ઇગ્નિમ્બ્રાઇટ ખડકો

January, 2002

ઇગ્નિમ્બ્રાઇટ ખડકો (ignimbrites) : ઝારણભૂત ટફખડકો. લાવા-પ્રવાહોની જેમ વિસ્તૃત પટમાં પથરાયેલ ઘનિષ્ઠ, દળદાર, રેણ પામેલા સિલિકાયુક્ત, સુવિકસિત, પ્રિઝમેટિક, સાંધાવાળા જ્વાળામુખીજન્ય ખડકો. ઇગ્નિમ્બ્રાઇટનો આવો થર ન્યૂઝીલૅન્ડના નૉર્થ ટાપુના મધ્ય ભાગમાં બહોળા વિસ્તારને આવરી લે છે. મહદ્અંશે કાચનાં ઠીકરાં(shards)નો બનેલો આ ખડક મુખ્યત્વે સૂક્ષ્મ દાણાદાર રહાયોલાઇટિક-ટફ હોય છે; જેમાં ફેલ્સ્પાર, ક્વાર્ટ્ઝ અને ક્વચિત્ હાયપરસ્થીન કે હૉર્નબ્લેન્ડના સૂક્ષ્મ સ્ફટિકો જડાયેલા હોય છે. સુર્દઢ રીતે રેણ પામેલાં કાચનાં ઠીકરાં સૂક્ષ્મ સ્ફટિકોની આજુબાજુ ગોઠવાયેલાં હોય છે, જે સૂચવે છે કે ઘનીભવન અગાઉ તેમનું મૂળ દ્રવ્ય અત્યંત સ્નિગ્ધ હતું. ઇગ્નિમ્બ્રાઇટ તરીકે ઓળખાતા આ પ્રકારના ખડકો શ્રેણીબદ્ધ ફાટોના સમૂહોમાંથી પ્રસ્ફુટિત થયેલા અર્ધગલિત કે અર્ધઘટ્ટ સ્થિતિવાળા અગ્નિપ્રદીપ્ત જ્વાળામુખીજન્ય કાચદ્રવ્યનાં ગાઢ વાદળોના ઠરવાથી ઉત્પન્ન થયેલા હોવાનું માનવામાં આવે છે.

Ignimbrite

ઇગ્નિમ્બ્રાઇટ ખડક

સૌ. "Ignimbrite" | CC BY-SA 3.0

અમુક પ્રકારનાં જ્વાળામુખી-પ્રસ્ફુટનો દરમિયાન જ્વાળામુખી-ભસ્મસહિત વાયુઓના આગભભૂકતા ગોટેગોટા પ્રચંડપણે બહાર ફેંકાય છે, જેને ‘ન્યૂએસ આર્ડેન્ટ્સ’ (nue’es ardentes) કહેવાય છે. આ પ્રકારની ઘટના 1902માં મોંટ પીલીના પ્રસ્ફુટનમાં થયેલી, જેમાં માર્ટિનિક(વેસ્ટ ઇન્ડિઝ)નું પાટનગર સેંટ પિયેરી શહેર આખુંયે વાયુ-વાદળોથી છવાઈ ગયેલું અને પ્રસ્ફુટનની થોડીક જ ક્ષણોમાં તે તેના 30,000 શહેરીઓ સહિત ભરખાઈ ગયેલું. આ ઘટનાને પરિણામે જે રેણયુક્ત ટફનિક્ષેપ જમા થયો તે ઇગ્નિમ્બ્રાઇટના ઉદાહરણ તરીકે આપી શકાય.

ઇગ્નિમ્બ્રાઇટને, આ સંદર્ભમાં જોતાં, અત્યંત ઊંચા તાપમાને ‘ન્યૂએસ આર્ડેન્ટ્સ’ ઘટના દ્વારા થતી નિક્ષેપ-જમાવટને પરિણામે પ્યૂમિસ, લેપિલી, સ્ફટિકો વગેરેનો સમાવેશ કરતી, ટફદ્રવ્યનાં દળદાર પડની બનેલી લાક્ષણિક પ્રકારની જ્વાળામુખીજન્ય રચના ગણાવી શકાય. તે જ્યારે એકત્રિત થઈને જામતી જતી હોય છે ત્યારે એટલી બધી ગરમ હોય છે કે તેના ટુકડાઓની ધારોનું અરસપરસ ઝારણ થઈ જાય છે. આ રીતે અસ્તિત્વમાં આવતા ખડકનો દેખાવ સામાન્ય ટફ કરતાં તદ્દન જુદો તરી આવે છે. કેટલીક વખત સ્પષ્ટપણે અલગ પડી આવતા પટ્ટા પણ રચાય છે અને કાચદ્રવ્યનાં ઠીકરાં તેમજ અન્ય ટુકડાઓ ચપટાં થઈ જતાં હોય છે અથવા તેમની કિનારીઓ ખેંચાઈ ગયેલી દેખાય છે, જે પ્રવાહ-પટરચના (flow banding) દેખાડે છે. આ બાબત એ હકીકતનો ચોક્કસપણે નિર્દેશ કરે છે કે કહેવાતા ઘણા રહાયોલાઇટ કે એના જેવા ખડકો વાસ્તવિક લાવાજન્ય નથી હોતા, પરંતુ હકીકતમાં ઇગ્નિમ્બ્રાઇટ જ હોય છે. સામાન્યત: રહાયોલાઇટને સ્નિગ્ધ લાવાપ્રવાહોના ઠરેલા ખડકો તરીકે જ્યાં વર્ણવેલા છે, તે પૈકીના મોટા ભાગના ખડકોને વાસ્તવિક અર્થમાં ઇગ્નિમ્બ્રાઇટ તરીકે લેખવા જોઈએ એમ માનવામાં આવે છે.

