આયંગર, એસ. કસ્તુરી

January, 2002

આયંગર, એસ. કસ્તુરી (જ. 15  ડિસેમ્બર 1859 ; અ. 12 ડિસેમ્બર 1923 ) : ‘હિન્દુ’ દૈનિકના પૂર્વ તંત્રી. અડગ નિશ્ચયબળ, ધૈર્ય અને દેશદાઝથી ‘હિન્દુ’ને દેશનું એક અગ્રણી દૈનિક બનાવ્યું. એ દિવસોમાં રાજકીય જાગૃતિનો હજી પ્રારંભકાળ હતો અને વિદેશી હકૂમત અનેક રીતે અખબારોને અંકુશમાં લેવાના પ્રયત્નો કરતી ત્યારે તેમણે અખબારોને આર્થિક સંકડામણમાંથી બહાર કાઢીને વિશુદ્ધ રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ અપનાવ્યો હતો. અખબારોના અવાજમાં તેનો પહેલી વાર સ્પષ્ટ રણકો સંભળાયેલો.

એસ. કસ્તુરી આયંગર

ખાસ કરીને સરકારના વહીવટી તંત્ર અને ન્યાયતંત્રની એમણે આકરી ઝાટકણી કાઢી હતી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના એક પાયાના અડીખમ યોદ્ધા અને નિર્ભીક પત્રકાર લોકમાન્ય ટિળકની વિચારધારાના તેઓ પ્રબળ સમર્થક હતા. એમણે પોતાના અખબાર દ્વારા અંગ્રેજ સરકારની ભેદભાવભરી નીતિ, રંગદ્વેષ અને સત્તાના દુરુપયોગ સામે સાચી ઝુંબેશ ચલાવી. તેમણે ધીખતી વકીલાત છોડીને પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. તેમણે આરંભે માત્ર 800  નકલનો ફેલાવો ધરાવતા ‘હિન્દુ’ને દેશનાં વિશાળ ફેલાવો ધરાવતાં અખબારોમાં સ્થાન અપાવ્યું હતું.

યાસીન દલાલ