ઇકબાલ, મુહંમદ સર

January, 2002

ઇકબાલ, મુહંમદ સર : (જ. 9 ડિસેમ્બર 1877, સિયાલકોટ; અ. 21 એપ્રિલ 1938, લાહોર) : ઉર્દૂ અને ફારસી ભાષાના વિશ્વવિખ્યાત કવિ. તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારનાર કાશ્મીરી હિંદુના વંશજ હતા. તેમના પિતા શેખ નૂરમુહંમદનો વ્યવસાય દરજીકામનો હતો. પ્રાથમિક શિક્ષણ સિયાલકોટમાં મૌલવી સૈયદ મીરહસન પાસેથી લઈને અરબી અને ફારસી શીખ્યા. સ્કૉચ મિશન હાઇસ્કૂલમાંથી મૅટ્રિક અને ઇન્ટરમીડિયેટ શિક્ષણ મેળવી 1897માં ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી બી.એ. થયા. તેમણે શિષ્યવૃત્તિ તેમજ અરબી અને અંગ્રેજી ભાષાની પરીક્ષાના બે સુવર્ણચંદ્રકો મેળવેલા. 1899માં તત્વજ્ઞાનના વિષય સાથે એમ. એ.ની ઉપાધિ મેળવી. તેમનું લગ્ન એક સિવિલ સર્જ્યનની દીકરી કરીમાબીબી સાથે 1893માં થયું હતું.

મુહંમદ ઇકબાલ

વિખ્યાત અંગ્રેજ વિવેચક મૅથ્યૂ આર્નોલ્ડ તેમના ગુરુ હતા. તેમની મદદથી 1905માં ઇકબાલ યુરોપ ગયા અને જર્મનીની મ્યૂનિક યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી, પછી લંડનમાંથી બાર-ઍટ-લૉની પરીક્ષા પાસ કરી. 1908માં લાહોર પાછા ફર્યા. તે પછી ગવર્નમેન્ટ કૉલેજમાં તત્વજ્ઞાન અને અંગ્રેજી સાહિત્યના અધ્યાપક નિમાયા. 1922માં તેમને ‘સર’નો ઇલકાબ મળ્યો. 1927-1929 દરમિયાન પંજાબની વિધાનસભાના સભ્ય હતા. 1930માં ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રમુખ થયા. તેમણે મુસ્લિમોનું અલગ રાજ્ય પાકિસ્તાન રચવા અંગે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ(1932)માં માગણી કરી હતી.

‘શાયરે મશરિક’ (‘પૂર્વનો કવિ’) તેમનું સાહિત્યિક બિરુદ છે. ઉર્દૂ અને ફારસીમાં તેમણે કવિતા રચી છે. તેમના એક પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર પ્રોફેસર નિકોલ્સને કરી ઇકબાલને યુરોપમાં જાણીતા કર્યા તેમની પ્રથમ ફારસી મુખ્ય કૃતિ ‘મસ્નવી અસરારે ખુદી’(1915)નું અંગ્રેજીમાં ‘સિક્રેટ્સ ઑવ્ સેલ્ફ’ નામે ભાષાંતર થયું હતું.

વીસમી સદીના પ્રારંભે જ 1901માં લખાયેલ તેમની પ્રથમ રચના ‘હિમાલા’ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના અભિગમની ર્દષ્ટિએ સૂચક છે. 1905 સુધીના ગાળાની તેમની તમામ કાવ્યરચનાઓમાં દેશભક્તિ તથા પ્રાચીન ભારતીય સંસ્કારવારસાનું પ્રભાવક, કાવ્યાત્મક ચિત્રણ છે. આ જ ગાળાની બીજી એક રચના ‘સદાયે દર્દ’માં વાલ્મીકિ, ગૌતમ બુદ્ધ, શંકરાચાર્ય, ગુરુ નાનક જેવા લોકોત્તર પુરુષો પ્રત્યેનો તેમનો આદરભાવ વ્યક્ત થયો છે. તેમનાં ધર્મસહિષ્ણુતા તથા ઉદારમતવાદની પ્રતીતિ રૂપે તેમણે ગાયત્રીમંત્રનો 10 પંક્તિઓમાં ‘આફતાબ’ (સૂર્ય) નામે ભાવાનુવાદ રજૂ કર્યો. તેની સાથે જોડેલી ભૂમિકામાં તેમનાં વિશાળ આધ્યાત્મિક ર્દષ્ટિકોણ તથા ઊંડી અભ્યાસપરાયણતા જોવા મળે છે. ફારસી ભાષામાં લખાયેલાં તેમનાં કાવ્યોમાં હિંદુ તથા ઇસ્લામી ચિંતનનો સમન્વય નિરૂપાયો છે.

