રમ લેન્ડરને ઉતારવામાં ચન્દ્રયાન-2 નિષ્ફળ રહ્યું. આ ત્રુટીને દૂર કરવાની યોજના 2023ના ચન્દ્રયાન અભિયાનમાં છે.

ઇસરોનું ધ્યેય વધુ શક્તિશાળી અને ઓછું પ્રદૂષણ કરતા રૉકેટ એન્જિન વિકસાવવાનું છે. આ માટે વીજ કણ અને અણુશક્તિનો ઉપયોગ કરવાની યોજના છે. તેનો ઉપયોગ કરી સૂર્યમાળાના અન્ય ગ્રહોનું ખેડાણ, લઘુગ્રહો અને ધૂમકેતુઓનો અભ્યાસ, અંતરીક્ષમાં દૂરબીન સ્થાપન, ચન્દ્ર અને અન્ય ગ્રહ પર માનવઉતરાણ જેવા મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પો હાથ ધરી શકાશે. પુન:ઉપયોગી પ્રક્ષેપણયાન અને નાના કૃત્રિમ ઉપગ્રહોના પ્રક્ષેપણ માટેના પ્રક્ષેપણયાન ઇસરો વિકસાવી રહ્યું છે. 2024 સુધીમાં સૂર્યના અભ્યાસ માટે આદિત્ય-L1 અને શુક્રગ્રહના અભ્યાસ માટે શુક્રયાન-1 પ્રક્ષેપિત કરવાની ઇસરોની યોજના છે. બીજા દેશોની અંતરીક્ષ સંસ્થા સાથેના સહકારથી ઇસરોએ કેટલાક પ્રકલ્પો હાથ ધર્યા છે જેમાં જાપાન સાથે ચન્દ્રના ધ્રુવ પ્રદેશના અભ્યાસ માટેનું અભિયાન LUPEX છે. અમેરિકાના સંયુક્ત ઉપક્રમે  ઇસરો વિશ્વનો પ્રથમ બે ફ્રિકવન્સી વાપરતો રાડાર ઇમેજિંગ ઉપગ્રહ વિકસાવી રહ્યું છે. આ પ્રકલ્પ નિસાર તરીકે ઓળખાય છે.

અંતરીક્ષ સંશોધન કાર્યક્રમને સુસંગત હોય એવાં અંતરીક્ષવિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને તેના ઉપયોગના વિષયોમાં સંશોધન તેમજ વિકાસકાર્ય કરવા માટે ઇસરો તરફથી સહાય તેમજ પ્રોત્સાહન આપવા માટે ‘રિસ્પૉન્ડ’ નામનો કાર્યક્રમ પણ છે. પરદેશની અન્ય અંતરીક્ષ સંશોધન સંસ્થાઓ સાથે સહકાર સ્થાપવાની કામગીરી પણ ઇસરો કરે છે. વિદ્યાર્થીઓ અને જનતા  ઇસરોના કાર્યક્રમથી માહિતગાર થાય અને તેમાં રસ લેતાં થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

ઇસરોની પ્રવૃત્તિ દેશમાં ફેલાયેલાં તેનાં વિવિધ કેન્દ્રોમાં ચાલે છે જ્યાં લગભગ સત્તર હજાર વિજ્ઞાનીઓ, ઇજનેરો અને અન્ય કર્મચારીઓ કામ કરે છે. ઇસરોનું  વાર્ષિક બજેટ 13,000 કરોડ રૂપિયા થવા જાય છે. ઇસરોના કાર્યક્રમમાં સક્ષમ ખાનગી સાહસો પણ પોતાનું યોગદાન આપે છે. આ માટે તેઓ ઇસરોની સુવિધાઓનો પણ મર્યાદિત ઉપયોગ કરી શકે છે. ઇસરોના દેશવ્યાપી કેન્દ્રોની માહિતી નીચે મુજબ છે:

1. VSSC – વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર – તિરુવનંતપુરમ્ – કેરાલા: ઇસરોનું આ સૌથી મોટું કેન્દ્ર છે. એસએલવી 3, એએસએલવી, પીએસએલવી, જીએસએલવી, એસએસએલવી, એમએલવી જેવા બધા જ પ્રક્ષેપણ યાનો અહીં વિકસવવામાં આવ્યાં છે. ઇસરોને જરૂરી પ્રક્ષેપણ યાનના વિકાસ અને સંરચનાની જવાબદારી આ કેન્દ્રની છે. તે થુમ્બા ઇક્વિટોરિયલ રૉકેટ લૉચિંગ સ્ટેશન અને રોહિણી સાઉંડિંગ રૉકેટ કાર્યક્ર્મને પણ સહકાર આપે છે.

2. LPSC – લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમ્સ સેન્ટર – તિરુવનંતપુરમ્ – કેરાલા અને બૅંગાલુરુ – કર્ણાટક: પ્રક્ષેપણ યાન અને ઉપગ્રહ માટેના પ્રવાહી પ્રણોદક (પ્રપલ્શન) શક્તિ મેળવતા ભાગ અને એંજિનની સંરચના, વિકાસ, પરીક્ષણ અને અમલીકરણની જવાબદારીનું આ કેન્દ્ર વહન કરે છે. જોકે સિસ્ટમનું પરીક્ષણ મહદઅંશે મહેંદ્રગિરિ ખાતેના કેન્દ્રમાં થાય છે.

