આલાઓલ (જ. 1607 જલાલપોર; અ. 1680 હઝારી, ચિત્તાગોંગ) : મધ્યયુગીન બંગાળી સાહિત્યના સુપ્રતિષ્ઠિત મુસલમાન કવિ. તેઓ બંગાળના દક્ષિણ પ્રદેશના રાજાના અમાત્યના પુત્ર હતા. એક વખતે પિતા-પુત્ર નૌકામાં મુસાફરી કરતા હતા ત્યારે તેમની પર ફિરંગી ચાંચિયાઓએ હલ્લો કર્યો, પિતાને માર્યા અને આલાઓલને આરાકાની તરીકે વેચવામાં આવ્યા. લશ્કરમાં ભરતી કરીને હયદળમાં દાખલ કર્યા. થોડા સમયમાં તેમની વિદ્વત્તા અને સંગીતકુશળતાની ખ્યાતિ પ્રસરી. પછી આરાકાનના રાજા શ્રીચંદ્ર સુધર્માના દરબારમાં રાજકવિ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા. એમની પૂર્વે, આરાકાન રાજ્યમાં દૌલત કાઝી નામે સમર્થ કવિ રાજકવિ હતા. એમણે બિહારની લોરચન્દ્રાણી અને મયનાની લોકગીતા બંગાળી ભાષામાં પાંચાલી (આખ્યાન) પ્રકારમાં લખવાનું શરૂ કરેલું. પણ કાવ્યના બે ખંડ લખ્યા, ત્યાં મૃત્યુ થતાં એ કાવ્ય પૂરું કરવાની જવાબદારી આલાઓલ પર આવી. આલાઓલે એ કાર્ય પૂરું કર્યું. આલાઓલને ફારસી કવિતાનું ઊંડું જ્ઞાન હતું. તેમણે હિન્દી સૂફી કવિ જાયસીની ‘પદ્માવતી’નું બંગાળીમાં રૂપાંતર કર્યું. જાયસીમાંથી કથાવસ્તુ લઈને એમણે પોતાની રીતે એને વિકસાવ્યું છે. બંગાળી આખ્યાન કવિતાના ઢાળમાં મૂકવા માટે એમણે કવિતાનો સંક્ષેપ કર્યો છે અને કેટલીક વધારાની કથાઓ પણ અંદર ઉમેરી છે. એમણે ફારસી પ્રેમકાવ્ય ‘સયફલ મુલુક બાદિ ઉજનીમાલ’નું તથા ફારસી ધાર્મિક કાવ્ય ‘તુહફા’નું પણ બંગાળીમાં રૂપાંતર કર્યું છે. આ રીતે ફારસી કવિતામાંથી બંગાળીમાં અનુવાદ કરનાર આલાઓલ પહેલા હતા. આલાઓલને સંસ્કૃત તથા અવધીનું પણ સારું જ્ઞાન હતું. એ ભાષાઓની જાણકારીએ એમની શૈલીને વિશિષ્ટ છટા અર્પી હતી. રાજ્યના મંત્રી મૂસાના કહેવાથી આલાઓલે નિઝામી ‘હપ્ત પયકર’ને બંગાળી પદ્યમાં રૂપાંતરિત કર્યું. એમના સમયમાં શાહજહાંના પુત્ર શુજાએ આરાકાનના દરબારમાં આશરો લીધો હતો ત્યારે આલાઓલ જોડે શુજાને મૈત્રી થયેલી. પછી શુજાની હત્યા થતાં, આલાઓલ પર શક જતાં એમને કારાગારમાં નાંખવામાં આવેલા. કેટલાંક વર્ષો પછી જેલમાંથી છૂટ્યા ત્યારે તેઓ મનથી ભાંગી ગયા હતા. આલાઓલે ઉપરનાં રૂપાંતરો ઉપરાંત રાધાકૃષ્ણની પ્રેમલીલાનાં કેટલાંક હૃદયંગમ પદો પણ રચ્યાં છે.

નિવેદિતા બસુ