ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ (IIM) : ઉચ્ચ-સ્તરીય વ્યવસ્થાપન અને તેની વિકસતી કાર્યપદ્ધતિઓ અંગે અધ્યયન અને સંશોધન કરતી તેમજ તે અંગેની તાલીમ આપતી સંસ્થા. અમદાવાદ ખાતે આ સંસ્થાની સ્થાપનામાં વિશ્વવિખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે.

અમદાવાદની આ સંસ્થા દેશની આ પ્રકારની સર્વપ્રથમ સંસ્થા છે. ભારત સરકારે ગુજરાત સરકાર તથા ભારતીય ઉદ્યોગના સહિયારા પ્રયાસથી 1961માં તેની સ્થાપના કરી હતી. રજિસ્ટ્રેશન ઑવ્ સોસાયટીઝને લગતા 1860ના કાયદા હેઠળ એક સોસાયટી તરીકે તેની નોંધણી થઈ છે અને તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર, ઉદ્યોગ, વ્યાપાર અને શ્રમિક ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપરાંત આ સંસ્થાને રૂ. 50,000 અથવા વધુ રકમની સખાવત કરનારા દાતાઓના પ્રતિનિધિઓ સામેલ કરવામાં આવ્યા છે.

સંસ્થાના ઉદ્દેશો : (1) વ્યવસ્થાપન તથા તેનાં સંલગ્ન ક્ષેત્રો માટે ઉચ્ચ કાર્યક્ષમતા સાથે કારકિર્દી ઘડી શકે તેવા યુવાનો માટે શૈક્ષણિક સગવડ પૂરી પાડવી, (2) વ્યવસ્થાપન-તાલીમનું કાર્ય કરતા વ્યવસ્થાપકો તથા સંચાલકોના નિર્ણયકૌશલ્યમાં તથા વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવો, (3) વ્યવસ્થાપન સાથે સંલગ્ન વિવિધ ક્ષેત્રો માટે અધ્યાપકો તથા સંશોધકો તૈયાર કરવા, (4) વ્યવસ્થાપન તથા તેના હસ્તકની શાખાઓને સુસંગત હોય તેવા સૈદ્ધાન્તિક તથા પ્રયુક્ત જ્ઞાનનું સર્જન કરવું અને પ્રકાશનો દ્વારા તેનો પ્રસાર કરવો, (5) વ્યાવસાયિક તથા વ્યાપારિક સંગઠનોમાં ઉદભવતી સમસ્યાઓના નિરાકરણમાં મદદરૂપ થવા માટે સલાહસેવાઓ (consultancy services) પૂરી પાડવી, (6) જાહેર નીતિના ઘડતરની પ્રક્રિયામાં ફાળો આપવો, (7) સંસ્થાનાં ધ્યેયો સિદ્ધ કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે ભારતીય તથા વિદેશી સંસ્થાઓ સાથે સહયોગ સાધવો અને જરૂર પડ્યે અન્ય સંસ્થાઓના ઘડતરમાં મદદરૂપ થવું.

