ઇટારસી : પાંચ રાજ્યોની સીમાને સ્પર્શતા મધ્યપ્રદેશ રાજ્યમાં હોશંગાબાદ જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 22o.37´ ઉ. અ. અને 74o.45´ પૂ. રે. તે નર્મદા નદીના દક્ષિણ કાંઠાનાં હોશંગાબાદથી માત્ર 30 કિમી. અંતરે આવેલું વિખ્યાત રેલવેજંક્શન છે. તે મધ્ય રેલવેના મુંબઈ-અલ્લાહાબાદ રેલમાર્ગનું તેમજ કાનપુર-આગ્રા રેલમાર્ગનું પણ જંક્શન છે. દિલ્હીથી ચેન્નાઈ જતા રેલમાર્ગના ત્રિભેટે તે આવેલું છે. આજુબાજુના ફળદ્રૂપ ખેતપ્રદેશોને કારણે તે વેપારનું પણ મુખ્ય કેન્દ્ર છે. જમીનમાર્ગે તે ભોપાલ, શાહપુર, હર્ડા, કારેલી તેમજ જબલપુર સાથે જોડાયેલું છે. વ્યાપાર, ઉદ્યોગ ઉપરાંત તે અઠવાડિક પશુમેળા માટે પણ જાણીતું છે. આ શહેરની વસ્તી 2,40,719 (2011) છે.

મહેશ મ. ત્રિવેદી