ઇરી સરોવર : ઉત્તર અમેરિકાના ‘ધ ગ્રેટ લેક્સ’ તરીકે ઓળખાતાં પાંચ સરોવરમાંનું વિસ્તારની ર્દષ્ટિએ ચોથા ક્રમનું સરોવર. તે 42o 30´  ઉત્તર અક્ષાંશ અને 82o પશ્ચિમ રેખાંશ પર, સમુદ્રની સપાટીથી આશરે 172 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો અડધા ઉપરાંતનો ભાગ અમેરિકામાં અને બાકીનો કૅનેડામાં છે. તે ઉત્તરમાં કૅનેડા અને પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં અમેરિકા વચ્ચેની સરહદ નક્કી કરે છે. તેની સપાટીનું ક્ષેત્રફળ (25,720 ચોકિમી.) બાદ કરતાં તેના જળનિકાસનો કુલ વિસ્તાર 58,770 ચોકિમી. તથા સપાટી સાથેના ક્ષેત્રફળનો કુલ વિસ્તાર 84,490 ચોકિમી. છે. તેના વ્યવસ્થિત ક્રમબદ્ધ (regular) કિનારાની લંબાઈ 1,058 કિમી. છે. પશ્ચિમ અને નૈર્ઋત્યથી પૂર્વ અને ઈશાન સુધીની તેની મુખ્ય ધરીની લંબાઈ 388 કિમી. છે અને તેની મહત્તમ પહોળાઈ 92 કિમી. છે. તેના પ્રદેશમાં વાર્ષિક 860 મિમી. જેટલો સરેરાશ વરસાદ થાય છે. તેનું સરેરાશ તાપમાન 4o-10o સે. વચ્ચે રહે છે. તેના પ્રદેશમાં આવેલા અન્ય ટાપુઓ કરતાં પશ્ચિમ છેડા પર આવેલો હેલી દ્વીપકલ્પ મોટામાં મોટો છે. તેની પ્રમુખ પેટાનદીઓમાં ડેટ્રૉઇટ, હ્યુરોન, રાઇસિન, માઉમી, પૉર્ટેજ, સૅન્ડસ્કી, કુયાહોગા, ગ્રૅન્ડ રીવર (ઓહાયો), ગ્રૅન્ડ રીવર (ઑન્ટારિયો) તથા ન્યૂયૉર્કની કૅટરૉગસ ખાડીનો સમાવેશ થાય છે. પૂર્વ તરફ આ સરોવર આશરે 41 કિમી. લાંબી નાયગરા નદી મારફતે ઑન્ટારિયો સરોવર સાથે જોડાયેલું છે. તેના તટ પર અનેક બંદરો વિકસ્યાં છે. તેના કાંઠાપ્રદેશમાં વિકસેલું ઔદ્યોગિક અર્થતંત્ર જળપરિવહનની સુગમતા પર અવલંબે છે. ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી ઘણી ચીજવસ્તુઓ તથા સાધનોની હેરફેર આ સરોવર પર વિકાસ પામેલી પરિવહનની સગવડને આભારી છે. છેક સત્તરમી સદીથી આ સરોવરના પ્રદેશમાં વ્યાપારની પ્રવૃત્તિ શરૂ કરવાનો જશ બ્રિટિશ સાહસિક વ્યાપારીઓને ફાળે જાય છે. તેના વિસ્તારમાં વિકાસ પામેલાં મહત્વનાં ઔદ્યોગિક નગરોમાં ક્લીવલૅન્ડ, ઓહાયો, ટોલૅડો, બફૅલો, પા, વિંડસર તથા સૅન્ડસ્કી ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેના તટપ્રદેશમાં ફળફળાદિની ઘણી વાડીઓ છે. દક્ષિણ ઑન્ટારિયોના ઉત્તર-પશ્ચિમ કિનારા પર પૅલી નૅશનલ પાર્ક આવેલો છે. આ સરોવરમાંથી કાઢવામાં આવેલી વેલાન્ડા નહેર આશરે 43 કિમી. લાંબી છે.

આ સરોવરની શોધ 1669માં ફ્રેંચ-કૅનેડિયન  અન્વેષક લુઈ જૉલિયટે કરી હોય તેવા સંકેત સાંપડે છે. ત્યાં સુધી આ સરોવરના પ્રદેશમાં સ્થાનિક આદિવાસી પ્રજા વસવાટ કરતી હતી. 1669 પછી ફ્રેન્ચ તથા બ્રિટિશ સાહસિકોએ સરોવરના તટવિસ્તારમાં કિલ્લા બાંધવાની શરૂઆત કરી હતી અને ત્યારથી યુરોપ સાથેના તેના સંપર્કમાં વધારો થતો રહ્યો છે.

સરોવરના કિનારાના પ્રદેશમાં ભૂતકાળમાં વસવાટ કરતી ઇરી (Erie) આદિમજાતિના નામ પરથી આ સરોવરનું નામ ‘ઇરી’ પડ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે