ઇબ્ન સીના (જ. 980, બુખારા, ઉઝબેકિસ્તાન; અ. 22 જૂન 1037, હમદાન, ઈરાન) : ‘જ્ઞાનીઓના શિરોમણિ’ અને ‘ઍરિસ્ટોટલ પછીના બીજા મહાન તત્વજ્ઞ’ જેવાં સર્વોચ્ચ બિરુદો પામેલા અને પશ્ચિમ જગતમાં અવિસેન્ના(Avicenna)ના નામે જાણીતા મશહૂર અરબ તત્ત્વજ્ઞ, વૈદકશાસ્ત્રી, ખગોળવિદ્ અને ગણિતવિજ્ઞાની. મૂળ નામ અબૂ અલી હુસૈન. પિતાનું નામ અબ્દુલ્લાહ. 10 વર્ષની વયે શાળાનું બધું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું અને આખું કુરાન કંઠસ્થ કરી લીધું હતું. 16 વર્ષની ઉંમર સુધીમાં ચિકિત્સાવિજ્ઞાન પર એવો કાબૂ મેળવી લીધો હતો કે બુખારાના અમીરે તેમને ઇલાજ કરવા બોલાવ્યા હતા. શિક્ષણ મેળવ્યા પછી બુખારાના રાજવીના અતિસમૃદ્ધ ગ્રંથાલયમાં ગ્રંથપાલ તરીકે નિમાયા. એ કાર્યકાળ દરમિયાન, પોતાની અદ્વિતીય સ્મરણશક્તિ અને વિસ્મયકારક ગ્રહણશક્તિથી ગણિત, ધર્મસ્મૃતિ, ઇલ્મેકલામ (scholastic philosophy), સાહિત્ય, તત્ત્વદર્શન, ભૂમિતિ, ખગોળશાસ્ત્ર, ભૌતિક અને પારભૌતિકશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, સંગીત ઇત્યાદિ વિષયોનાં એ ગ્રંથાલયમાંનાં તમામ પુસ્તકો વાંચી લઈને 21 વર્ષની વયે લેખનપ્રવૃત્તિ શરૂ કરી હતી. ઉપર જણાવેલા અનેકવિધ વિષયોનાં તેમણે 200 ઉપરાંત પુસ્તકો લખ્યાં છે. આવાં નવ-પ્લેટોવાદ તેમજ ઇસ્લામી ધર્મસ્મૃતિની વિચારધારાની અસર હેઠળ ઍરિસ્ટોટલની તત્ત્વદર્શનપ્રણાલીમાં ફેરફાર પ્રયોજી રજૂ કરેલા રૂપના સિદ્ધાંતોના જ્ઞાનકોશ જેવા ગ્રંથ ‘કિતાબુશ્શિફા’ તથા ગ્રીક-અરબ વૈદકશાસ્ત્રનો પ્રમાણભૂત ગ્રંથ ‘અલ્-કાનૂન ફિત્તિબ’ ખૂબ વિખ્યાત છે. ‘અલ્-કાનૂન’ યુરોપમાં શતકો સુધી વૈદકશાસ્ત્રના પાઠ્યપુસ્તક તરીકે નિયત ગ્રંથ હતો. બારમી સદીમાં ‘કિતાબુશ્શિફા’નો લૅટિન ભાષામાં અનુવાદ થતાં તેમની પ્રતિભાનો વ્યાપક સ્તરે સ્વીકાર થયો.
માનવશરીરમાંની માંસપેશીઓની રચનાનું યથાર્થ વર્ણન કરનારા તેઓ સૌપ્રથમ વિજ્ઞાની હતા. તેમણે એ પણ કહ્યું હતું કે અમુક રોગો જળ અને વાયુમંડળમાં રહેલા નાના નાના જીવો દ્વારા ફેલાય છે. તેમણે 8 સાધારણ પ્રકારની અને 20 મિશ્રિત પ્રકારની નાડીઓ શોધી હતી. તેમણે દિવસની ઊંઘનો નિષેધ કર્યો હતો, તેમજ બાળકને માતાના ધાવણ પર જ ઉછેરવાની ભલામણ કરી હતી. આમ, સ્વાસ્થ્યને લગતી કેટલીક મૂળભૂત બાબતોમાં તેઓ અગ્રેસર રહ્યા છે. મુસ્લિમ-ઍરિસ્ટોટેલિયન તરીકેની ઉપરાંત તે પૌરસ્ત્ય જીવનદૃષ્ટિના સમર્થક અને નિષ્ણાત તરીકે ખૂબ નામના પામ્યા હતા.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ
બાવાસાહેબ તિરમિઝી
હરિત દેરાસરી