ઇન્ટનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનો દ્વારા મનીલા(ફિલિપાઇન્સ)માં 1960માં ચોખાના સંશોધન માટે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય ચોખાના પાકની સુધારણા છે. અત્યાર સુધીમાં ચોખાની લગભગ 42,000 થી વધુ જાતોના જનનરસ(germ plasm)નો સંગ્રહ કરવામાં આવેલો છે. આ જાતોની જાળવણી અને વહેંચણી કરવામાં આવે છે. લાંબા સમય સુધી ચોખાના જનનરસના સંગ્રહ માટેની સુવિધા પણ આ સંસ્થા પૂરી પાડે છે. ઇરીએ તૈયાર કરેલ ઠિંગણી જાતોએ દુનિયાભરમાં વધુ ઉત્પાદન આપતી ચોખાની જાતો તૈયાર કરવામાં હરણફાળ ભરવાનું શક્ય બનાવ્યું છે. ભારતે પણ ઈરીની જાતોનો લાભ લીધો છે. ચોખાની જાતોની સુધારણા ઉપરાંત તેની ખેતી અંગેનાં વિવિધ પાસાં ઉપર પણ સંશોધન કરવામાં આવે છે અને તેના દ્વારા વિવિધ દેશોનાં સંશોધનકેન્દ્રોને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.

નટવરલાલ પુ. મહેતા

મગનભાઈ ઉ. કુકડિયા