ઇન્શા-ઇન્શાઅલ્લાહખાન
January, 2024
ઇન્શા, ઇન્શાઅલ્લાહખાન (જ. 1752 મુર્શિદાબાદ; અ. 19 મે 1817 લખનૌ) : હિંદી ખડી બોલી – ગદ્યના આદ્ય પુરસ્કર્તા પૈકીના એક. પિતા મીર માશા અલ્લાખાં કાશ્મીરથી દિલ્હી આવીને વસેલા અને શાહી હકીમ રૂપે કામ કરતા હતા. મુઘલ સમ્રાટની આર્થિક સ્થિતિ નબળી થવાથી તેઓ દિલ્હીથી મુર્શિદાબાદના નવાબની નિશ્રામાં ગયા, જ્યાં ઇન્શાનો જન્મ અને ઉછેર થયો. બંગાળમાં પણ રાજકીય સ્થિતિ બગડતાં ઇન્શા દિલ્હીમાં મુઘલ બાદશાહ શાહ આલમ-2જાના આશ્રયે ગયા. ઇન્શા પોતે ખુશમિજાજ, હાજર જવાબી અને વ્યુત્પન્ન વ્યક્તિ હતા. શાહ આલમ ઇન્શાની શાયરીની કદર તો કરતા હતા પરંતુ તેમને યથોચિત પુરસ્કાર આપી શકતા નહોતા. આથી પોતાની મહત્વાકાંક્ષા સંતોષાતી ન હોઈ, ઇન્શા લખનૌના નવાબ સહાદતઅલી ખાંના દરબારમાં પહોંચ્યા. શરૂઆતમાં તો નવાબ સાથે તેમને સારું બન્યું પરંતુ એક વાર એમનાથી એક અભદ્ર મજાક થઈ જતાં નવાબે તેમને દરબારમાંથી રુખસદ આપી દીધી. ત્યાર બાદ જીવનનાં અંતિમ વર્ષો ઘણી મુશ્કેલીઓમાં વીતાવી.
ઇન્શા ઉર્દૂ-ફારસીના નામાંકિત શાયર હતા. તેમણે ‘ઉર્દૂ ગઝલોંકા દીવાન’, ‘દીવાને રેખ્તા’, ‘કસાયદ ઉર્દૂ-ફારસી’, ‘ફારસી મસનવી’, ‘દીવાને ફારસી’, ‘મસનવી બેનુકત’, ‘મસનવી શિકારનામા’, ‘દરયાયે લતાફત’ વગેરે અનેક કૃતિઓ ઉર્દૂ-ફારસીમાં લખી છે. હિંદી ખડી બોલી–ગદ્યમાં ‘રાની કેતકી કી કહાની’ યા ‘ઉદયભાન-ચરિત’ તેમની સુપ્રસિદ્ધ રચના છે. આ વાર્તાનું ભાષા, શૈલી અને વર્ણ્ય વિષયવસ્તુ બધી દૃષ્ટિએ ભારે મહત્ત્વ ગણાયું છે. આ વાર્તા શુદ્ધ સાંસારિક પ્રેમને આધાર બનાવીને મનોરંજન માટે લખાયેલી છે. ઇન્શાની ગદ્યશૈલી ખૂબ મસાલેદાર, મનોરંજક અને હાસ્યપૂર્ણ છે. ભાષા મુહાવરેદાર અને લસરતી છે, જેમાં વચ્ચે ઘરગથ્થુ શબ્દપ્રયોગોને લઈને ભાષા મધુર લાગે છે.
અંબાશંકર નાગર
મોહિયુદ્દીન બોમ્બેવાલા
પ્રવીણચંદ્ર પરીખ