ઇન્ટરનૅશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર
January, 2002
ઇન્ટરનૅશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર (CIMMYT) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનોના સહયોગથી 1966માં મકાઈ અને ઘઉંની સુધારણા માટેનું બેટોન(મેકિસકો)માં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. આ માટેનું પાયાનું કામ મેક્સિકોમાં 1943માં શરૂ થયું હતું.
મકાઈની જનીનિક વિવિધતાને આધારે ઉદભવતી 8,000થી વધુ જાતોનું એકત્રીકરણ તથા તેમની જાળવણી અને વહેંચણીનું કાર્ય આ સંસ્થા સંભાળે છે. ઘઉંની ઠિંગણી મેક્સિકન જાત આ સંસ્થાની દેણગી છે. તે જાતના ઉપયોગથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં હરિત ક્રાંતિ શક્ય બની છે. મકાઈ અને ઘઉંની સુધારણા ઉપરાંત અન્ય ધાન્ય પાકો ઉપર પણ તે સંશોધન હાથ ધરે છે. ટ્રીટીકેલ (Triticale) નામનું માનવસર્જિત ધાન્ય અહીં ઘઉં અને હલકા ધાન્ય રાઈના સંકરણથી વિકસાવવામાં આવ્યું છે. 1970માં નોબેલ પારિતોષિક મેળવનાર નૉર્મન અર્નેસ્ટ બોરલાગ આ સંસ્થા સાથે સંકળાયેલા છે.
નટવરલાલ પુ. મહેતા
મગનભાઈ ઉ. કુકડિયા