ઇબ્ન હઝમ (જ. 7 નવેમ્બર 994, કોર્ડોવા; અ. 15 ઑગસ્ટ 1064, મન્તા લિશામ) : મુસ્લિમ સાહિત્યકાર, ઇતિહાસકાર, કાયદાનો તજજ્ઞ, તત્વચિંતક અને ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબૂ મુહમ્મદ અલી. પિતાનું નામ અહમદ બિન સઈદ. ઇબ્ન હઝમના કુન્યહથી પ્રસિદ્ધ છે. તે આરબ-મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન વિચારક હતો. સ્પેનના મુસલમાનોમાં સૌથી મૌલિક અને મહાન વિદ્વાન ગણાતો. તેની વિદ્વત્તાના કારણે સ્પેનના સુલતાન અબ્દુર્રહમાને અને તેના પછી સુલતાન હિશામે તેને મુખ્યમંત્રીપદ આપ્યું હતું, પરંતુ ઉમૈય્યા વંશની પડતીના દિવસોમાં ઇબ્ન હઝમે એકાંતવાસ ધારણ કરી સાહિત્યિક સિદ્ધિઓ મેળવી. તેનો પુત્ર રાફેઅ કહે છે કે તેના પિતા ચારસો કૃતિઓના કર્તા છે. ‘તૌકુલ્-હમામ’ તેમજ ‘કિતાબુલ્અખ્લાક વસ્-સિયર’ દ્વારા તેઓ એક માનસશાસ્ત્રી અને ઉપદેશક પુરવાર થાય છે. તેણે ‘કિતાબુત્તક્રીબ’માં ઍરિસ્ટોટલના તર્કશાસ્ત્રનો સાર આપ્યો છે. આ જ વિષયની તેની બીજી કૃતિ ‘કિલાબુલ્-અહ્કામ’ પણ છે. તેની બીજી મહત્વની કૃતિઓ ‘અનાસિરૂલ્-કલામ’, ‘કિતાબુલ્-મુહલ્લા’ અને ‘કિતાબુત્તૌહીદ’ છે.

ઇબ્ન હઝમને ફિકહ અને ધર્મશાસ્ત્રના ઝાહિરી સંપ્રદાયનો મુખ્ય પ્રતિનિધિ ગણવામાં આવે છે. તેના ગ્રંથ ‘તહાફતુત્તહાફહ’માં સચોટ દલીલો સહિત ઇમામ ગઝાલીના ‘તહાફતુલ ફલાસિફા’નો પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે. ઇબ્ન હઝમનો સૌથી પ્રખ્યાત ગ્રંથ ‘અલ્ ફસ્લ ફિલમિલલ વલ અહવા વન્નિહલ’ છે, જે વિશ્વના વિવિધ ધર્મોના તુલનાત્મક અભ્યાસનો સર્વપ્રથમ અરબી ગ્રંથ છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