આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES)

January, 2002

આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES) : માર્ચ, 2004માં ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરીનું નવું નામકરણ થયું અને હવે તે ‘આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES)’ તરીકે ઓળખાય છે.

Cc1 aries1

આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ

સૌ. "Cc1 aries1" | CC BY-SA 4.0

તે નૈનીતાલ ખાતેની સૌર નિરીક્ષણ માટેની વેધશાળા છે. આ વેધશાળાની મૂળ સ્થાપના 1954ના એપ્રિલમાં વારાણસીમાં થઈ હતી. 1955માં તેને નૈનીતાલ લાવવામાં આવી અને 1961માં નૈનીતાલ શહેરની દક્ષિણે 79 27´પૂ. રે. અને 29 22´ ઉ. અ. પર 1,951 મીટરની ઊંચાઈએ આવેલા કાયમી સ્થળે લઈ જવામાં આવી.

વેધશાળા પાસે 104 સેમી.ના છિદ્ર(aperture)વાળા દૂરદર્શક સહિત કેટલાંક દૂરદર્શક, સૂર્યના અભ્યાસ માટે તેનું 16 સેમી. પ્રતિબિંબ મેળવી શકાય તેવો સૌરવર્ણપટલેખક (spectrograph), ઉપગ્રહ-ટ્રૅકિંગ કૅમેરા, સેકંડના દસ લાખમા ભાગ જેટલી ચોકસાઈથી સમય માપી શકે તેવું ક્વાર્ટ્ઝ ઘડિયાળ વગેરે સાધનો ઉપરાંત સમૃદ્ધ પુસ્તકાલય તથા સંશોધન માટેનાં સાધનો બનાવી શકાય તે માટેના પાંચ વર્કશૉપ છે.

સૂર્ય પૃથ્વીની સૌથી નજીકનો તારો છે, જેનો વિગતવાર અભ્યાસ શક્ય છે. આથી વિશ્વની ઘણી વેધશાળાઓ સૂર્યના જ અભ્યાસ માટે જાણીતી છે. આ વેધશાળા પણ સૂર્યના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે. આ ઉપરાંત ઉપગ્રહ-ટ્રૅકિંગ પણ આ ઑબ્ઝર્વેટરીનું અગત્યનું કાર્ય છે.

પૂરવી ઝવેરી