આલ્તેક ભાષા જૂથ : મધ્ય એશિયામાં તિબેટની ઉત્તરે અને પૂર્વ યુરોપથી પૅસિફિક સમુદ્ર સુધી ફેલાયેલા વિશાળ પ્રદેશમાં બોલાતી ભાષાઓ. આ ભાષા-પરિવારનું નામ અલ્તાઇ પર્વતો પરથી પડેલું છે. આ પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ કર્યા હોય તો, પશ્ચિમના અર્ધા પ્રદેશમાં વિવિધ તુર્કી ભાષાઓ આશરે 30 લાખ લોકો દ્વારા બોલાય છે. પૂર્વના અર્ધા પ્રદેશમાં મૉંગોલિક અને મંચુ તુન્ગુસિક ભાષાઓ લગભગ 70 લાખ અને 10 લાખ લોકો દ્વારા બોલાય છે.

ઐતિહાસિક પુરાવા પ્રમાણે અલ્તાઇના મૂળ વતનીઓની ભટકતી શિકારી ભરવાડોની ટોળીઓ હતી. એશિયાના વિશાળ પ્રદેશોમાં ભટકતાં ભટકતાં તેમણે ચીન અને ઈરાનના અમુક ભાગો જીતી લીધેલા અને ત્યાં પોતાનાં રાજ્યો સ્થાપેલાં. એ જ પ્રમાણે આલ્તેકભાષિક હૂણ, આવાર, તુર્કી અને મૉંગોલ લોકોએ ચોથીથી તેરમી સદી દરમિયાન પશ્ચિમમાં પોલૅન્ડ અને યુગોસ્લાવિયા સુધી પ્રવાસો ખેડીને પોતાની ભાષાઓનો પ્રસાર કર્યો હતો.

ઘણા વિદ્વાનોના મતે ઉત્તરીય યુરોપની ઉરાલિક ભાષાઓ આલ્તેક ભાષા-જૂથ સાથે સંકળાયેલી છે; તેથી આ ભાષા-પરિવારને ઉરાલ-આલ્તેક ભાષા-જૂથ કહે છે. ભાષા-વૈજ્ઞાનિક સંશોધનોને આધારે ઉરાલ-આલ્તેક ભાષા-જૂથને ત્રણ ભાષા-પરિવારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એશિયા અને યુરોપના વિશાળ પ્રદેશમાં આ ત્રણેય ભાષા-પરિવારોની ભાષાઓ લગભગ 7 કરોડ લોકો દ્વારા બોલાય છે. તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે :

(1) ફિન્નો-ઉગ્રિયન ભાષાજૂથ (ઉરાલિક)

(2) તુર્કો-તાતાર ભાષાજૂથ

(3) મૉંગોલિયન (+ મંચુરિયન) ભાષાજૂથ

(2) અને (3)ની ભાષાઓ આલ્તેક પરિવારની ગણાય છે.

લગભગ 1 કરોડ 80 લાખ લોકો દ્વારા લાતવિયા, એસ્તોનિયા, ફિનલૅન્ડ, જૂના સોવિયત યુનિયનનો થોડો પ્રદેશ, નૉર્વે, હંગેરી, ટ્રાન્સિલવેનિયા, ક્રોએતિયા, પશ્ચિમ તરફ વૉલ્ગા નદી અને ઉત્તર તરફ આર્ક્ટિક સમુદ્ર સુધીના પ્રદેશમાં બોલાતી ભાષાઓ ઉપરાંત આશરે 20,000 લોકો દ્વારા યુરોપની ઉત્તર-પૂર્વે, એશિયાની ઉત્તર-પશ્ચિમે, અલ્તાઈ પર્વતોની ઉત્તર-પૂર્વે બોલાતી ભાષાઓનો સમાવેશ આ પરિવારમાં થાય છે. આ પરિવારની મુખ્ય ભાષાઓ ફિનિશ, ઍસ્ટૉનિયન, લૅપ્પિશ અને હંગેરિયન (મગ્યાર) છે અને તેમની બોલીઓ ઝીરિયન, વોતયાક, મોદવા, ચેરમીસ, સામોવેદિસ, વોગુલ, ઓસ્તયાક અને બીજી ઘણી છે.

