ઇટાનગર : અરુણાચલ રાજ્યનું પાટનગર. હિમાલયના ડફના હિલ વિસ્તારમાં આવેલું જૂનું કેન્દ્રશાસિત મથક. ભૌગોલિક સ્થાન આશરે 27o.00 ઉ. અ. અને 95o.00 પૂ. રે. હિમાલયના પર્વતીય રાજ્ય ભુતાન અને આસામની સરહદે આ શહેર આવેલું છે. તેની પૂર્વમાં લખીમપુર, હિમ્પુલી અને દિબ્રૂગઢ છે, જ્યારે દક્ષિણે તેજપુર જેવાં આસામનાં પર્વતીય શહેરો આવેલાં છે.
‘નેફા’ (North East Frontier Agency) તરીકે જાણીતા અગાઉના અરુણાચલ રાજ્યની નવરચના 1972માં થયેલી છે. હિમાલયના પર્વતીય સુબાન્સીરી જિલ્લામાં આવેલું આ શહેર પ્રાકૃતિક ર્દષ્ટિએ રમણીય છે. આસપાસના પર્વતીય ક્ષેત્રમાં 18 મુખ્ય આદિમ અને બીજી અનેક આદિમ પેટાજાતિઓ વસે છે. બૌદ્ધ ધર્મના અનેક મઠો તેમજ કેટલીક વડી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને કારણે અહીં શહેરી વસ્તીનું પ્રમાણ વિશેષ છે. તેમ છતાં અરુણાચલ રાજ્યના સોળ જિલ્લામાંથી આ જિલ્લો ઇટાનગરને કારણે તેમજ ઔદ્યોગિક કેન્દ્રને કારણે પ્રખ્યાત છે. પાકા રસ્તાઓના અભાવને કારણે ગ્રામીણ પ્રદેશના લોકો આ શહેર સાથે પગદંડીઓ મારફતે અવરજવર કરે છે. પ્રકૃતિસૌંદર્યથી ઊભરાતા આસપાસના પ્રદેશને કારણે ઇટાનગર વનપેદાશનું પણ મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ શહેરની વસ્તી 54,490 (2011) છે.
મહેશ મ. ત્રિવેદી