આયંગર બી. કે. એસ. (જ. 14 ડિસેમ્બર 1918 બેલુર, કર્ણાટક; અ. 20 ઑગસ્ટ 2014) : આયંગર યોગના પ્રણેતા.
એક ભારતીય યોગશિક્ષક અને લેખક. તેઓ “આયંગર યોગ” નામની યોગશૈલીના પ્રણેતા અને તેમને વિશ્વના અગ્રણી યોગ ગુરુઓમાંના એક માનવામાં આવે છે. તેઓએ યોગઅભ્યાસ અને ફિલસૂફી પર ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘લાઇટ ઑન યોગ’, ‘લાઇટ ઑન પ્રાણાયામ’, ‘લાઇટ ઑન ધ યોગ સૂત્રો ઑફ પતંજલિ’ અને ‘લાઇટ ઑન લાઇફ’નો સમાવેશ થાય છે.
જન્મ એક ગરીબ શ્રીવૈષ્ણવ આયંગર પરિવારમાં થયો હતો. જ્યારે આયંગર પાંચ વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર બૅંગાલુરુ રહેવા ગયો. તેમના નવમા જન્મદિવસ પહેલાં, એપેન્ડિસાઇટિસથી તેમના પિતાનું મૃત્યુ થયું. તેમના જન્મ સમયે ઇન્ફલ્યુએન્ઝા રોગચાળાની ઝપેટમાં હતું, અને તે રોગના હુમલાથી નાનાં બાળકો ઘણાં વર્ષો સુધી બીમાર અને નબળા પડી ગયાં હતાં. બાળપણ દરમિયાન, તેઓ મલેરિયા, ક્ષય રોગ, ટાઇફૉઈડ તાવ અને સામાન્ય કુપોષણથી સંઘર્ષ કરતા હતા. 1934માં બી. કે. એસ. આયંગરના સાળા, યોગી શ્રી તિરુમલાઈ કૃષ્ણમાચાર્યે તેમને મૈસૂર આવવા કહ્યું, જેથી યોગાસનોની પ્રૅક્ટિસ દ્વારા તેમનું સ્વાસ્થ્ય સુધારી શકાય. યોગના પરિચય સાથે જ તેમનું જીવન સાવ જ બદલાઈ ગયું. કડક અને શિસ્તબદ્ધ તાલીમ હેઠળ, આયંગરના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થયો. કૃષ્ણમાચાર્યે આયંગર અને અન્ય વિદ્યાર્થીઓને મૈસૂર ખાતે મહારાજાના દરબારમાં વિવિધ આસન કરાવ્યાં, જેનો આયંગર પર સકારાત્મક પ્રભાવ પડ્યો. આયંગર તેમના સાળા સાથેના તેમના જોડાણને તેમના જીવનનો એક વળાંક માને છે.
1937માં, કૃષ્ણમાચાર્યે અઢાર વર્ષની ઉંમરે યોગના શિક્ષણનો ફેલાવો કરવા માટે આયંગરને પુણે મોકલ્યા.
1952માં, આયંગરે વાયોલિનવાદક યેહુદી મેનુહિન સાથે મિત્રતા કરી. મેનુહિને તેમને એવી તક આપી જેણે આયંગરને ઓછા જાણીતા ભારતીય યોગશિક્ષકમાંથી આંતરરાષ્ટ્રીય ગુરુમાં પરિવર્તિત કર્યા. આયંગરે પ્રખ્યાત ફિલૉસૉફર જિદ્દુ કૃષ્ણમૂર્તિને યોગનું શિક્ષણ આપ્યું હતું, કૃષ્ણમૂર્તિએ જ આયંગરને મેનુહિનને મળવા માટે મુંબઈ જવાનું કહ્યું. આયંગરે ખૂબ જ થાકેલા મેનુહિનને સવાસનમાં સૂવાનું કહ્યું અને એક કલાક પછી, મેનુહિન એકદમ તાજામાજા થઈને ઊઠ્યા અને આયંગર સાથે બીજા બે કલાક વિતાવ્યા. મેનુહિનને વિશ્વાસ થયો કે યોગનો અભ્યાસ કરવાથી તેમના વગાડવામાં સુધારો થાય છે. 1954માં તેમણે આયંગરને સ્વિટ્ઝર્લૅન્ડ આવવાનું આમંત્રણ આપ્યું. ત્યારથી આયંગર નિયમિતપણે પશ્ચિમના દેશોની મુલાકાત લેતા થયા. આયંગરે 1956માં યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ મુલાકાત લીધી હતી.
આયંગરે કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ નારાયણ સહિત અનેક મહાનુભાવોને યોગ શીખવ્યા, તેમણે બેલ્જિયમની રાણી એલિઝાબેથને 80 વર્ષની ઉંમરે શીર્ષાસન શીખવ્યું. તેમના અન્ય જાણીતા શિષ્યોમાં અન્ય નવલકથાકાર એલ્ડોસ હક્સલી, અભિનેત્રી એનેટ બેનિંગ, ફિલ્મનિર્માતા મીરા નાયર અને ડિઝાઇનર ડોના કરણ, તેમજ ક્રિકેટર સચિન તેંડુલકર અને બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર સહિત અગ્રણી હસ્તીઓનો સમાવેશ થાય છે.
