આયંગર, સુષમા (જ. 9 જૂન 1963 વડોદરા) : કચ્છની મહિલાઓના વિકાસ અને સશક્તીકરણ માટે સમર્પિત સમાજસેવિકા. વડોદરા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થઈ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવી મેળવી. કારકિર્દીના આરંભે કયું ક્ષેત્ર હાથ ધરવું તેની વિમાસણમાં હતાં ત્યારે મહિલાસેવાની તીવ્ર આંતરિક ઇચ્છાશક્તિથી પ્રેરાઈ સામાજિક ક્ષેત્રે કામની શરૂઆત કરી. આ માટે તેમણે હસ્તકૌશલ્યમાં પારંગત, પરંતુ કુદરતી આફતોનો ભોગ બનતા કચ્છ પર પસંદગી ઉતારી. નાનાં કામોથી શરૂઆત કરી, ભુજને કેંદ્ર બનાવી તેમણે કચ્છ મહિલા વિકાસ સંગઠનનો આરંભ કર્યો. ત્યાં તેમની સાથે ગુજરાત રાજ્ય હસ્તકલા નિગમ દ્વારા ચાલતી જનવિકાસ સંસ્થા જોડાતાં કામોમાં વેગ આવ્યો. ‘સંગઠન, સ્વાશ્રય અને સેવા’નું સૂત્ર અપનાવી સાક્ષરતા, હસ્તકલા, ઘરઆંગણાનો બગીચો (કિચન ગાર્ડન), પાણીની પરબો, જળસંચય તેમજ બચત-ધિરાણ કાર્યક્રમો દ્વારા તેમણે ગ્રામીણ અને અભણ મહિલાઓમાં નવજીવનનો સંચાર કર્યો. ગજબના આત્મવિશ્વાસ સાથે તેમણે આ બહેનોને વિવિધ કામો માટે તૈયાર કરી. તેમાં મશીન-રિપૅરિંગથી માંડી કૂવા-ખોદાઈ જેવાં વિવિધ કામો આવરી લેવાતાં. કચ્છના નખત્રાણા, મુંદ્રા, અબડાસા અને લખપતમાં મહિલા-સ્વાસ્થ્ય-કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા અંગેની નવી સૂઝ પૂરી પાડી. મહિલાઓને આર્થિક સ્વાવલંબનના આશયથી નાના ઉદ્યોગોમાં કાર્યરત બનાવી; કાયદો, શિક્ષણ અને પર્યાવરણ અંગેની સભાનતા પૂરી પાડી. મહિલા સશક્તીકરણની આ પ્રવૃત્તિઓને કારણે 1995નો ચંપાબહેન ગોંધિયા ઍવૉર્ડ તેમને એનાયત થયો હતો.

26  જાન્યુઆરી, 2001 ના ધરતીકંપે કચ્છને લગભગ જમીનદોસ્ત કરી અસાધારણ તબાહી સર્જી ત્યારે કચ્છ મહિલા વિકાસ સંગઠન કચ્છ-નવનિર્માણ અભિયાન સાથે જોડાઈ ગયું. આ કપરા સંજોગોમાં ભારે દોડધામ કરી તેમણે વિશ્વભરની વિવિધ સંસ્થાઓનો વિશ્વાસ સંપાદન કરી અનન્ય કામગીરી બજાવી. દિવસરાત જોયા વિના, મેલાંઘેલાં કપડાં સાથે કચ્છનાં છેવાડાનાં ગામોનો સંપર્ક કરી તેમણે લોકોની જરૂરિયાત જાણી, તે માટેના પ્રૉજેક્ટ તૈયાર કર્યા, જરૂરિયાતોના અંદાજ ઘડ્યા અને ચોક્કસ આયોજન સાથે નાનાં-મોટાં ગામોનો હાથ ઝાલી તેમને બેઠાં થવામાં અસીમ સહાય પૂરી પાડી. ભારે પરિશ્રમ માંગી લેતું આ કામ એટલું તો પરિપૂર્ણ હતું કે વિશ્વભરની રાહત-સંસ્થાઓએ તેમની સહાયના તમામ સ્રોતો સુષમાબહેન માટે ખુલ્લા મૂકી દીધા. તેમના વડપણ હેઠળ તાતા રિલીફ કમિટી, રેડ ક્રૉસ, સેવ ચિલ્ડ્રન – જેવી માતબર સંસ્થાઓએ તાલમેલ સાધ્યો. કશાયે ભેદભાવ વિના તેમણે રાહતસામગ્રીના વિતરણ માટેની વ્યવસ્થા ઊભી કરી અને ધરતીકંપ પછીના કચ્છના નવનિર્માણમાં અડીખમ આધાર બની સતત સેવાકાર્ય કરતાં રહ્યાં. ધરાતલ-કક્ષાની આ કામગીરી દ્વારા તેમણે મહિલા સશક્તીકરણને નવા આયામો પૂરા પાડ્યા છે. મહિલાઓને બેનમૂન નેતૃત્વની દિશામાં પ્રવૃત્ત કરી વંચિત મહિલાઓમાં નવચેતનનો સંચાર કર્યો છે. આ કાર્યો દ્વારા તેમણે મહિલાઓને એમની શક્તિઓની આગવી અને સાચી ઓળખ પૂરી પાડી છે.

રક્ષા મ. વ્યાસ