ઇન્દ્રરાજ-3
January, 2002
ઇન્દ્રરાજ-3 (914થી 927 : શાસનકાળ) : રાષ્ટ્રકૂટ વંશનો પ્રતાપી રાજા. તેનો પિતા જગત્તુંગ અકાલવર્ષ કૃષ્ણરાજની હયાતીમાં મૃત્યુ પામેલો તેથી ઇન્દ્રરાજ 3જાને દાદાની ગાદીનો ઉત્તરાધિકાર 30 વર્ષની યુવાનવયે પ્રાપ્ત થયેલો. 915નાં બે દાનશાસનમાં એના રાજ્યાભિષેકનો તાજા બનાવ તરીકે ઉલ્લેખ મળે છે.
ઇન્દ્રરાજ 3જાએ પટ્ટબંધના ઉત્સવ પ્રમાણે તુલાપુરુષમાં આરોહણ કરીને સેંકડો ગ્રામદાન દીધેલાં તેમાં લાટદેશનાં બે ગામોનો સમાવેશ થાય છે. તે ‘પરમ ભટ્ટારક’, ‘મહારાજાધિરાજ’ અને ‘પરમેશ્વર’ જેવાં મહાબિરુદ ધરાવતો હતો. વળી ‘શ્રી પૃથ્વીવલ્લભ’, ‘શ્રીવલ્લભ’, ‘નિત્યવર્ષ’, ‘નરેન્દ્ર’, ‘રટ્ટકંદર્પ’ અને ‘કીર્તિનારાયણ’ જેવાં તેનાં અપરનામ હતાં.
સંજાણની પ્રશસ્તિમાં ઇન્દ્રરાજને દર્શનીય, સાહસિક અને દાનવીર રાજા તરીકે નિરૂપ્યો છે. તેણે ભોપાલ-ઝાંસીને માર્ગે યમુના ઓળંગીને કનોજ ઉપર આક્રમણ કરી મેરુ કે મહોદયના રાજાનો પરાભવ કર્યો હોવાનું જણાવ્યું છે. તે કનોજના રાજા મહીપાલને લાગુ પડે છે. ખંડિયા ચાલુક્ય રાજા નરસિંહ 2જાએ અલ્લાહાબાદ સુધી પીછો કર્યો હતો. વેંગી રાજ્ય સાથેના યુદ્ધમાં તેને ખાસ સફળતા મળી નહોતી.
926માં સંજાણના માંડલિક મુહમ્મદ ઉર્ફે સુબકતે ઇન્દ્ર 3જાની અનુમતિથી સંયાન મંડલમાંથી બ્રાહ્મણને ભૂમિદાન દીધું હતું.
ઇન્દ્રરાજ 3જાનું અકાળ અવસાન થયું હતું. અમોઘવર્ષ 2જો અને સુવર્ણવર્ષ ગોવિંદરાજ 4થો – એ બે એના પુત્રો હતા.
રસેશ જમીનદાર