ઇન્ડિયા હાઉસ : ભારતીયોના નિવાસ વાસ્તે શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં શરૂ કરેલ છાત્રાલય. શ્યામજીએ લંડનમાં હાઈગેટ વિસ્તારમાં એક મોટું મકાન ખરીદીને તેમાં આશરે 25 ભારતીયોને રહેવાની વ્યવસ્થા કરી હતી. તેમાં રહેઠાણ માટેના ઓરડા ઉપરાંત ગ્રંથાલય, વાચનાલય, વ્યાખ્યાનખંડ, ટેનિસ-કોર્ટ, વ્યાયામશાળા વગેરેની સગવડ કરવામાં આવી હતી. બ્રિટનના સમાજવાદી પક્ષના તત્કાલીન આગેવાન હિન્દમાને 1 જુલાઈ, 1905ના રોજ દાદાભાઈ નવરોજી, લાલા હંસરાજ, લાલા લજપતરાય, બૅરિસ્ટર દોસ્ત મોહમ્મદ, મૅડમ ભિખાઈજી કામા જેવાં નામાંકિત ભારતીયો તથા કેટલાક આમંત્રિત અંગ્રેજોની હાજરીમાં ઇન્ડિયા હાઉસનું વિધિસર ઉદઘાટન કર્યું. ભારતથી ઇંગ્લૅન્ડ જતા વિદ્યાર્થીઓને ત્યાંના લોકોના રંગભેદના પૂર્વગ્રહને કારણે રહેવા તથા જમવાની અગવડ વેઠવી પડતી હતી. તે દૂર કરવાનો તથા બુદ્ધિશાળી અને તેજસ્વી ભારતીય યુવકોને રાષ્ટ્રવાદી બનાવવાનો શ્યામજીનો ઉદ્દેશ હતો. ત્યાં દર રવિવારે બપોર પછી સભા ભરવામાં આવતી. તેમાં બધા ભારતીયોને નિમંત્રણ આપવામાં આવતું. તેમાં ભારતની સ્વતંત્રતાને લગતી ચર્ચાઓ પણ કરવામાં આવતી હતી. શ્યામજીએ તથા સરદારસિંગ રાણાએ ભારતીય યુવકોને શિષ્યવૃત્તિઓ આપી હતી. તેને લીધે લંડનમાં તેમની આસપાસ ક્રાંતિકારોનું જૂથ તૈયાર થયું. તેમાં મહારાષ્ટ્રના વિનાયક દામોદર સાવરકર, પંજાબના મદનલાલ ધિંગરા અને લાલા હરદયાળ ઉપરાંત વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, સેનાપતિ બાપટ, મિર્ઝા અબ્બાસ વગેરે ક્રાંતિકારોનો સમાવેશ થતો હતો. તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર ઇન્ડિયા હાઉસ હતું. ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશે સાવરકર ચોક્કસ વિચારો ધરાવતા હતા. ભારતમાં પશ્ચિમ ભારતની ક્રાંતિકારી સંસ્થા મિત્ર મેળા અને પછી અભિનવ ભારત સોસાયટીના તેઓ સભ્ય હતા. ઇંગ્લૅન્ડના તેમના નિવાસ દરમિયાન યુરોપની ગુપ્તમંડળીઓની પદ્ધતિઓ તથા સંગઠન વિશે જાણવા અને બ્રિટિશવિરોધી ક્રાંતિકારોનો સંપર્ક સાધવાની તેમની યોજના હતી. તેમણે 10 મે, 1907ના રોજ લંડનમાં ઇન્ડિયા હાઉસમાં આશરે 100 ભારતીય વિદ્યાર્થીઓ સહિત કેટલાક ઉત્સાહી યુવકોની હાજરીમાં 1857ના વિપ્લવની સુવર્ણજયંતીની ઉજવણી કરી. તે પ્રસંગે 1857ના વિપ્લવને ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે બિરદાવીને તેમાં બલિદાન આપનારા શહીદોને અંજલિ આપવામાં આવી. આ દરમિયાન શ્યામજીની પ્રવૃત્તિઓ પર સરકારની કરડી નજર થવાથી જૂન, 1907માં તેઓ પૅરિસ જતા રહ્યા. તે પછી 1908ના શરૂઆતના મહિનાઓમાં વી. વી. એસ. આયર, તિરુમલ અચારી, નીતિસેન દ્વારકાદાસ તથા ગ્યાનચંદ વર્મા જેવા ક્રાંતિકારો લંડનના ઇન્ડિયા હાઉસમાં જોડાયા. શ્યામજી પૅરિસ ગયા પછી ઇન્ડિયા હાઉસની રાજકીય આગેવાની સાવરકર પાસે આવી. સાવરકરે 1908માં ઇન્ડિયા હાઉસમાં 1857ના વિપ્લવની 51મી જયંતી ઊજવી. તે સમયે શહીદોને યાદ કરીને પ્રગટ કરેલી પત્રિકામાં બ્રિટિશ અંકુશમાંથી ભારતને મુક્ત કરવાનો ર્દઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી, 1909માં સાવરકરે ઇન્ડિયા હાઉસમાં રહેતા ચતુર્ભુજ અમીન સાથે 20 બ્રાઉનિંગ પિસ્તોલ ભારતમાં તેમના ભાઈ ગણેશ સાવરકરને મોકલી હતી. સાવરકર આ રીતે ભારતમાં શસ્ત્રો અને બાબ બનાવવા વિશેની પુસ્તિકાઓ મોકલતા હતા. ઉપર્યુક્ત પિસ્તોલમાંની એક પિસ્તોલ વડે નાશિકના જિલ્લા મૅજિસ્ટ્રેટ જૅક્સનનું ખૂન કરવામાં આવ્યું હતું. લાલા હરદયાળ 1908માં લંડનથી ભારત પાછા ફર્યા. મદનલાલ ધિંગરાએ 1 જુલાઈ, 1909ના રોજ અંગ્રેજ અમલદાર સર વિલિયમ કર્ઝન વાઇલીનું લંડનમાં ખૂન કર્યું અને તેને ફાંસીની સજા થઈ તથા સાવરકરની નાશિક કાવતરા કેસમાં ધરપકડ કરીને કેસ ચલાવવા માટે ભારત લઈ જવામાં આવ્યા. ત્યારબાદ શ્યામજીએ લંડનની ઇન્ડિયા હાઉસની મિલકત વેચી દીધી.

જયકુમાર ર. શુક્લ