ઝારણ પામેલા લાક્ષણિક ખડક-પટમાં સૌથી ઉપરનું પડ જો જળવાઈ રહ્યું હોય તો તે જ્વાળામુખીજન્ય નિક્ષેપદ્રવ્યનું બનેલું હોય છે. તેના નીચેના પડે ઉપરના પડની સરખામણીમાં ગરમી ઝડપથી ગુમાવી ન હોય તો ત્યાં ટફના ટુકડાઓનાં સંશ્લેષણ અને ઘનિષ્ઠતા સ્પષ્ટપણે જોઈ શકાય છે, અને તેનાથી નીચેના પડમાં આભાસી લાવા (pseudo-lava) દેખીતી રીતે વિકસેલો હોય છે.

વૉકરે આઇસલૅન્ડ ટાપુમાંના ઝારણભૂત ટફપડોનું વર્ણન કરેલું છે, જેમાં ક્રમશ: નીચે તરફ જતાં ટફદ્રવ્યના લગભગ પૂર્ણ ગલન દ્વારા ઉત્પન્ન થયેલો કાચમય પિચસ્ટોન જેવો ખડકજથ્થો જોવા મળે છે. આ ઉદાહરણમાંનાં ખડકલક્ષણો જોતાં પ્રસ્ફુટિત દ્રવ્યનું તત્કાલીન તાપમાન ખૂબ જ ઊંચું હોવું જોઈએ અને પેદા થયેલી ગરમી થોડા વખત માટે જળવાઈ રહેલી હોવી જોઈએ એની પ્રતીતિ થાય છે. આ સંદર્ભમાં ઇગ્નિમ્બ્રાઇટ ખડકો પાર્થિવ જ્વાળામુખી-પ્રક્રિયાનું જ પરિણામ છે તે હકીકત નિ:શંક બની જાય છે.

ઇગ્નિમ્બ્રાઇટને પાયરોક્લાસ્ટિક દ્રવ્ય અને લાવાપ્રવાહો વચ્ચેના સંક્રાન્તિક ખડક હોવાનું ગણાવવા માટે બે કારણો છે : એક મત એવો પ્રવર્તે છે કે ઇગ્નિમ્બ્રાઇટ એ આવશ્યકપણે પાયરોક્લાસ્ટિક ખડકો જ છે, જ્યારે અન્ય મત મુજબ તે સતત પ્રવહન પામતા જતા લાવાપ્રવાહોની પેદાશ છે. ઉત્પત્તિની ર્દષ્ટિએ આ ખડકો રહાયોલાઇટ, ક્વાર્ટ્ઝ-પોર્ફિરી, પિચસ્ટોન, ટફલાવા, ટફ ઍગ્લોમરેટ જેવા ખડકો સામે ઘનિષ્ઠ સામ્ય ધરાવે છે. દુનિયાના ઘણા ભાગોમાં જ્યાં જ્યાં ઇગ્નિમ્બ્રાઇટ મળી આવેલા છે, ત્યાં તે ઍસિડજન્ય લાવા-પ્રસ્ફુટનની અસરવાળા જણાયા છે.

ગુજરાતમાં તે પાવાગઢમાં, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં અને રાજસ્થાનમાં સિરોહી વિસ્તારમાં જોવા મળે છે. પાવાગઢમાં તે લાવાપ્રવાહોના થરની જુદી જુદી સપાટીએ મળી રહે છે. ખાસ કરીને પાવાગઢના મૌલીય ઉચ્ચ સપાટ પ્રદેશની તળેટીથી મથાળા સુધી જ્યાં જ્યાં રહાયોલાઇટ છે ત્યાં તેના તળભાગમાં તે રહેલા છે. વળી તે પાવાગઢની સાલિયા વખાલિયા ટેકરીમાં પણ મળી આવે છે.

ગિરીશભાઈ પંડ્યા

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