ઇન્દ્રરાજ-1 (722 આશરે) : રાષ્ટ્રકૂટ વંશનો ગુર્જર શાખાનો રાજા. કર્કરાજ પહેલાનો પુત્ર. આનર્ત ઉપરના આક્રમણને કારણે નાગભટને ઇન્દ્રરાજ સાથે લડાઈ થઈ હતી અને તેમાં તેની હાર થઈ હતી. તેણે ચાલુક્ય રાજપુત્રી ભવનાગાનું હરણ કરી ખેટકમંડલમાં તેની સાથે રાક્ષસવિવાહ કર્યો હતો. ઇન્દ્રરાજના સંબંધમાં જણાવેલું ખેટક એ ખેડા નહીં, પણ દક્ષિણનું કોઈ ખેટક હોવું જોઈએ, કારણ કે ખેડા આ સમયે મૈત્રકોના શાસન નીચે હતું. અપહરણ કરાયેલી ચાલુક્ય રાજપુત્રી વાતાપિના ચાલુક્ય રાજા વિજયાદિત્યના કુલની હોય તેમ જણાય છે. તેનો પુત્ર દંતીદુર્ગ હતો. રાષ્ટ્રકૂટોની રાજમુદ્રા પર ગરુડનું લાંછન હોય છે.

યતીન્દ્ર  દીક્ષિત