બી.કે.એસ. આયંગરે યોગની એક વિશિષ્ટ શૈલી વિકસાવી હતી જે આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી : દરેક મુદ્રા(આસન)માં ચોકસાઈ, મહત્તમ લાભ માટે આસનોનો નિયત ક્રમ, બેલ્ટ, બ્લોક, ધાબળા અને ખુરશીઓ જેવાં પ્રોપ્સનો ઉપયોગ અને વિવિધ સ્વાસ્થ્યસ્થિતિઓ માટે યોગનો ઉપચારાત્મક ઉપયોગ. તેમના આ અભિગમે યોગને વધુ વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને સુલભ બનાવ્યો. જેમાં શિખાઉ માણસો, વૃદ્ધ વ્યક્તિઓ અને ઈજાગ્રસ્ત લોકોનો સમાવેશ થાય છે. આયંગર માનતા હતા કે યોગ ફક્ત શારીરિક કસરત નથી, પરંતુ એક સર્વાંગી શિસ્ત છે જે શરીર, મન, શ્વાસ અને આત્માને એકીકૃત કરે છે. તેમના શિક્ષણમાં શિસ્ત, સમર્પણ અને માઇન્ડફુલનેસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે ઘણી વાર યોગને આત્મ-અનુભૂતિ અને આંતરિક સંતુલનનો માર્ગ ગણાવ્યો હતો.
1966માં, આયંગરે તેમનું પહેલું પુસ્તક, ‘લાઇટ ઑન યોગા’ પ્રકાશિત કર્યું. તે આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ-સેલર બન્યું. 2005 સુધીમાં, આ પુસ્તકનું 17 ભાષાઓમાં ભાષાંતર થયું હતું અને તેની ત્રણ મિલિયન નકલો વેચાઈ હતી. ત્યારબાદ પ્રાણાયામ અને યોગ ફિલસૂફીનાં પાસાંઓને આવરી લેતાં તેમનાં 13 અન્ય પુસ્તકો પણ પ્રકાશિત થયાં.
આયંગરને વૈશ્વિક સ્તરે યોગને લોકપ્રિય બનાવવા અને તેને તમામ ઉંમર અને શારીરિક સ્થિતિના લોકો માટે સુલભ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમની અનોખી શૈલી, જે આયંગર યોગ તરીકે ઓળખાય છે, તે ચોકસાઈ અને પ્રોપ્સના ઉપયોગ પર ભાર મૂકે છે. 1975માં, આયંગરે તેમની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં પુણેમાં રામમણિ આયંગર મેમોરિયલ યોગા ઇન્સ્ટિટ્યૂટ ખોલ્યું. તેમણે 1984માં યોગ શિક્ષણમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી, પરંતુ ‘આયંગર યોગ’ની દુનિયામાં સક્રિય રહ્યા. તેઓ ખાસ વર્ગો શીખવતા, વ્યાખ્યાનો આપતા અને પુસ્તકો લખતા. આયંગરની પુત્રી ગીતા અને પુત્ર પ્રશાંતે યોગશિક્ષક તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી છે.
આયંગરે પ્રકૃતિ સંરક્ષણને ટેકો આપ્યો, એમ કહીને કે બધાં પ્રાણીઓ અને પક્ષીઓનું સંરક્ષણ કરવું મહત્ત્વપૂર્ણ છે. તેમણે મૈસૂરના ચામરાજેન્દ્ર ઝૂઓલૉજિકલ ગાર્ડન્સને 2 મિલિયન રૂપિયાનું દાન આપ્યું, જે ભારતના કોઈ પણ પ્રાણીસંગ્રહાલયને કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું સૌથી મોટું દાન માનવામાં આવે છે.
આયંગરના સૌથી મહત્ત્વપૂર્ણ સખાવતી પ્રોજેક્ટમાં તેમનું વતન બેલુરનો સમાવેશ થાય છે. તેમણે સ્થાપિત બેલુર ટ્રસ્ટ ફંડ દ્વારા, તેમણે ગામની સિકલ બદલી નાખી છે અને ત્યાં અનેક સખાવતી પ્રવૃત્તિઓને ટેકો આપ્યો. તેમણે એક હૉસ્પિટલ, પતંજલિને સમર્પિત ભારતનું પ્રથમ મંદિર, એક મફત શાળા જે બેલુર અને આસપાસનાં ગામોનાં બાળકોને ગણવેશ, પુસ્તકો અને ગરમ ભોજન પૂરું પાડે છે, એક માધ્યમિક શાળા અને એક કૉલેજનું પણ નિર્માણ કર્યું છે.
ભારત સરકારે આયંગરને 1991માં પદ્મશ્રી, 2002માં પદ્મભૂષણ અને 2014માં પદ્મવિભૂષણથી નવાજ્યા હતા. 2004માં, ટાઇમ મૅગેઝિન દ્વારા આયંગરને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક તરીકે માન આપવામાં આવ્યું હતું. 14 ડિસેમ્બર 2015ના રોજ, આયંગરનો 97મો જન્મદિવસ હતો, તેમને ગુગલ ડુડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘યોગાચાર્ય બી.કે.એસ. આયંગર : યુનિટિંગ થ્રૂ યોગા’ વિશાલ દેસાઈ દ્વારા બનાવેલ એક દસ્તાવેજી ફિલ્મ 2018માં તેમની જન્મ- શતાબ્દી સમયે પ્રસ્તુત થઈ હતી. અદિતિ માકિમ અને વેલેન્ટિના ત્રિવેદી દ્વારા બનાવેલ બીજી દસ્તાવેજી ફિલ્મ, ‘લીપ ઑફ ફેઇથ’ (2008), તેમના બાળપણથી પુખ્તાવસ્થા સુધીના જીવન અને તેમની કારકિર્દીમાં તેમણે સામનો કરેલા અવરોધોને આવરી લે છે.
બી. કે. એસ. આયંગરે યોગને નવીનતા, શિસ્ત અને સમર્પણ દ્વારા લાખો લોકો માટે સુલભ બનાવવામાં સફળતા મેળવી અને એવો ગહન વારસો છોડીને ગયા જે વિશ્વભરના સાધકોને પ્રેરણા આપે છે.
ત્રિલોક સંઘાણી