3. SDSC – સતિશ ધવન સ્પેસ સેન્ટર – શ્રીહરિકોટા રેંજ – નેલ્લોર – આંધ્ર પ્રદેશ: ભારતનું આ ઉપગ્રહ પ્રક્ષેપણ મથક સ્થળ છે. અહીં ઘન પ્રણોદક બુસ્ટરનો સૌથી મોટો પ્લાન્ટ છે. પ્રક્ષેપણ યાનનું સંઘટન પણ અહીં જ થાય છે. યાનનાં કેટલાંક પરીક્ષણો અને મૂલ્યાંકન કરવાની સગવડ અહીં છે. 175 વર્ગ કિલોમીટરના ટાપુ પર બે પ્રક્ષેપણ મથક છે.

4. URSC – યુ. આર. રાવ સેટેલાઈટ સેન્ટર – બૅંગાલુરુ – કર્ણાટક: પહેલાં ઇસરો સેટેલાઇટ સેન્ટર તરીકે ઓળખાતાં આ કેન્દ્રમાં ભારતીય ઉપગ્રહોનું સંકલન થાય છે. તદુપરાંત ઉપગ્રહોના કેટલાક ઘટકોની સંરચના, વિકાસ અને નિર્માણની જવાબદારી પણ આ કેન્દ્રની છે.

5. SAC – સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર – અમદાવાદ – ગુજરાત: બહુવિધ પ્રવૃત્તિઓ કરતું આ કેન્દ્ર છે. અહીં ઉપગ્રહના પેલોડ અને કેટલાક અંતરીક્ષ ઉપકરણોની ડિઝાઇન, વિકાસ અને તેનું અમલીકરણ થાય છે. દૂર સંચાર અને દૂર સંવેદન થકી સમાજ ઉપયોગી અંતરીક્ષ ઉપયોગના કાર્યક્રમો માટે વિવિધ પ્રણાલીનો તેમજ તેને માટે જરૂરી ઘટકોના વિકાસની સાથે વાતાવરણ અનુશ્રવણ, હવામાનશાસ્ત્ર વગેરે ક્ષેત્રમાં ઉપગ્રહના વ્યવહારુ ઉપયોગ ક્ષેત્રે કાર્યરત છે.

6. NRSC – નૅશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર – હૈદરાબાદ – તેલંગણા: દૂર સંવેદન ઉપગ્રહના ડેટા સંપાદન કરવા અને તેના પર પ્રક્રિયા કરવી, તેનું વિતરણ કરવું, હવાઈ દૂર સંવેદન કરવું અને આપદા પ્રબંધનમાં નિર્ણય લેવામાં આ કેન્દ્ર મદદ કરે છે. ભારતીય દૂર સંવેદન ઉપગ્રહ દ્વારા તેમજ આની રીતે ડેટા સંપાદન માટે હૈદરાબાદ નજીક શાદનગર ખાતે મથક છે. ડેટા વાપરનારાના સહકારથી ડેટા ઉપયોગ માટે વિવિધ પ્રણાલીઓ વિકસાવવામાં આવે છે. દેશમાં વિવિધ જગ્યાએ સ્થિત પ્રાદેશિક દૂર સંવેદન કેન્દ્રો આ માટે સહાયભૂત થાય છે. જોધપુર – રાજસ્થાન, કોલકાતા – પશ્ચિમ બંગાળ, ન્યુ દિલ્હી – દિલ્હી, બૅંગાલુરુ – કર્ણાટક અને નાગપુર – મહારાષ્ટ્ર ખાતે RRSC (રિજનલ રિમોટ સેન્સિંગ સેન્ટર) આવેલાં છે.

7. HSFC – હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર- બૅંગાલુરુ – કર્ણાટક: ઇસરોનાં નવાં સ્થપાયેલાં (30 જાન્યુઆરી 2019) આ કેન્દ્રની જવાબદારી ગગનયાન પ્રકલ્પના અમલીકરણની છે. તેમાં અભિયાન આયોજન, અંતરીક્ષમાં યાત્રીઓના જીવન માટે ઇજનેરી પ્રણાલીઓનો વિકાસ, યાત્રીઓની પસંદગી અને તાલીમ વગેરેનો સમાવેશ થાય છે.

8. IPRC – ઇસરો પ્રપલ્શન કૉમ્પ્લેક્સ – મહેંદ્રગિરિ – તામિલનાડુ: પ્રક્ષેપણ યાનનાં વિવિધ પ્રકારનાં એન્જિનોનું એકત્રીકરણ, સંકલન અને પરીક્ષણ, યાનના ઉપરના ભાગના એન્જિનનું વધુ ઊંચાઈ માટે પરીક્ષણ, થ્રસ્ટરનું પરીક્ષણ અને ક્રાયોજેનિક પ્રણોદકનું ઉત્પાદન અને પુરવઠાની જવાબદારીનું તે વહન કરે છે॰ તરલ પ્રણોદકના પુરવઠાની જવાબદારી પણ IPRCની છે.

