આર્ય : ભારતીય પરંપરામાં સ્વાગતયોગ્ય, શ્રેષ્ઠ, સ્વામી, નેતા વગેરે અર્થોમાં પ્રયોજાયેલો શબ્દ. આપણી સાંસ્કૃતિક પરંપરામાં आर्य શબ્દ ઋગ્વેદયુગથી પ્રચારમાં છે. ઋગ્વેદમાં આ શબ્દ 36 વખત પ્રયોજાયો છે. તેય કેવળ માણસના સંદર્ભે જ નહીં પણ વાદળ, વરસાદ, પ્રકાશ, સોમરસ વગેરેના સંદર્ભે પણ. આ બધી વખત આ શબ્દ સ્વાગતયોગ્ય, શ્રેષ્ઠ, સ્વામી, પૂજ્ય, ગુરુ, મિત્ર, સંમાનનીય જેવા અર્થમાં પ્રયોજાયો છે. જ્ઞાતવ્ય આથી એટલું જ છે કે आर्य શબ્દ અહીં ગુણવાચક તરીકે, કહો કે વિશેષ્ય તરીકે, વપરાયો છે. ક્યાંય ક્યારેય આ શબ્દનો વિનિયોગ જાતિવાચક તરીકે, પ્રજાવાચક તરીકે કે જ્ઞાતિવાચક તરીકે થયો જ નથી. હકીકતે आर्य શબ્દના પ્રસ્તુત અર્થ અઢારમી સદી સુધી વિશ્વસમસ્તમાં સ્વીકૃત રહ્યા હતા. જૈન અને બૌદ્ધ પરંપરામાંય आर्य શબ્દ પ્રસ્તુત અર્થમાં સ્વીકારાયેલો છે. બૌદ્ધ અને જૈન વાઙ્મયમાં વિશેષ નામોની પૂર્વે પૂજ્ય કે આદરણીય જેવા ભાવ વ્યક્ત કરવા आर्य શબ્દ પ્રયોજાયો છે. દા.ત., આર્ય કૌશિક, આર્ય રક્ષિતસૂરિ, આર્ય ખપૂટ ઇત્યાદિ. બૌદ્ધ ધર્મમાં આઠ આર્યસત્યનો નિર્દેશ છે જેમાંય આર્ય શબ્દ ગુણવાચક રૂપે જેવો પ્રાપ્ત થાય છે. ‘ઇન્ડોનેશિયન લૅંગ્વેજ ડિક્શનરી’માં પણ आर्य એટલે સંસ્કૃત માણસ કે સંસ્કૃત વર્તન એવો અર્થ છે. ઈરાની ભાષામાં આ શબ્દ ગુણવાચક તરીકે પ્રયોજાયો છે. સંસ્કૃત પછી આપણા રાષ્ટ્રની બીજી પૂર્વકાલીન ભાષા તમિળ છે અને તેમાં વેદની ભાષાને આર્ય ભાષા (અર્થાત્ શ્રેષ્ઠ ભાષા) તરીકે ઓળખાવાઈ છે. कृण्वन्तो विश्वमार्यम् વાક્ય ઋગ્વેદમાં (9.63.5) છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે आर्य શબ્દ કોઈ વંશ કે જાતિ કે પ્રજાવિશેષનું નામ નથી, પણ ગુણવાચક વિશેષણ છે અને સર્વગ્રાહી રીતે માત્ર संस्कारी અને श्रेष्ठ એવા અર્થ અભિપ્રેત છે. ઋગ્વેદમાં આ શબ્દ આ અર્થમાં 1.51.8, 2.11.18, 3.34.9, 9.10.49, 3.10.86 વગેરે ઋચાઓમાં પ્રયોજાયેલો જોઈ શકાય છે.

પ્રજાવિશેષના સંદર્ભે आर्य શબ્દનો વ્યાપક પ્રચાર કર્યો જર્મન ઇન્ડૉલૉજિસ્ટ ફ્રેડરિચ મેક્સ મૂલરે 1851થી 1871 દરમિયાન. (જુઓ : ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’, નવમી આવૃત્તિ, ગ્રંથ 2, પૃ. 673). અહીં મેક્સ મૂલરે आर्य શબ્દ પ્રજાવાચક છે એમ દર્શાવ્યું છે. જોકે તેમણે પછીથી જણાવ્યું કે પારિભાષિક દૃષ્ટિએ વિચારતાં आर्य શબ્દને વંશના સંદર્ભે ઉપયોગી શકાય નહીં (જુઓ : ‘કલેક્ટેડ વકર્સ’, પુસ્તક 10, પૃ. 90). કેટલાક અંગ્રેજોએ મેક્સ મૂલરના પુન:કથિત વિધાનને અનુમોદન આપ્યું. પરંતુ નહેરુપંથી વિદ્વાનોએ તો મેક્સ મૂલરનું અગાઉના વિધાનનું ગાણું ગાયે જ રાખ્યું. પરિણામે હજી આજેય ‘ભારતમાં આર્યોનું આક્રમણ’ થયું હતું તે મુદ્દો જીવંત છે.

મેક્સ મૂલરના પ્રથમ વિધાન પરત્વે આપણા રાષ્ટ્રીય ઇતિહાસના પ્રખર અને સંનિષ્ઠ નિરૂપક એફ. ઇ. પાર્જિટરે ‘એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટોરિકલ ટ્રડિશન’ ગ્રંથમાં (લંડન, 1922, પૃષ્ઠ 298) પાદનોંધમાં સ્પષ્ટ લખ્યું છે કે ‘અફઘાનિસ્તાનમાંથી પંજાબ તરફ આર્યો આગળ વધતા આવ્યા એવું દર્શાવતી દલીલ માત્ર ઊલટાવી દેવાની જરૂર છે. અર્થાત્ આર્યો પંજાબ તરફથી અફઘાનિસ્તાન તરફ આગળ વધ્યા.’ આપણા સંસ્કૃત નાટ્યસાહિત્યમાં ‘આર્યપુત્ર’ જેવો પ્રયોગ વારંવાર જોવા મળે છે, અને પત્ની પોતાના પતિને આ રીતે સંબોધે છે. ‘મનુસ્મૃતિ’માં (2.22) आर्यावर्त શબ્દ દેશવિશેષના અર્થમાં પ્રયોજાયો છે; પ્રજાવિશેષના અર્થમાં નહીં. આપણા સંસ્કૃત-સાહિત્યમાં લૌકિક અને ધાર્મિક ગ્રંથોમાં ક્યાંય आर्यवंश એ પ્રકારનો શબ્દપ્રયોગ શોધવા છતાંય હાથવગો થતો નથી. आर्य શબ્દ સંસ્કૃત ભાષાનો છે અને તેથી તે ભારતીય મૂળનો શબ્દ છે. વિશ્વની કોઈ એકેય ભાષામાં आर्य શબ્દ મૂળ રૂપમાં ક્યાંય જોવો પ્રાપ્ત થતો નથી. હા, અપવાદ રૂપે અવેસ્તામાં એટલે કે ઈરાની ભાષામાં आर्य શબ્દ જોવા મળે છે પણ તેય અનુકાલમાં અને ભારતીય સંસ્કૃત ભાષાની અસર હેઠળ તથા ગુણવાચક અર્થમાં પ્રયોજાયેલો છે.

आर्य શબ્દના અર્થ છે : ઉત્તમ કુળમાં પેદા થયેલું, પૂજ્ય, સંમાનનીય, ધર્માનુકૂળ આચરણ, શ્રેષ્ઠ કુળમાં જન્મેલી વ્યક્તિ, સ્વામી, ગુરુ વગેરે. आर्यक એટલે સંમાનનીય પુરુષ, દાદા. आर्यपुत्र એટલે પતિ. आर्यमिश्र એટલે સદગૃહસ્થ, પૂજ્ય. आर्या એટલે પૂજ્ય સ્ત્રી, પાર્વતી. તાત્પર્ય એટલું જ કે आर्य શબ્દથી હકીકતે પોતાનું અને પોતાના કુટુંબનું યોગ્ય પાલન કરનાર, સદાચારી, ગૃહસ્થધર્મી અને સંસ્કારી મનુષ્યનું દર્શન થાય છે. આથી વિપરીત આચરણ કરનારને अनार्य શબ્દથી ઓળખવાની પરંપરા આપણી સંસ્કૃતિમાં વિદ્યમાન છે.

મહાભારતના યુદ્ધ સમયે જ્યારે અર્જુન હથિયાર હેઠાં મૂકે છે ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને अनार्य વિશેષણથી સંબોધે છે. દશરથ અને વાલ્મીકિ પણ કૈકેયીને એના વર્તન સબબ अनार्य તરીકે નવાજે છે. આ બંને પ્રસંગે ઉપયોગમાં લેવાયેલો अनार्य શબ્દ કેવળ ને કેવળ ગુણસૂચક છે અને વિશેષણ તરીકે તેનો વિનિયોગ થયો છે. આથી, अनार्य શબ્દ દ્રવિડો માટે પ્રયોજાયેલો હોવાનો મત ભ્રામક છે.

પ્રસ્તુત શબ્દથી પોતાનું અને પોતાના કુટુંબનું યોગ્ય પાલન કરનાર, સદાચારી, ગૃહસ્થધર્મી, સંસ્કારી મનુષ્યનું દર્શન થાય છે. આથી વિપરીત આચરણ કરનારને અનાર્ય શબ્દથી ઓળખવાની પરંપરા ભારતમાં વિદ્યમાન હતી.

યુરોપના લોકો અઢારમી સદીના મધ્યભાગથી આર્યકુલની વૈદિક સાહિત્યની દીર્ઘ પરંપરાના પરિચયમાં આવ્યા હતા. તે પૈકી વિલિયમ જોન્સે ભારતીય અને યુરોપીય શબ્દો વચ્ચેના સામ્યને આધારે આર્ય-ભાષાકુલની કલ્પના કરી. ભારતમાં તો તેની લાંબી પરંપરા વિદ્યમાન હોઈ તેનું અધ્યયન વધ્યું તે સાથે શબ્દાશ્રિત કલ્પનાઓ પણ વધી.

એક ભાષા બોલનાર એક જ જાતિ હોવી જોઈએ અને તે કોઈ એક પ્રદેશમાં રહેતી હોવી જોઈએ એવી કલ્પના ઓગણીસમી સદીમાં ઉદભવી. આ કલ્પના પેન્કા અને બીજા યુરોપવાસીઓએ કરી. આ સંદર્ભમાં આર્ય એટલે એક વૈદિક જાતિ અને તેના મૂળ નિવાસસ્થાનને લગતા પ્રશ્નો ચર્ચવામાં આવ્યા છે.

એશિયા તથા યુરોપના જુદા જુદા ભાગોમાં આર્યોનું મૂળ સ્થાન હોવાના અભિપ્રાય ધરાવનાર વિદ્વાનોના મત અનુસાર આર્યો ભારતમાં અન્યત્રથી આવ્યા હતા, પરંતુ તેમના મૂળ સ્થાન બાબત મતભેદોનું પ્રમાણ વિશેષ છે, જેમાં આર્યોના મૂળ સ્થાનનો ઉત્તર ધ્રુવથી પૂર્વ યુરોપ અને મધ્ય એશિયા સુધીના વિવિધ દેશોમાં સમાવેશ થાય છે. ભારતમાં બહારથી આર્યો આવ્યા હોવાના વિચાર સાથે આર્યો ભારતના રહેવાસીઓ હતા તે મત પણ પ્રબળ પ્રચારમાં છે. આમ આર્યોના મૂળ નિવાસ અને તેમની પ્રવૃત્તિઓ વિશે ભારે વિવાદ પ્રવર્તે છે, જેનો અદ્યાપિ ઉકેલ આવ્યો નથી.

