આલાપ ઝિયા : અર્વાચીન સિંધી કાવ્યસંગ્રહ. ‘ઝિયા’ તખલ્લુસથી લખતા પરસરામ હીરાનંદનાં કાવ્યોનો આ સંગ્રહ છે. તેને 1958 માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક એનાયત થયું હતું. ભારતના વિભાજન પૂર્વેની તેમની કવિતામાં રાષ્ટ્રભક્તિ દૃષ્ટિગોચર થાય છે, તો વિભાજન પછીની કવિતામાં વિશૃંખલિત સિંધી સમાજની સામાજિક તથા આર્થિક વિષમતાઓનું ચિત્રણ છે. કાવ્યોમાં નિર્વાસિત શિબિરોની હૃદયદ્રાવક કરુણ સ્થિતિ, આર્થિક અસમાનતા, તથા તત્કાલીન રાજકીય સ્થિતિનું યથાર્થ ચિત્રણ છે. કવિતાની ભાષા સરળ અને લોકભોગ્ય હોઈને કવિતા લોકપ્રિય બની છે. દહેજ અને અન્ય સામાજિક કુરિવાજો પર પ્રહાર કરતી રચનાઓ તથા માતૃભૂમિ સિંધના સ્મરણમાં રચિત કવિતા લોકપ્રિય બની છે. તેમાં સાથે સાથે નવી પેઢી માટે સિંધવિષયક પ્રચુર માહિતી પણ છે.

જયંત રેલવાણી