આલ્ડ્રિન : હેકઝાક્લોરોહેક્ઝાહાઇડ્રોડાયમિથેનો નૅપ્થેલીનો(C12H8Cl6)માંનો એક કીટનાશક સમઘટક, હેક્ઝાક્લોરોપેન્ટાડાઇન સાથે બાયસાયક્લોહેપ્ટાડાઇનની પ્રક્રિયાથી તે બને છે. તે કીટકના મધ્યસ્થ ચેતાતંત્ર(central nervous system)ને ઉત્તેજિત કરે છે. તે ગરમ લોહીવાળાં પ્રાણીઓ માટે ઝેરી છે. ખોરાક, શ્વાસોચ્છવાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશીને ઝેરી અસર ઉપજાવે છે. આલ્ડ્રિનની પેરૉક્સિએસેટિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી બીજું કીટનાશક ડીલ્ડ્રિન મળે છે. આ જ પ્રક્રિયાથી ડીલ્ડ્રિનનો સમઘટક ઍન્ડ્રીન, આઇસોડ્રીનમાંથી મળી શકે છે.          

આલ્ડ્રિન, ડીલ્ડ્રિન, આઇસોડ્રીન, ઍન્ડ્રીન વગેરે કીટનાશક સંયોજનો મનુષ્ય અને અન્ય પ્રાણીઓ ઉપર હાનિકારક અસર કરતાં હોઈ, તેમનો વપરાશ ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે.

પ્રહલાદ બે. પટેલ