પૂર્વ પોલૅન્ડ, બાલ્કન, યુરેશિયા ખંડ; ઉત્તર, પૂર્વ અને દક્ષિણ સાઇબીરિયા, મૉંગોલિયા, તુર્કસ્તાન, આઝરબૈજાન, ક્રીમિયા અને બસબેરિયા સુધીના પ્રદેશમાં આશરે 5 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષાઓનો આમાં સમાવેશ થાય છે. ઘણી પ્રાચીન અને મૃત તુર્કી ભાષાઓનો પણ આ પરિવારમાં સમાવેશ થાય છે. આ પરિવારની સૌથી મહત્વની ભાષા તુર્કી લગભગ બે કરોડ સિત્તેર લાખ લોકો બોલે છે. 2,50,000 યુગોસ્લાવિયાના, 2,00,000 ગ્રીસના અને 2,00,000 બલ્ગેરિયાના લોકો આ ભાષા બોલે છે.

આઝરબૈજાની : આશરે 30 લાખ લોકો આઝરબૈજાનમાં અને ઈરાનના વાયવ્ય ભાગોમાં લગભગ 40 લાખ લોકો બોલે છે.

ઉઝબેક : આ ભાષા 50 લાખ લોકો ઉઝબેકિસ્તાનમાં અને 20 લાખ લોકો પડોશના સોવિયેત રિપબ્લિક અને અફઘાનિસ્તાનમાં બોલે છે.

તાતાર : એક સમયે આખા મધ્ય એશિયામાં આ ભાષા બોલાતી. આજે એ લગભગ 50 લાખ લોકો દ્વારા બોલાય છે.

ચુવાશ : 1 કરોડ લોકો દ્વારા કાઝાન પાસે વૉલ્ગા નદીના તટપ્રદેશમાં, તાતારમાં અને ચુવાશ અગાઉના સોવિયેત પ્રદેશમાં બોલાય છે.

કઝાખ : આશરે 50 લાખ લોકો રશિયામાં અને 6 લાખ લોકો ચીનના સિક્યાંગ પ્રદેશમાં આ ભાષા બોલે છે. કિરગીઝ 10 લાખ લોકો અને તુર્કોમન આશરે 10 લાખ લોકો અફઘાનિસ્તાન તથા સિક્યાંગના પશ્ચિમી પ્રદેશમાં બોલે છે. ઉઈઘુરના આશરે 40,000 બોલનારા સોવિયેત રશિયામાં ખાસ કરી કઝાખિસ્તાનમાં વસે છે. તે ઉપરાંત પૂર્વેના સોવિયેત પ્રજાસત્તાકમાં બોલાતી ભગતાઈ, કરાગર, કુમુક, બશકિર, કરેઈટ, યાકુત જેવી બીજી ઘણી ભાષાઓનો આ ભાષાપરિવારમાં સમાવેશ થાય છે.

મૉંગોલિયન પરિવારના લગભગ 20 લાખ લોકો છે. સિક્યાંગના પૂર્વ પ્રદેશમાં, અંદર અને બહારના મૉંગોલ પ્રદેશમાં, મંચુરિયાના થોડા ભાગો અને આસપાસના નાના નાના ભાગોમાં આ પરિવારની ભાષાઓ બોલાય છે. તેની મુખ્ય ભાષા ખાલ્ખા લગભગ દસ લાખ લોકો દ્વારા બોલાય છે. કૉલ્મિક અને બુર્યાત તેની ઉપશાખાઓ છે. તુનગુંસમાં લગભગ મૃતપ્રાય મંચુ ભાષાઓનો સમાવેશ થાય છે. આ ભાષાઓ મંચુરિયાના ઉત્તરી ભાગોમાં ફેલાયેલી છે. તેમાંની તુનગુંસ લગભગ 1,500 લોકો બોલે છે ને પૂર્વ સાઇબીરિયામાં ફેલાયેલી છે.

