ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ : ચોકસાઈવાળા કાસ્ટિંગ બનાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. ‘લૉસ્ટ વૅક્સ’ પદ્ધતિ (ફ્રેંચમાં Cire perdue) તરીકે ઓળખાતી આ પદ્ધતિ 3,500 વર્ષ પહેલાં ચીનમાં શોધાઈ હોવાનું કહેવાય છે. મીણનું પડ, અસ્તર (investment) આમાં અગત્યનો ભાગ ભજવતું હોવાથી ‘ઇન્વેસ્ટમેન્ટ’ શબ્દપ્રયોગ થાય છે.

બીબાની સપાટી ઉપર દુર્ગલનીય પદાર્થના રગડા(slurry)નું પાતળું પડ ચડાવીને, તેને સૂકવીને તેમાં મીણ રેડવામાં આવે છે. આ પછી મીણના ઢાળાને કાઢીને તેના ઉપર દુર્ગલનીય પદાર્થનું જાડું મજબૂત પડ ચડાવવામાં આવે છે. આ પડ કઠણ થઈ ગયા પછી બીબાને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. આમ કરતાં મીણ નીકળી જાય છે. ખાલી પડેલી જગામાં પિગાળેલ ધાતુ કે મિશ્ર ધાતુ રેડવામાં આવે છે. બધું ઠરી ગયા પછી બહારનું પડ તોડીને અંદરથી ઢાળો કાઢી લેવામાં આવે છે.

પોલી મૂર્તિઓ બનાવવા માટેની માટી મૂર્તિ ઉપર મીણનું જાડું પડ (જેટલી જાડાઈની ધાતુ રાખવાની હોય તેટલું) ચડાવીને મીણની સપાટી ઉપર મૂર્તિનો આબેહૂબ આકાર ઉપસાવવામાં આવે છે. આના ઉપર દુર્ગલનીય પદાર્થનું જાડું પડ ચડાવીને પકવવામાં આવે છે. મીણ નીકળી જતાં પોલાણમાં કાંસા જેવી મિશ્ર ધાતુનો રસ રેડવામાં આવે છે અને ધાતુ ઠરી ગયા પછી અંદરની માટી તથા બહારનું પડ દૂર કરવામાં આવે છે.

આ પદ્ધતિથી બહુ જ ચોક્કસ આકાર અને લીસી સપાટીવાળા ઢાળા મેળવી શકાય છે. તેમાંથી અટપટા આકારની વસ્તુઓ બનાવી શકાય છે. દાંતનાં ચોકઠાં, ઘરેણાં, કાંસાનાં પૂતળાં અને ટર્બાઇનના ઊંચા ગલનબિન્દુવાળી મિશ્ર ધાતુઓના ભાગ બનાવવામાં આ પદ્ધતિ બહુ ઉપયોગી છે; જોકે ઢાળાનું કદ મોટું થતાં ચોકસાઈનું પ્રમાણ ઘટે છે. આ પદ્ધતિમાં ઘણાં સોપાન હોઈ તે ખર્ચાળ છે. બહોળા ઉત્પાદન માટે અનુકૂળ નથી.

વિશ્વેશ પાઠક