ઇટર્બિયમ (Yb, Ytterbium) : આવર્તક કોષ્ટકના III B (સંક્રાંતિ) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. તે વિરલ પાર્થિવ (rare earth) તત્વોના કુટુંબનું દ્વિસંયોજકતા દર્શાવતું સભ્ય છે. 1878માં જે. સી. જી. મેરિગ્નાકે સૌપ્રથમ આ તત્વના ઑક્સાઇડને અલગ પાડ્યો હતો. 1907માં ઊર્બાં અને વેલ્સબેકે સાબિત કર્યું કે આ ઑક્સાઇડ બે તત્ત્વોના ઑક્સાઇડનું મિશ્રણ છે. આ તત્વો ઇટર્બિયમ અને લ્યુટેશિયમ તરીકે ઓળખાય છે. સ્વીડનના ઇટર્બિ (Ytterby) ગામના નામ ઉપરથી તે તત્વને ઇટર્બિયમ નામ આપવામાં આવ્યું હતું, કારણ કે વિરલ પાર્થિવ તત્વોનું ખનિજ સૌપ્રથમ આ ગામમાંથી મળી આવ્યું હતું. આ ગામના નામ ઉપરથી ઇટ્રિયમ, ટર્બિયમ અને અર્બિયમ નામો પણ તે ત્રણ તત્વો માટે યોજાયાં છે.

ઇટર્બિયમ અત્યંત અલ્પ પ્રમાણમાં મળે છે. અગત્યના અયસ્કો મૉનેઝાઇટ અને બાસ્ટનેસાઇટ છે. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ દસ લાખ ભાગે 2.7થી 8 ભાગ જેટલું જ છે. આયનવિનિમય (ion exchange) પદ્ધતિનો ઉપયોગ કરીને તેને બીજાં વિરલ પાર્થિવ તત્વોથી અલગ કરી શકાય છે. તેના ઑક્સાઇડનું લેન્થેનમ વડે અપચયન (reduction) કરીને નિસ્યંદન કરતાં શુદ્ધ ઇટર્બિયમ ધાતુ મેળવી શકાય છે.

પરમાણુ ક્રમાંક 70, પરમાણુ ભાર 173.04, ગ.બિં. 8240 સે. ઉ.બિં. 1193o સે., વિ. ઘનતા 6.972 (25o સે.), ઉપચયન (oxidation) આંક +2, +3, ઇલેક્ટ્રૉન વિન્યાસ (Xe) 4f145do6s2, કુદરતી Ybમાં સાત સ્થાયી સમસ્થાનિકો (Yb-168, Yb-170થી Yb-174 અને Yb-176)

Yb (II) સંયોજનો આછા લીલા રંગનાં હોય છે. Yb2+ અસ્થિર છે અને પાણીનું પણ અપચયન કરતાં હાઇડ્રોજન મુક્ત થાય છે. Yb (III) સંયોજનો સફેદ રંગ ધરાવે છે અને લૅન્થેનાઇડ સંયોજનો સાથે સામ્ય ધરાવે છે. તેના ખાસ ઉપયોગો નથી. જોકે કેટલાક પોલાદ બનાવવામાં તે વપરાય છે.

જ. ચં. વોરા