આલ્કલી (alkali) : પ્રબળ બેઝિક ગુણો ધરાવતાં જળદ્રાવ્ય હાઇડ્રૉક્સાઇડ. તેમનું જલીય દ્રાવણ 7.0 કરતાં વધુ pH મૂલ્ય ધરાવે છે. તે પ્રબળ વિદ્યુત-વિભાજ્ય (electrolyte) હોવાથી વિદ્યુતનું વહન કરે છે. તે સ્પર્શે ચીકણા અને સાંદ્ર (concentrated) સ્વરૂપમાં ત્વચા ઉપર દાહક અસર કરે છે. તે લાલ લિટમસને વાદળી, ફિનોલ્ફથેલીનને આછું ગુલાબી તથા મિથાઇલ ઑરેન્જને પીળા રંગનું કરે છે. ઍસિડ સાથે પ્રક્રિયા કરીને તે ક્ષાર (salt) તથા પાણી બનાવે છે અને દ્રાવણમાંથી ધાતુ આયનોનું (metal ions) હાઇડ્રૉક્સાઇડ રૂપે અવક્ષેપન (precipitation) કરે છે. ‘આલ્કલી’ શબ્દ સામાન્ય રીતે આલ્કલી ધાતુઓનાં હાઇડ્રૉક્સાઇડ માટે પ્રયોજાય છે. જોકે ઍમોનિયમ હાઇડ્રૉક્સાઇડને પણ આલ્કલીમાં ગણવામાં આવે છે. કૉસ્ટિક સોડા (NaOH), કૉસ્ટિક પોટાશ (KOH), કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ [Ca(OH)2] અને એમોનિયમ હાઇડ્રૉક્સાઇડ (NH4OH) વધુ વપરાતાં આલ્કલી છે.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