1905ની તેમની યુરોપયાત્રાએ તેમની કાવ્યપ્રવૃત્તિ પરત્વે અગત્યનો ભાગ ભજવ્યો છે. પ્રવાસ દરમિયાન તેમણે જોયું કે ઇંગ્લૅન્ડની રાજ્યસત્તા અને યુરોપના દેશો એશિયા તેમજ મુસ્લિમ રાજ્યો પ્રત્યે સ્વાર્થી અને શોષણખોર રાજકીય વ્યવહાર દાખવી એ રાજ્યોને પરસ્પર લડાવી રહ્યા હતા. આવી સમસ્યાઓના ઉકેલ રૂપે તેમને ઇસ્લામી સંગઠનનો ઇલાજ ઉચિત જણાયો અને તેમનાં કાવ્યસર્જનોમાં તેનું પ્રતિપાદન થયું.

તેમની જાણીતી સાહિત્યકૃતિઓ આ છે : (1) રુમૂઝે બેખુદી (1918), (2)  પયામે મશ્રિક (1923), (3) બાંગે દરા (1924), (4) ઝબૂરે અજમ (1927), (5) જાવેદનામા (1932), (6) બાલે જિબ્રીલ (1935), (7) ઝર્બે કલીમ (1936), (8) અરમગાને હિજાઝ (1938).

ભારતમાં તેમનું કાવ્ય ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ખૂબ જાણીતું છે. પંજાબની શાળાઓમાં બાળકો માટે તેમણે રચેલું રાષ્ટ્રગીત ‘મેરા વતન વહી હૈ’ ગવાતું. ‘નયા શિવાલા’ કાવ્યમાં તેમણે જુનવાણી લોકોને નવું વિજ્ઞાન અપનાવવા ઉપદેશ આપ્યો છે અને એકબીજામાં ભેદ જન્માવતા રિવાજો-સંપ્રદાયો છોડવા જણાવ્યું છે. ભારતના લોકોની અને મુસ્લિમોની પડતી અને ગુલામીથી પ્રભાવિત થઈ તેમના સંવેદનશીલ હૃદયે 1924માં તેમનાં ‘શિકવા’ (ફરિયાદ) અને ‘જવાબે-શિકવા’ (ફરિયાદનો જવાબ) કાવ્યો પ્રગટ કરી મુસ્લિમોમાં જાગૃતિ આણવા પ્રયત્નો કર્યા હતા. તેઓ પાકિસ્તાનની વિભાવનાના સર્જક ગણાય છે. દર વર્ષે પાકિસ્તાનમાં અને ભારતમાં ‘ઇકબાલ દિન’ ઊજવાય છે.

વિખ્યાત ફારસી કવિ મૌલાના જલાલલુદ્દીન રૂમીનો ઇકબાલ પર ખૂબ પ્રભાવ હતો. તેઓ વિશ્વબંધુત્વની ભાવનામાં માનતા હતા. તેઓ કહે છે, ‘‘મારું ઘર-વતન દિલ્હી નથી, ઇસ્ફહાન નથી કે સમરકંદ નથી; પરંતુ સમગ્ર વિશ્ર્વ છે.’’ તેઓ તકદીર(નસીબ)માં નહિ પણ તકદીર(પુરુષાર્થ)માં માનતા હતા. ‘તું આત્માને એટલો મહાન બનાવ કે પરમાત્મા પણ તેના બંદા જેવા તને પૂછે કે બોલ તારી શી મરજી છે ?’ 1918માં પ્રગટ થયેલ ‘રુમૂઝે બેખુદી’નો અર્થ ‘નિરહંકારપણાનું રહસ્ય’ છે. અહંકાર તજીને માનવ આત્માને મહાન બનાવી શકે છે. તેમના પુત્ર(જાવેદ)ના નામ પરથી ‘જાવેદનામા’ (‘અનંતનું ગાન’) (1932) રચેલું. તે ઇટાલિયન મહાકવિ ડૅન્ટિની ‘ડિવાઇન કૉમેડી’નું સ્મરણ કરાવે છે. જર્મન તત્વચિંતક નિત્શેનો પ્રભાવ ઝીલીને ઇકબાલે તેમની વિચારધારાને પણ પોતાની કવિતામાં અપનાવી છે. ‘પયામે મશરિક’માં ઇકબાલે જર્મન કવિ ગેટેના ‘પશ્ચિમ અને પૂર્વના દીવાન’(West-Ostlicher Divan, 1819)નો જવાબ આપ્યો છે. ‘પયામે મશરિક’નો અર્થ ‘પૂર્વનો સંદેશ’ થાય છે.

અવસાન બાદ આ મહાન કવિને લાહોરમાં ઐતિહાસિક બાદશાહી મસ્જિદ સામે દફનાવવામાં આવ્યા હતા.

બાવાસાહેબ  તિરમીઝી

કૃષ્ણવદન જેટલી