ઇબ્ન સાઉદ, અબ્દુલ અઝીઝ (જ. 1880, રિયાધ; અ. 1953) : આદિમ જાતિઓના નેતા, મુસલમાનોના ધાર્મિક વડા, યુદ્ધનિપુણ મુત્સદ્દી, આધુનિક સાઉદી અરેબિયાના સ્થાપક તથા દેશની ખનિજ-તેલસંપત્તિના વિકાસ અને ઉપયોગની પહેલ કરનાર રાજ્યકર્તા. શિશુ-અવસ્થામાં કુવૈતમાં દેશવટો તથા તીવ્ર આર્થિક વિટંબણા વચ્ચે ગુમાવેલું રાજ્ય ફરી હસ્તગત કરવાની તીવ્ર તમન્ના. 1901માં હતાશ અને હારેલા પિતાએ સ્વેચ્છાથી પોતાનાં અધિકારસૂત્રો તેને સોંપ્યાં. 1902માં આક્રમણ દ્વારા રિયાધ પર કબજો કર્યો અને નેજદના રાજા તથા વહાબીઓના ઇમામ તરીકે જાહેર થયા. 1902-12 દરમિયાન હથિયારબંધ હલ્લાઓ તથા ઝપાઝપીના યુદ્ધને અંતે મધ્ય અરેબિયા પર સત્તા પ્રસ્થાપિત કરી. 1913માં તુર્કીઓને હાંકી કાઢી પૂર્વ અરેબિયા પર તથા 1916-22 દરમિયાન રશીદ શાસકોનો ધ્વંસ કરી ઉત્તર અરેબિયા પર કબજો જમાવ્યો. 1924-26 દરમિયાન હાશેમાઇટ્સ રાજ્યકર્તાઓને પરાસ્ત કરી તેમણે મક્કા તથા પશ્ચિમ અરેબિયાને પોતાના વર્ચસ હેઠળ આવરી લીધાં. 1926માં તેઓ હેજાઝના રાજા તથા 1927માં નેજદના રાજા તરીકે પસંદગી પામ્યા. આ રીતે મેળવેલા બધા જ પ્રદેશોનું એકીકરણ કરી 1932માં તેમણે સાઉદી અરેબિયાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કર્યું અને પોતે તેના સર્વસત્તાધીશ બન્યા.

બંને વિશ્વયુદ્ધો દરમિયાન મિત્રરાષ્ટ્રોના આદર્શો સાથે સંમત હોવા છતાં તેમણે યુદ્ધમાં ભાગ લેવાની બાબતમાં તટસ્થતાની નીતિ સ્વીકારી હતી.

ઇબ્ન સાઉદ, અબ્દુલ અઝીઝ

ઇબ્ન સાઉદ, અબ્દુલ અઝીઝ

1933માં તેમણે અમેરિકાની એક તેલકંપની સાથે દેશના ખનિજ તેલભંડારોના અન્વેષણ અંગે કરાર કર્યો, જે બીજા વિશ્વયુદ્ધ પછી જ કાર્યાન્વિત થઈ શક્યો. 1950માં ખનિજતેલની રૉયલ્ટી પેટે દેશને 2 લાખ ડૉલર જેટલી આવક થઈ, પરંતુ 3 વર્ષ પછી દર અઠવાડિયે 25,00,000 ડૉલર જેટલી રકમ મળવા લાગી. આ જોઈને મધ્યપૂર્વના દેશોના ઠગોએ મોટી સંખ્યામાં સાઉદી અરેબિયામાં પોતાના અડ્ડા ઊભા કર્યા. તેનો એકમાત્ર હેતુ યેન કેન પ્રકારેણ દેશની અણધારી સમૃદ્ધિ પચાવી પાડવાનો હતો. પરિણામે સાઉદી અરેબિયા જેવા ધર્મચુસ્ત દેશમાં અનેક પ્રકારની ધાર્મિક, આર્થિક તથા સામાજિક વિટંબણાઓ ઊભી થઈ અને તેથી ઇબ્ન સાઉદનાં છેલ્લાં વર્ષો શારીરિક અને માનસિક તણાવમાં વીત્યાં.

ઓગણીસમી સદીના અંત સુધી સતત ભટકતી રહેતી જાતિઓને સ્થિર કરવા માટે તથા ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વહેંચાયેલા ઘટકોને એકસૂત્રી રાજ્યવ્યવસ્થા હેઠળ સંગઠિત કરવા માટે પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ ધરાવતા આ કુશળ રાજનીતિજ્ઞ તથા પ્રશાસકે જે કાર્ય કર્યું તેની ઇતિહાસકારોએ નોંધ લીધી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે