આફ્રિકન સાહિત્ય : આફ્રિકા ખંડનું અંગ્રેજી સહિત આફ્રિકન ભાષાઓમાં રચાયેલું સાહિત્ય. ત્રીસ ઉપરાંત દેશોને સમાવતા આફ્રિકા ખંડમાં 1,000 જેટલી બોલાતી ભાષાઓ 100 સમૂહમાં સમાવાઈ છે. તેમાંથી 50 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં નવલકથા, કવિતા, નાટક અને વાર્તાઓ રચાયાં છે. આ પ્રકાશનો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોની કૃતિઓ છે. પરંપરાગત સંસ્કૃતિઓમાં મૌખિક સાહિત્ય વિકસ્યું છે. ગદ્ય લોકવાર્તાઓમાં પાત્રો તરીકે પ્રાણી, પશુ, પંખી કે દેવ હોય છે.
યોરુબા શિકારીઓ અને માછીમારોએ ‘ઇજાલા’ કાવ્યસ્વરૂપ અપનાવ્યું છે. હાઉસા અને સ્વાહિલી ભાષાનું ઉપદેશાત્મક સાહિત્ય ઇસ્લામનો પ્રભાવ દર્શાવે છે. ઝૈર, ઘાના અને નાઇજીરિયામાં કવિતા નગારા-વાદન સાથે ગવાય છે.
આફ્રિકાની ભાષાઓમાં મહાકાવ્ય નથી, છતાં કૉંગોના બાંટુભાષી ન્યંગા લોકોમાં ગદ્યપદ્યમિશ્રિત ‘મ્વિન્ડો’ કાવ્ય પ્રગટ થયું છે, તે મહાકાવ્યના સ્વરૂપની નજીક છે. તેની સાથે સ્વાહિલીના દીર્ઘકાવ્ય ‘ઉટેન્ઝી’ની તુલના થાય છે. આફ્રિકન નાટકોનો સંબંધ સામાજિક પ્રસંગોનાં કર્મકાંડ અને વિધિઓ સાથે છે.
પૂર્વ આફ્રિકાની સ્વાહિલી ભાષામાં અરબી પ્રભાવ હેઠળ સોળમી સદીમાં સાહિત્ય રચાયું હતું. અઢારમી સદીના ઉપદેશાત્મક કાવ્ય ‘ઇન્કેશૉફ’માં 79 કડીઓ હોય છે. 4 પંક્તિની 100થી 600 કડીઓવાળાં કાવ્ય સ્વાહિલી ભાષામાં છે. શાબાન રૉબર્ટ (1909-1962) સ્વાહિલી ભાષાનો પ્રખ્યાત કવિ છે.
ઈથિયોપિયામાં ‘ગીઝ’ સાહિત્ય રચાયું છે. પશ્ચિમ અને દક્ષિણ આફ્રિકાની ભાષાઓમાં ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ સાહિત્યરચના કરેલી છે. ટૉમસ મૉફોલેના ‘શાકા’(1911)માં ઝૂલુ નેતા શાકાનું પ્રભાવશાળી પાત્ર આલેખાયું છે. યોરુબા ભાષાના નવલકથાકાર ચીફ ડી. ઓ. ફગુન્વા (1910-63)ની 6 નવલકથાઓમાં ‘ધ સ્કિલફુલ હંટર ઇન ફૉરેસ્ટ ઑવ્ સ્પિરિટ્સ’ (1939) તથા ‘ફૉરેસ્ટ ઑવ્ ધ લૉર્ડ’ (1945) ખૂબ લોકપ્રિય બની હતી.