9. IISU – ઇસરો ઇનરશિયલ સિસ્ટમ્સ યુનિટ – તિરુવનંતપુરમ્ – કેરાલા: પ્રક્ષેપણ યાન અને અંતરીક્ષયાન (ઉપગ્રહ) માટેની ઇનરશિયલ સિસ્ટમ્સના (Inertia એટલે જડત્વ) ડિઝાઇન અને વિકાસના કાર્યમાં વ્યસ્ત છે. તે દિશમાન અને સ્થાન જાળવી રાખવામા યાનને મદદરૂપ થાય છે.

10. ISTRAC – ઇસરો ટેલિમિટરી, ટ્રૅકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક – બૅંગાલુરુ – કર્ણાટક: ઇસરોના તમામ ઉપગ્રહો અને પ્રક્ષેપણયાનોના પથનું અનુસરણ કરે છે. અભિયાનને સુપેરે પાર પાડવા માટે પ્રક્ષેપણથી કક્ષા પ્રવેશ સુધી તે વિવિધ પ્રાચલની દૂરથી માપણી કરે છે. સાથે સાથે પથાનુસરણ અને આદેશ સેવા પૂરી પાડે છે. આ માટે ઇસટ્રેકે બૅંગાલુરુ, લખનઉ, મોરેશિયસ, શ્રીહરિકોટા, પૉર્ટ બ્લેયર, તિરુવનંતપુરમ્, બ્રુનેઈ (Brunei), બિયાક (Biak – ઇંડોનેશિયા) અને ડીપ સ્પેસ નેટવર્ક સ્ટેશનનાં ભૂ-મથકોનું નેટવર્ક રચ્યું છે.

11. MCF – માસ્ટર કંટ્રોલ ફેસિલિટી – હસન – કર્ણાટક અને ભોપાલ – મધ્ય પ્રદેશ: ઇસરોના બધા જ ભૂ-સ્થિત ઉપગ્રહો પર દેખરેખ રાખે છે અને તેનું નિયમન કરે છે. તદુપરાંત તે પ્રારંભિક તબક્કામાં ઉપગ્રહને કક્ષામાં ગોઠવવાનું, કક્ષામાં પેલોડનું પરીક્ષણ અને ઉપગ્રહની જીવનપર્યંત કક્ષામાં તેનું પ્રચાલન કરે છે.

12. LEOS – લૅબોરેટરી ફોર ઇલેક્ટ્રૉ-ઑપ્ટિક્સ સિસ્ટમ્સ – બૅંગાલુરુ – કર્ણાટક: બધા જ પ્રકારના ઉપગ્રહો અને આંતર ગ્રહીય અભિયાનોના સ્થાન જાળવી રાખવા માટે જરૂરી સંવેદકોની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનની જવાબદારીનું  વહન કરે છે. દૂર સંવેદન ઉપગ્રહો અને હવામાન પેલોડ માટે પ્રકાશીય સંવેદકો વિકસાવી અને પૂરા પાડે છે.

13. IIRS – ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ – દેહરાદૂન – ઉત્તરાખંડ: દૂર સંવેદન ક્ષેત્રે તાલીમ અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી સંસ્થા.

નોંધ:

  1. દરેક કેન્દ્ર બહુવિધ પ્રવૃત્તિઓ કરતું હોય છે. મુખ્ય પ્રવૃતિને સંલગ્ન પ્રવૃત્તિઓની જવાબદારી પણ જે તે કેન્દ્રની હોય છે.
  2. અંતરિક્ષ વિભાગની અન્ય સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો નથી.
ઇસરોના અધ્યક્ષોની યાદી
ક્રમ અધ્યક્ષ કાર્યકાળ વર્ષ/અવધિ
1 ડૉ. વિક્રમ સારાભાઈ 1963થી 1971 / 9 વર્ષ
2 પ્રો. એમ.જી.કે. મેનન 1972 / 9 મહિના
3 પ્રો. સતીશ ધવન 1972થી 1984 / 12 વર્ષ
4 પ્રો. યુ. આર. રાવ 1084થી 1994 / 10 વર્ષ
5 ડૉ. કે. કસ્તુરીરંગન 1994થી 2003 / 9 વર્ષ
6 જી. માધવન નાયર 2003થી 2009 / 6 વર્ષ
7 ડૉ. કે. રાધાક્રિશ્નન 2009થી 2014 / 5 વર્ષ
8 ડૉ. શૈલેષ નાયક 2015 / 11 દિવસ
9 એ. એસ. કિરણકુમાર 2015થી 2018 / 3 વર્ષ
10 ડૉ.. કે. સિવન 2018થી 2022 / 3 વર્ષ
11 એસ. સોમનાથ 2022થી કાર્યરત

 

 

ચિંતન ભટ્ટ

પ્રફુલ્લ દ. ભાવસાર