ઇકબાલનામા-એ-જહાંગીરી

January, 2002

ઇકબાલનામા-એ-જહાંગીરી (17મી સદી) : જહાંગીરના શાસનકાળનો ઐતિહાસિક ગ્રંથ. ઈ. સ.ની સત્તરમી સદીની પ્રથમ ત્રીસી દરમિયાન જહાંગીરના આદેશથી, દરબારી લેખક મુતામદખાં દ્વારા ફારસી ભાષામાં લખાયેલો હતો. તેના ત્રણ ભાગ પૈકી પ્રથમ ભાગમાં ખાકાન વંશના ઇતિહાસની તથા બાબર અને હુમાયૂંના શાસનની, બીજા ભાગમાં અકબરના અમલની અને ત્રીજા ભાગમાં જહાંગીરના શાસનની વિશ્વસનીય માહિતી આપવામાં આવી છે. પ્રથમ બે ભાગો ઉપલબ્ધ નથી. ત્રીજો ભાગ ઉપલબ્ધ છે. તેનું મઝહર અલીખાન વીલાએ ઉર્દૂમાં ભાષાન્તર કર્યું છે. બંગાળની એશિયાટિક સોસાયટીમાં તેની એક નકલ છે. ત્રીજા ભાગમાં જહાંગીર ગાદીએ આવ્યો ત્યારથી શરૂ કરીને તેના અવસાન સુધીની માહિતી આપી છે. તેમાં ઉમદા કુટુંબો, મંત્રીઓ, વિદ્વાનો, રાજ્યના કવિઓ, વૈદ્યો વગેરેના પરિચય ઉપરાંત જહાંગીરના શાસનના મહત્વના બનાવોનો સમાવેશ થયેલો છે. પ્રથમ વર્ષે જહાંગીરનો રાજ્યાભિષેક, બીજા વર્ષે નૂરજહાંના પતિ શેર અફઘાનનું અવસાન, છઠ્ઠા વર્ષે જહાંગીરનું નૂરજહાં સાથે લગ્ન, અગિયારમા વર્ષે રાજ્યમાં ફાટી નીકળેલો પ્લેગ, ઓગણીસમા વર્ષે શાહજહાંનો બળવો, એકવીસમા વર્ષે મહોબતખાંનો બળવો અને મલિક અંબરનું મૃત્યુ, બાવીસમા વર્ષે જહાંગીરનો કાશ્મીરમાં નિવાસ, માંદગી અને મૃત્યુ વગેરેની માહિતી આપવામાં આવી છે. આથી તે ‘યુરોપિયનોના અમલ સાથેના વ્યવહારની નોંધ કરનાર વિશ્વાસપાત્ર ગ્રંથ’ તરીકે ઓળખાવાયો છે.

મહેશચંદ્ર પંડ્યા