આર્યમંજુશ્રીમૂલકલ્પ

January, 2002

આર્યમંજુશ્રીમૂલકલ્પ : બૌદ્ધ ધર્મના મહાયાનનો એક પ્રસિદ્ધ ગ્રંથ. એનું બીજું નામ ‘બોધિસત્વપિટકાવતંસક’ છે. એમાં બોધિસત્વ કુમાર મંજુશ્રીના સર્વસત્વ-ઉપકારક મંત્રો, તેનું અનુષ્ઠાન અને જ્યોતિષનાં નિમિત્ત આદિ વિષય નિરૂપાયા છે. એમાંના કેટલાક ઉપદેશ શાક્યમુનિ અને કુમાર મંજુશ્રી વચ્ચે, કેટલાક શાક્યમુનિ અને પર્ષન્મંડલ વચ્ચે અને કેટલાક કુમાર મંજુશ્રી અને પર્ષન્મંડલ વચ્ચે પ્રયોજાયા છે. તર્કતીર્થ ગણપતિશાસ્ત્રીએ એનો મૂળ સંસ્કૃત ગ્રંથ સંપાદિત કર્યો છે. એનો ચીની તથા તિબેટી ભાષામાં અનુવાદ થયો છે. એના અધ્યાય 53માં શકભારશિવવંશથી પાલવંશ સુધીનો વૃત્તાંત નિરૂપાયો છે. આ ગ્રંથ ઈ. સ. 800ના અરસામાં બંગાળમાં લખાયો લાગે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી