ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન (1887) : વિખ્યાત કન્નડ નાટ્યકાર વેંકટરમણ શાસ્ત્રી ઉર્ફે વિઘ્નેશ્વર શાસ્ત્રીસૂરિ(1852-1892)રચિત ‘ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન’. કન્નડ ભાષાનું તે કજોડાને લગતું પ્રથમ નાટક છે. કન્નડની કાવ્યક બોલીમાં તે લખાયેલું છે. એમાં કન્યાવિક્રય પર લેખકે કટાક્ષ કર્યો છે. વિષય ગંભીર હોવા છતાં કન્યાવિક્રય કરનાર માબાપ પોતે જ પોતાની જાળમાં કેવાં ફસાય છે અને કન્યા કેવી સુવ્યવસ્થિત યોજના દ્વારા બધાંને હાસ્યપાત્ર બનાવે છે તેનું ચિત્રણ કરીને એમણે સફળતાથી હાસ્યરસ નિષ્પાદિત કર્યો છે. રૂઢિવાદી બ્રાહ્મણ કુટુંબના વેંકટરમણ શાસ્ત્રી આવું ક્રાન્તિકારી ગણાય તેવું સુધારક નાટક લખે એ દર્શાવે છે કે લેખક પોતાના યુગથી કેટલા આગળ હતા ! આ નાટકમાં એમણે લોકબોલી અને લોકનાટ્યશૈલીનો ઉપયોગ કર્યો છે. વચ્ચે વચ્ચે ગીતો પણ આવે છે. સમકાલીન સામાજિક પરિસ્થિતિનું પણ તેમાં તાર્દશ ચિત્રણ છે.
વિનોદાબાઈ
અનુ. ચન્દ્રકાન્ત મહેતા