ભાષાકીય રીતે મહત્વપૂર્ણ એવી બે ભાષાઓ, જાપાની અને કોરિયનના વર્ગીકરણ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. અમુક વિદ્વાનોના મત પ્રમાણે આ બંને ભાષાઓ ઉરાલ-આલ્તેક ભાષા-પરિવારની છે. તેઓ મૉંગોલ મંચુરિયન ઉપશાખામાં તેમને નોંધે છે, જ્યારે મોટા ભાગના વિદ્વાનોના મત પ્રમાણે આ બંને સ્વતંત્ર ભાષા-પરિવાર છે. આ મત વધુ તર્કસંગત અને ઉપયુક્ત ગણાય છે.

ધ્વનિતંત્ર (phonology) : આ ભાષાઓની ધ્યાન ખેંચતી ધ્વનિવિષયક વિશેષતાઓ આ પ્રમાણે છે : આ ભાષાઓમાં અર્થયુક્ત ધ્વનિપ્રયોગોમાં એક જાતની સંવાદિતા જોવા મળે છે. શબ્દોમાં આવતા સ્વરોમાં એક જાતનો ઉચ્ચારનો સુમેળ જોવા મળે છે. શબ્દમાં આવતા બધા સ્વરો તીવ્ર (sharp) અથવા સમાન (flat) હોય છે. આ સ્વરો અગ્ર-તાલવ્ય (front palatal) અથવા પાર્શ્વ-કંઠ્ય (back-velar) હોય છે. એવી જ રીતે વ્યંજનોમાં પણ આ જાતની સંવાદિતા જોવા મળે છે. શબ્દમાં આવતા વ્યંજનો તાલવ્ય અથવા કંઠ્ય હોય છે અને એ રીતે શબ્દમાં ધ્વનિઓની સંવાદિતા જળવાય છે. વ્યંજનપરિવર્તનનાં પરિમાણ (quantitative) અને વૈશિષ્ટ્ય(qualitative)ના નિયમો પણ અહીં લાગુ પડતા જણાય છે. એ નિયમો પ્રમાણે મૂળરૂપ અથવા ધાતુને જ્યારે પ્રત્યયો લાગે છે ત્યારે પ્રત્યયમાં આવેલ સ્વર (-રો) પ્રમાણે મૂળ રૂપનો છેલ્લો વ્યંજન પરિવર્તન પામે છે. એ રીતે શબ્દમાં દેખીતો ફેરફાર જોવા મળે છે. જો પ્રત્યયનો સ્વર પાર્શ્વ-કંઠ્ય હોય તો મૂળ રૂપનો છેલ્લો વ્યંજન પણ પાર્શ્વ-કંઠ્ય અને જો સ્વર અગ્ર-તાલવ્ય હોય તો મૂળ રૂપનો છેલ્લો વ્યંજન અગ્ર-તાલવ્યમાં પરિવર્તિત થાય છે. એ સિવાય શબ્દમાં આરંભ ને મધ્યમાં બેવડાતા વ્યંજનોનો અભાવ દેખાય છે. આધુનિક બીજી ભાષાઓના શબ્દો અપનાવતાં તેમાં આવેલ બેવડા ધ્વનિઓમાંથી એકનો લોપ કરવામાં આવે છે અથવા બેવડાયેલા વ્યંજનની વચ્ચે ‘અ’નો ઉચ્ચાર ઉમેરવામાં આવે છે. આ બધી ભાષાઓમાં સ્વરાઘાત (stress) પદ્ધતિ જુદી જુદી જણાય છે. કોઈ ભાષામાં શબ્દના આદિ સ્થાને, કોઈમાં મધ્ય સ્થાને અને કોઈમાં શબ્દના અંતે સ્વરાઘાત આવતો દેખાય છે.

