ઇન્ડિયમ (In) : આવર્ત કોષ્ટકના 13મા (અગાઉના III A) સમૂહનું રાસાયણિક તત્વ. જર્મનીમાં ફર્ડિનાન્ડ રાઇશ અને થિયૉડોર રિક્ટરે 1863માં ફ્રાઇબર્ગની ખાણની શાળામાં તેને તત્વ સ્વરૂપમાં મેળવ્યું હતું. તેના ક્ષારો ઘેરા વાદળી રંગની (indigo) જ્યોત આપતા હોઈ તેનું નામ ઇન્ડિયમ પાડવામાં આવ્યું હતું.
પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ દસ લાખ ભાગે 0.2 ભાગ જેટલું જ હોય છે. તે છૂટું મળતું નથી. સીસા અને જસતના ખનિજ સાથે મળતું હોવાથી વિદ્યુતવિભાજનથી ગૌણ પેદાશ તરીકે મેળવવામાં આવે છે. 1925 અગાઉ વિશ્વમાં ફક્ત 1 ગ્રા. ઇન્ડિયમ પ્રાપ્ત હતું, પણ હાલ તેનું વાર્ષિક ઉત્પાદન લગભગ 80 ટન (80,000 કિગ્રા.) જેટલું છે.
તે ચાંદી જેવી શ્વેત ચળકતી ધાતુ છે; ગ. બિં. 156.6o સે., ઉ. બિં. 2080o સે. અને વિ. ઘ. 7.31 છે. સીસા કરતાં પણ વધુ મૃદુ હોઈ તે સુઘટ્ય (plastic) છે. કલાઈની જેમ તેના પતરાને વાળતાં રડવાનો અવાજ (cry) આવે છે. પ. ક્રમાંક 49, પ. ભાર 114.82, ઇલેક્ટ્રૉન વિન્યાસ [Kr]4d105s25p1. કુદરતી ઇન્ડિયમ In-113 (4.28 %) અને In-115 (95.72 %)નું મિશ્રણ છે. તે +1 અને +3 ઉપચયન (oxidation) સ્થિતિ દર્શાવે છે. +3 સ્થાયી છે.
સામાન્ય તાપમાને તેના પર હવાની અસર થતી નથી. લાલચોળ તપાવવાથી વાદળી-જાંબલી રંગની જ્યોતથી બળે છે અને પીળા રંગનો InO3 મળે છે. તે ઍસિડમાં દ્રવે છે પણ આલ્કલી પરત્વે નિષ્ક્રિય છે. સલ્ફર અને હેલોજન સાથે સલ્ફાઇડ અને હેલાઇડ તથા 15મા (અગાઉના VB) સમૂહનાં તત્ત્વો સાથે ફૉસ્ફાઇડ, આર્સનાઇડ વગેરે આપે છે (જે અર્ધવાહકોના ગુણો દર્શાવે છે), તેમાં ઇન્ડિયમની સંયોજકતા +3 હોય છે. તે ફલોરિન અને ક્લોરિન સાથે સંકીર્ણો આપે છે [InX6]3–. ઇન્ડિયમ સલ્ફેટ એલમ બનાવે છે. ઇન્ડિયમનાં InMe3, InFEt3 જેવાં કાર્બનિક સંયોજનો પણ બનાવી શકાય છે.
પિગાળેલ ઇન્ડિયમ કાચ તથા બીજી સપાટીને પલાળી ચીટકી રહેવાનો ગુણ ધરાવતું હોઈ કાચ, ક્વાર્ટ્ઝ અને ધાતુઓને હવાચુસ્ત રીતે જોડવા માટે, નીચા ગલનબિંદુવાળી મિશ્ર ધાતુઓની બનાવટમાં, ઇલેક્ટ્રૉનિક્સમાં (અર્ધવાહક પ્રયુક્તિઓ તથા રેણ તરીકે), ધાતુના બેરિંગ ઉપર પડ ચડાવવા (જેથી ઊંજણ તેલ ચીટકી રહે), ઉષ્મીય ન્યૂટ્રૉનનો અભિવાહ (flux) માપવા તથા સલામતીની ર્દષ્ટિએ ન્યૂટ્રૉનના પરિવીક્ષણ (monitoring) વગેરે માટે ઉપયોગી છે. કેટલીક નાભિકીય ભઠ્ઠીઓમાં તે નિયંત્રક શલાકાઓના ઘટક તરીકે વપરાય છે.
જ. ચં. વોરા