પ્રાદેશિક ભાષાની ઘણી કૃતિઓ નાટક અથવા કવિતાના સ્વરૂપે રચાયેલી છે. ઍફ. ક્વાસી ફિયાવુનું ‘ટોકૉ અટોલિયા’ નાટક (1937) અત્યંત લોકપ્રિય થયેલું. ઘાનાના જે. એચ. એનકેટિયાએ તેમની માતૃભાષા ‘ત્વી’માં લખેલી 12 પુસ્તિકાઓ આંતરરાષ્ટ્રીય સંગીતકારોમાં જાણીતી છે. તેમણે ‘ક્વાબેના અમૉઆ’ (1953) નામે નવલકથા પણ લખી છે. યુગાન્ડાના ઑકોટ પી. બિટેકે અકોલી ભાષામાં ગીતો તથા નવલકથા ‘લુઓ’ રચેલ છે. વિલાકાઝી (1905-47) અને મઝિસી કુનેને ઝૂલુ ભાષાના સારા કવિઓ છે.
આફ્રિકન પ્રજા અને સમાજને સમજવા માટે આફ્રિકાના આધુનિક સાહિત્યકારોએ યુરોપની અથવા તેમના શ્વેત શાસકોની અંગ્રેજી, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ ભાષાઓમાં રચેલા સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે. એને ટિબ્બલેએ 1965 સુધીના ‘આફ્રિકન અંગ્રેજી સાહિત્ય’નો અભ્યાસપૂર્ણ ગ્રંથ પ્રગટ કર્યો છે. પૅંગ્વિન પ્રકાશને ‘આફ્રિકન રાઇટિંગ ટુડે’ તથા ‘મૉડર્ન પોએટ્રી ફ્રૉમ આફ્રિકા’ ગ્રંથો પ્રગટ કરી તેમાં ત્રણેય ભાષાના જાણીતા સાહિત્યકારોનો તથા તેમની કૃતિઓનો પરિચય આપ્યો છે. આફ્રિકાના 15 મુખ્ય દેશોના સાહિત્યકારો અને તેમની કૃતિઓ વિશે આ ગ્રંથો સારી માહિતી પૂરી પાડે છે. પૅંગ્વિન પ્રકાશનનો ‘ધ પૅંગ્વિન કંપેનિયન ટૂ લિટરેચર’ ગ્રંથ ચોથો પણ 100 ઉપરાંત આફ્રિકન સાહિત્યકારોનો સારો પરિચય આપે છે.
1986નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર આફ્રિકાના નાઇજીરિયન લેખક વ્હૉલે સોયિંકાને એનાયત થયો હતો. તે રીતે આફ્રિકન સાહિત્યને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી. એક વખતના ગુલામ, પરંતુ પછી ગ્રૅનેડા વિશ્વવિદ્યાલયના અધ્યાપક બનેલા સોળમી સદીના જુઆન લેટિનોની કૃતિઓ તથા અઢારમી સદીના સેંગાલી અમેરિકન કવિ ફિલિસ વ્હિટલી અને નાઇજીરિયન ઓલૌદાહ ઍક્વિઆનાની કૃતિઓની ઇંગ્લૅંડમાં 8 આવૃત્તિઓ થઈ હતી. આ કૃતિઓ ગુલામી અને ગુલામો પર થતા જુલ્મો અને તેમની મુક્તિ માટેના સંઘર્ષો વર્ણવે છે.
આધુનિક આફ્રિકન સાહિત્ય પરદેશી શ્વેત-યુરોપિયનોની ભાષામાં લખાયેલું હોવા છતાં તેમાં પરદેશી શ્વેત શાસકોના પગ નીચે કચડાયેલા દેશો અને તેમની પ્રજાની પીડા, તેમના પર થતા જુલ્મો અને અપમાનોની વ્યથા તથા મુક્તિ માટેના સંઘર્ષોમાં વેઠવી પડતી યાતનાઓને વાચા આપેલી છે. ફ્રેંચ ભાષામાં લખાયેલ આફ્રિકન સાહિત્યમાં વીસમી સદીના ચોથા અને પાંચમા દાયકામાં આ વલણ ‘નેગ્રીટ્યૂડ’ નામના આંદોલન રૂપે આવિષ્કાર પામ્યું. બીજા વિશ્વયુદ્ધ પછી આફ્રિકન દેશો અને તેમની પ્રજાઓમાં રાજકીય જાગૃતિ સાથે સ્વાતંત્ર્યની ઝંખના જાગી હતી. દક્ષિણ આફ્રિકામાં હજુ પણ શ્વેત શાસકો અશ્વેત આફ્રિકનો પર જુલ્મો ગુજારે છે.
