ઇલા : પુરાણ અનુસાર વૈવસ્વત મનુની પુત્રી. શ્રીહરિના વરદાનથી ઇલાનું સુદ્યુમ્ન નામે પુરુષમાં પરિવર્તન થયું, પરંતુ શિવપાર્વતીનો વનમાં પ્રવેશ થતાં એ પાછો સ્ત્રી બની ગયો. ઇલા ચંદ્રપુત્ર બુધને પરણી અને તેનાથી એને પુરુરવા નામે પુત્ર થયો એવી પુરાણકથા છે. ઇલા-બુધનો વંશ ઐલ વંશ તરીકે અને બુધ ચંદ્રનો પુત્ર હોઈ આગળ જતાં ચંદ્રવંશ તરીકે ઓળખાયો. એ વંશમાં આગળ જતાં યયાતિ થયો, જેના પુત્ર યદુમાંથી યાદવ અને પુરુમાંથી પૌરવ વંશ થયો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી