આયર, વંચી (જ. આશરે 1880, શેનકોટા, તામિલનાડુ; અ. 11 જૂન 1911, મણિયાચી, તિરુનેલ્વેલી જિલ્લો) : દેશભક્ત ક્રાંતિકાર. તે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. કિશોરાવસ્થામાં વંચી આયર ભારતી, વી. વી. એસ. આયર અને નીલકંઠ બ્રહ્મચારી જેવા ક્રાંતિકારોથી પ્રભાવિત થયા હતા. તેમની પાસેથી આયરે ક્રાંતિકારનો જુસ્સો આત્મસાત્ કર્યો. તે એમ માનવા લાગ્યા કે યુરોપિયનો તથા ખ્રિસ્તીઓની સરકાર હોવાથી હિંદુઓની સામાજિક સંસ્થાઓ તથા તેમનાં મૂલ્યોનો ભોગ લેવાય છે. બંગાળમાં સ્વદેશીની ચળવળ દરમિયાન જુગાન્તર અને અનુશીલન સમિતિઓ ઘણી ક્રિયાશીલ હતી. તેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પણ વંચી આયર પર પ્રભાવ પડ્યો હતો.
ત્રાવણકોર રાજ્યના વન વિભાગમાં નોકરીમાં જોડાઈને વંચીએ કારકિર્દી શરૂ કરી. તે સમયના બંગાળના તથા તામિલનાડુના ક્રાંતિકારોના નિકટ સંપર્કમાં તે રહેતા હતા. તે સમયે વી. વી. એસ. આયર પુદુચેરીમાં યુવકોને રિવૉલ્વરની તાલીમ આપતા હતા. વંચી નોકરીમાંથી ત્રણ મહિનાની રજા લઈને પુદુચેરી રિવૉલ્વર ચલાવવાની તાલીમ લેવા ગયા. આ દરમિયાન વંચીએ વી. વી. એસ. આયર તથા શંકરકૃષ્ણ આયર સાથે મળીને તિરુનેલ્વેલીના જિલ્લા મૅજિસ્ટ્રેટ ઍશનું ખૂન કરવાની યોજના ઘડી. વંચીએ મણિયાચી જંકશન સ્ટેશને રેલવે-ટ્રેનમાં આવેલા ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ઍશ પર 11 જૂન, 1911ના રોજ ગોળીબાર કરીને તેને મારી નાંખ્યો. તે પછી પોતે આપઘાત કર્યો. દક્ષિણ ભારતમાં કરવામાં આવેલ આ પ્રથમ રાજકીય ખૂન હતું. વંચી આયર પાસેથી એક પત્ર મળ્યો. તેમાં તેમણે પોતાના દેશબંધુઓને દેશની સ્વતંત્રતા મેળવવા તથા સનાતન ધર્મ તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવા વાસ્તે, સર્વ યુરોપિયનોની હત્યા કરવા જણાવ્યું હતું.
વંચી આયર હિંસક સાધનો દ્વારા સ્વતંત્રતા મેળવવામાં માનતા હતા. તેમના સમયમાં રાજકીય વાતાવરણમાં ઉગ્રવાદ ફેલાયેલ હતો અને વંચી પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. તે રૂઢિચુસ્ત વિચારના હતા અને સનાતન ધર્મનાં મૂલ્યો કોઈ પણ રીતે સાચવવામાં માનતા હતા. તે એ માટે હિંસક માર્ગોની હિમાયત પણ કરતા હતા. પ્રાચીન હિંદુ ધર્મ અને સનાતન મૂલ્યો સચવાય તે માટે અંગ્રેજોને દૂર કરવા માગતા હતા. તેમના વિચારો થોડાં વર્ષ માટે સ્વીકારવામાં આવ્યા; પરન્તુ ગાંધીજીએ અહિંસક માર્ગો દર્શાવ્યા બાદ લોકો તે તરફ વળ્યા હતા.
જયકુમાર ર. શુક્લ