ઉપર્યુક્ત ધ્યેયો હાંસલ કરવા માટે સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતા મહત્વના કાર્યક્રમો, પ્રકલ્પો તથા પ્રવૃત્તિઓ : (1) ભિન્ન ભિન્ન જ્ઞાનશાખાઓ(disciplines)ના સ્નાતકો માટે બે વર્ષનો સ્નાતકોત્તર વ્યવસ્થાપન-કાર્યક્રમ (PGP) (2012-14માં 381 તાલીમાર્થીઓ), (2) વ્યવસ્થાપન-ક્ષેત્રે અધ્યાપન અને સંશોધનની કારકિર્દી બનાવવાના ઇચ્છુકો માટે પીએચ.ડી.ને સમકક્ષ વ્યવસ્થાપન-ફેલો અભ્યાસક્રમ-(FPM)નું આયોજન, (3) વિશ્વવિદ્યાલયો તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વ્યવસ્થાપનને લગતું અધ્યાપન તથા સંશોધન કરનારાઓ માટે એક વર્ષના ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’(FDP)નું આયોજન, (4) સામાન્ય (general) વ્યવસ્થાપન, વ્યવહારલક્ષી વિભાગો (functional areas), કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, જનસંખ્યા તથા ઊર્જા જેવાં ગ્રામજીવનને સ્પર્શતાં અર્થતંત્રનાં વિવિધ ઉપાંગોને આવરી લેતા વ્યવસ્થાપન કાર્યક્રમોનું આયોજન, (5) સંસ્થાના સ્તરે અને સંસ્થાની નિશ્રામાં ચાલતી અધ્યાપનપ્રવૃત્તિને સહાયક બને તેવું અને વ્યવસ્થાપનક્ષેત્રના જ્ઞાનના વિસ્તરણમાં ઉપયોગી સાહિત્ય તૈયાર કરવા માટે સંશોધન હાથ ધરવું, (6) વાસ્તવિક જગતની સમસ્યાઓ સાથે જીવંત સંપર્ક સાધી શકાય તે હેતુથી સલાહસેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે સંસ્થા પોતાના અધ્યાપકોને પ્રોત્સાહન આપે છે. તેને લીધે આવી સેવાઓ પ્રાપ્ત કરનારને થતા લાભ ઉપરાંત સંસ્થાને પણ અધ્યાપન માટેનું સાહિત્ય તૈયાર કરવામાં તથા સંશોધન-પ્રકલ્પો માટેની વિચારસામગ્રી પ્રાપ્ત કરવામાં તે મદદરૂપ નીવડે છે, (7) ‘વિકલ્પ’ નામથી પ્રકાશિત થતું સંસ્થાનું ત્રૈમાસિક વ્યવસ્થાપન-ક્ષેત્રના બૌદ્ધિકો તથા સત્તાધીશો વચ્ચે સર્જનાત્મક સંવાદ પ્રસ્થાપિત કરવામાં અને તેનું સાતત્ય જાળવી રાખવામાં સહાયરૂપ નીવડે છે. વ્યવસ્થાપન-પ્રવિધિઓમાં અને ખાસ કરી વિકસતા સમાજનાં અગત્યનાં છતાં અલ્પપ્રબંધિત (under-managed) ક્ષેત્રોને લગતાં સંશોધનલક્ષી નવપ્રવર્તનો પર પ્રકાશ પાડવાનું કાર્ય ‘વિકલ્પ’ના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. (8) જુદી જુદી સંસ્કૃતિઓ અને દેશોના સંદર્ભમાં વ્યવસ્થાપન ક્ષેત્રને સ્પર્શતા સૂક્ષ્મ અર્થભેદો (nuances) છતા કરવાના હેતુથી આ સંસ્થા મર્યાદિત સમયગાળો ધરાવતા સ્નાતકોત્તર વ્યવસ્થાપન કાર્યક્રમો (PGP) તથા વ્યવસ્થાપન ફેલો અભ્યાસક્રમો(FPM)નું આયોજન કરે છે.

સામાન્ય વ્યવસ્થાપન, અર્થશાસ્ત્ર, વાણિજ્યનીતિ, નાણાપ્રબંધ, ખરીદવેચાણ, ઔદ્યોગિક સંબંધો જેવા વ્યવસ્થાપન સાથે સંબંધ ધરાવતા વિષયોના 94 જેટલા તજજ્ઞો સંસ્થામાં હાલ સેવા આપી રહ્યા છે (2012). તેના સમૃદ્ધ ગ્રંથાલયમાં આશરે 1,52,300 જેટલા ગ્રંથો તથા વાચનાલયમાં દેશવિદેશનાં 625 જેટલાં સામયિકો ઉપલબ્ધ હોય છે. ઉપરાંત સંસ્થા પાસે અદ્યતન સંગણન (computer) વિભાગ પણ છે, જેમાં 125 જેટલાં સંગણક યંત્રો વસાવવામાં આવ્યાં છે. તેનો ઉપયોગ અધ્યયન-અધ્યાપન તથા તેને પોષક કાર્યો માટે થાય છે. છાત્રાલયમાં રહેતા દરેક વિદ્યાર્થીના નિવાસકક્ષમાં હવે ઇન્ટરનેટની સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેને લીધે વિદ્યાર્થીઓનું જ્ઞાન સમૃદ્ધ થઈ શકે. વર્ષ 2012માં તેના ચૅરમૅનપદે એ. એમ. નાઇક તથા તેના નિયામકપદે સમીર બારૂઆ (2007-2012) કાર્યરત હતા. આ સંસ્થામાં સેવાઓ આપતા દિગ્ગજ અધ્યાપકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારો મોભાના કાર્ય માટે બોલાવતા હોય છે. દા.ત., એસ. રંગરાજન હાલ (2012) કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર છે જ્યારે રવીન્દ્ર ધોળકીયા છઠ્ઠા પગારપંચના સભ્ય તરીકે નિમાયા હતા.

વર્ષ 2012માં ઉપલબ્ધ માહિતી અનુસાર સંસ્થાના પટલ પર નીચે દર્શાવેલ વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા :

(1) PGP (2012-14) : 381

(2) PGP-ABM (2010-12) : 40

(3) PGPX (20123-13) : 85

આ સંસ્થાનો મુદ્રાલેખ છે ‘Progress Through Knowledge.’

અભિનંદન જૈન

અનુ.બાળકૃષ્ણ માધવરાવ મૂળે