આર્યોના સહુથી પૂર્વકાલીન અને વિશિષ્ટ સાહિત્યનું અધ્યયન કરવાથી તેનાં ખેડાણ, સંરક્ષણ અને સંવર્ધન ભારતમાં થયાં હોવાનું સ્પષ્ટ થાય છે. વેદમાં વર્ણિત સપ્તસિંધુના વિવિધ અર્થો પૈકી માત્ર તેનો નદીસૂચક અર્થ સ્વીકારીને તથા વેદના નદીસૂક્તમાં વર્ણિત નદીનામોની તપાસ કરવાથી સમગ્ર પ્રદેશ ગંગાયમુનાથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધીનો હોવાની સંભાવના દૃઢ થાય છે.

વેદના પુરુષસૂક્તમાં ગ્રામ અને અરણ્ય પશુઓના સર્જનની હકીકતો તથા તેમાં વર્ણિત પુર વગેરેની વિગતો તપાસતાં સ્પષ્ટ થાય છે કે ગ્રામો, પુરો આદિની રચના થયા પછી જ ઋષિઓ દ્વારા વેદની સંહિતાઓનું દર્શન અને સંરક્ષણ થયું હતું. આમ વેદની અંતરંગ પરીક્ષાથી ભારતીય પરંપરાના બ્રહ્માવર્તમાં વેદની વ્યવસ્થા થઈ હોવાની માન્યતાને પુષ્ટિ મળે છે, જેને સમર્થન કરતાં પ્રમાણો અથર્વસંહિતામાંથી પ્રાપ્ત થાય છે.

પથ્થરો તથા તાંબાનાં ઓજારો વડે ખેતી કરનાર, રથ બનાવનાર અને બીજી પ્રવૃત્તિઓ કરનાર આર્યપ્રજાનાં વર્ણનો વેદની સંહિતાઓમાં છે, જેને પુરાવસ્તુની દૃષ્ટિએ તામ્રાશ્મ-નવાશ્મ કાલમાં મૂકી શકાય. અર્થાત્ ઈસુ પૂર્વે 2000ની આસપાસ બ્રહ્માવર્તમાં આ સંસ્કૃતિઓ વિદ્યમાન હોવાનું સ્પષ્ટ થાય છે.

વેદની સંહિતાઓમાં ખેતી સાથે પશુપાલન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આથી ગોપાલક-પ્રવૃત્તિનાં સ્વાભાવિક સ્થળાંતરો ઉપર વધુ પડતો ભાર મૂકીને આધુનિક તજ્જ્ઞો, આર્યો ભટકતું જીવન જીવતા હોવાનો મત રજૂ કરે છે. તેથી આર્યોનાં ગામો, તેમની ખેતી, ધાતુકામ, લક્કડકામ, ઝવેરાતનું કામ જેવી વિશિષ્ટ પ્રવૃત્તિઓ, નીલ-લોહિતની કલ્પનાને સાકાર કરતાં તેમનાં માટીનાં વાસણો જેવી ઘણી બાબતોને પાર્શ્વભૂમિકામાં રાખવાની વૃત્તિ બળવાન દેખાય છે.

વેદની સંહિતાઓ જેમ ભારતે સાચવી હતી તેમ ઈરાને ઝન્દ-અવેસ્તા સાચવી હતી. આ બંને વચ્ચેનાં ભાષા અને વિચારનાં સામ્ય, આર્યોના વિચારો ભારત, ઈરાન, મધ્ય એશિયાના પ્રદેશોમાં વિવિધ જાતિઓમાં ફેલાયેલા હોવાના મતને સમર્થે છે, છતાં તેની પૂર્વકાલીનતાના પ્રશ્ને ઘણો વિવાદ ઓગણીસમી સદીમાં સર્જાયો હતો, જે હજી વિદ્યમાન છે. જોકે આ સદીના યુરોપીય તજ્જ્ઞો આ પ્રક્રિયાને ઘણી જૂની માનવા તૈયાર ન હતા, જ્યારે ભારતીય વિદ્વાનો તે જૂની હોવાનો મત ધરાવે છે.