રૂપો (morphology) : આધુનિક ભાષાઓની નજીવી અસરને બાદ કરતાં આ ભાષાઓ ઉપસર્ગ (prefix) અને શબ્દની મધ્યમાં આવતા અનુગો(infix)થી અપરિચિત છે. આ ભાષાનાં રૂપો રૂપાંતર(inflexion)ને આધીન છે. ભાષાનાં વ્યાકરણિક પાસાં પ્રત્યયો દ્વારા જ વ્યક્ત કરવામાં આવતાં દેખાય છે. આ ભાષાઓમાં કારક વિભક્તિપ્રત્યયોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે. તેમાં સ્થળની નોંધ બહુ ચોકસાઈપૂર્વક થતી જોવા મળે છે. અમુક ભાષાઓમાં તે માટે લગભગ 20 જેટલા પ્રત્યયો નોંધાયા છે. મોટાભાગની ભાષાઓમાં સંબંધસૂચક સર્વનામોનાં રૂપ વિકસિત થઈને સંબંધની સાથે સાથે વાક્ય-કથન જોડનારા (conjugation) શબ્દોનું કામ કરતાં દેખાય છે. ક્રિયાને લાગતા પ્રત્યયો કાળ, વચન, કર્મણિ, કર્તરિ, પ્રેરક વગેરે સર્વ અર્થ વ્યક્ત કરે છે. તે માટે અલગ શબ્દોનો ઉપયોગ જોવા મળતો નથી. આ ભાષાઓમાં મળી આવતા રૂઢિપ્રયોગને આધારે કહી શકાય કે સંબંધસૂચક પ્રત્યયો બીજા પ્રત્યયોની પહેલાં અથવા પછી આવી શકે છે. એમાં સંજ્ઞા, વિશેષણ, અંકો, ક્રિયાપદો વગેરે વિકારી હોય છે. અનેક પ્રત્યયો હોવા છતાં આ ભાષાઓમાં વ્યાકરણિક લિંગનો અભાવ દેખાય છે અને ‘નકાર’ માટે ક્રિયાપદનાં આગવાં રૂપો છે.

શબ્દભંડોળ : આગળ જણાવ્યા પ્રમાણે આ ભાષા બોલનારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરતા રહ્યા છે. આ બધી જગ્યાઓની નોંધ તેમણે શબ્દો દ્વારા જાળવી રાખી છે. ગમે ત્યાં ગયા હોવા છતાં સર્વનામ અને સંબંધસૂચક શબ્દો દ્વારા તેમના મૂળ ધંધા, વતનનાં પ્રાણીઓ, વનસ્પતિ વગેરેની નોંધ જાળવી રાખતા દેખાય છે. ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિએ આ ભાષાના શબ્દભંડોળ દ્વારા પ્રાચીન સમયની ભૌગોલિક પરિસ્થિતિઓ, ભ્રમણ કરતાં અપનાવેલી નવી પરિસ્થિતિઓ અને તેમાં જણાતી અસમાનતા વગેરેની માહિતી જળવાઈ રહી છે. તેના આધારે એ સ્પષ્ટ થયું છે કે પેલિયો-યુરોપિયન, પેલિયો-એશિયાટિક, ચીની, ઇન્ડો-ઈરાનિયન, સ્લાવિક, સેમિટિક વગેરે પ્રદેશની આ ભાષાઓ ઉપર અસર છે. એ પ્રદેશોમાં આ ટોળી વસી હતી અથવા તેમાંથી પસાર થઈ હતી, એમ કહી શકાય. એવી જ રીતે આજે પણ સહેલાઈથી પહોંચી ન શકાય તેવા પ્રદેશોમાં બોલાતી આ પરિવારની ભાષાઓમાં ઘણા અતિપ્રાચીન રૂઢિપ્રયોગો મળી આવે છે, જે આજના સમયમાં અધ્યયન માટે એક નવી દિશા ખોલે છે.

ઉષા નાયર