ખાસ કરીને વીસમી સદીમાં પશ્ચિમ એશિયાના વિભિન્ન ભાગોમાં થયેલાં સંશોધનોને પરિણામે ઇન્દ્ર, વરુણ નાસત્ય જેવા દેવોના ઉપાસકો તથા ત્રણ, પાંચ જેવા શબ્દો તુર્કસ્તાનના બોગાઝકૂઇ વિસ્તારમાં ઈસુ પૂર્વે બીજી સહસ્રાબ્દીના મધ્યભાગમાં પ્રચારમાં હોવાનો પ્રબળ પુરાવો મળ્યો છે. ઈસુ પૂર્વેની અઢારમી સદીના મધ્યભાગમાં બૅબિલોન ઉપર સત્તા જમાવનાર કશ્શુ લોકોના દેવોમાં સુરિયસ જેવો સૂર્યસૂચક શબ્દ મળ્યો. તેથી આર્ય-ભાષાકુલના શબ્દોનો પ્રચાર ઈસુ પૂર્વેની બીજી સહસ્રાબ્દીના પૂર્વાર્ધથી પશ્ચિમ એશિયાની સેમેટિક ભાષાઓના પ્રદેશમાં થયો હોવાનો મત પ્રબળ બન્યો છે.

ઉપરાંત ગ્રીક લોકોના તથા લૅટિન ભાષાના ઘણા શબ્દો આર્યભાષા સાથે સામ્ય ધરાવતા દેખાય છે, તેથી આ ભાષાનો ફેલાવો ક્રમશ: ઘણા મોટા વિસ્તાર પર થયો હતો એવું સૂચિત થાય છે. પરંતુ આર્યભાષા બોલનાર પ્રજાના શારીરિક દેખાવની બાબતો તપાસતાં તેમાં કલ્પનાવિલાસ વધુ જણાય છે. વેદની ભાષા કરતાં આર્યભાષા પૂર્વકાલીન હોવાની કલ્પના કરીને વેદમાં દેખાતા દ્રવિડ મૂળના શબ્દો ભારતની મૂળ પ્રજાના હોવાની કલ્પના રજૂ થઈ અને માત્ર ભાષાકીય પ્રશ્નને જાતીય પ્રશ્ન તરીકે ગૂંચવવાનો પ્રયાસ થયો.

ઓગણીસમી સદીમાં રજૂ થયેલા આર્ય સંબંધી આ વિચારો બાબત હાલના તબક્કે ચાલતાં સંશોધનો શંકા જન્માવે છે. તે સમયનાં ઘણાં સમીકરણો આજે ગ્રાહ્ય રખાતાં નથી અને તેથી આર્યભાષા અને આર્યપ્રજા બાબત વિચારણાના પાયાઓનું પુનરીક્ષણ સંહિતા તથા અવેસ્તાના યોગ્ય અધ્યયનથી કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

આ સંજોગોમાં ભારતમાં સ્વીકૃત આર્ય અર્થાત્ સંસ્કારી, સ્વાગતયોગ્ય આદિ અર્થો સ્વીકારવા ઇષ્ટ દેખાય છે અને તેનું જાતિ સાથેના સમીકરણ વિશે સંશોધન અપેક્ષિત છે. વેદ પૂર્વકાલમાં 5000-6000 વર્ષ પહેલાં, આર્ય શબ્દપ્રયોગ જમીન કસનાર/કેળવનાર સંસ્કારી માણસ માટે (સ્થાયી જમીનદાર માટે) વપરાતો હતો, જે પાછળથી મોભાદારના અર્થમાં વપરાવવા માંડ્યો.

રસેશ  જમીનદાર