સેનેગલના પ્રમુખ (1960) લિયૉપોલ્ડ સેદાર સેંધોર(જ. 1906) ‘નેગ્રીટ્યૂડ’ આંદોલનના નેતા હતા. તેમણે ઐમે સેઝૈરેની સાથે મળીને આફ્રિકન સાહિત્યના પ્રકાશન માટે સારો પ્રબંધ કર્યો. તેમણે ‘પ્રેઝન્સ આફ્રિકૈન’ (1947) નામનું સાહિત્યિક સામયિક પ્રગટ કર્યું હતું. 1948માં સેંધોરે ફ્રેંચમાં ‘ઍન્થૉલૉજી ઑવ્ ધ ન્યૂ નીગ્રો ઍન્ડ મડાગાસ્કન પોએટ્રી’ પ્રગટ કરેલ. તેનું આમુખ સાર્ત્રે લખેલું છે. સેંધોરે આફ્રિકન સંસ્કૃતિની પુન: સ્થાપના માટે પ્રયાસ કર્યો છે. તેમની કવિતામાં ગોરા લોકોએ કરેલ આફ્રિકન સંસ્કૃતિનો વિનાશ, પશ્ચિમની કઠોરતા, આફ્રિકન નારીનું સૌંદર્ય વગેરે વિષયોનું આલેખન છે. તેમણે ‘બ્લૅક ઑર્ફિયસ’ નામનું એક આફ્રિકન સાહિત્યિક સામયિક પણ પ્રગટ કર્યું હતું. નવી પેઢીનો અવાજ દીનતા નહિ, પણ બંડ અને પ્રતિકારનો છે. આફ્રિકન પ્રજા પોતાને કાળી પ્રજા તરીકે ઓળખાવવામાં ગૌરવ અને ધન્યતા માને છે. 1962માં કંપાલામાં અંગ્રેજી બોલનારા આફ્રિકન લેખકોનું સંમેલન ભરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘અમારું મૂલ્યાંકન આફ્રિકન લેખકો તરીકે નહિ, પણ સારા સાહિત્યકારો તરીકે કરો.’
ફ્રેંચ ભાષામાં પ્રગટ થતાં ‘પ્રેઝન્સ આફ્રિકૈન’ પ્રકાશન દ્વારા સેનેગલના કવિ બિરાગો ડિયૉપની કવિતા પ્રગટ થઈ હતી (1960). તેણે વાર્તાઓ પણ લખી છે. સેનેગલી પિતા અને કૅમેરુની માતાના કવિપુત્ર ડૅવિડ ડિયૉપ (1927-1960) ડાકારમાં વિમાની અકસ્માતમાં મૃત્યુ પામેલા. તે પણ કવિ હતા. તેમની કવિતા ‘નેગ્રીટ્યૂડ’માં નેગ્રીટ્યૂડનું આક્રમક વલણ જોવા મળે છે.
કામરા લયે(જ. 1928)ની 1953માં ફ્રેંચ ભાષામાં પ્રગટ થયેલી આત્મકથા ‘લ એન ફૉન નોઈ’, (‘ધ ડાર્ક ચાઇલ્ડ’)ને ચાર્લ્સ વેઇલૂન પારિતોષિક એનાયત થયું હતું. તેની નવલકથા ‘ધ રૅડિયન્સ ઑવ્ ધ કિંગ’ (1954, અનુ. 1956) માનવની પરમાત્મા માટેની શોધ વિશેનું રૂપક છે. મોંગોબેટી(જ. 1932)ની ‘ધ પૂઅર ક્રાઇસ્ટ ઑવ્ બૉમ્બા’ (1956, અં. ભા. 1971), ફર્ડિનાન્ડ ઓયોનોની ‘હાઉસબૉય’ (1956, અં. ભા. 1966) અને ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ મેડલ’ (1956, અનુ. 1967) એ 3 નવલોમાં ફ્રેંચ લોકોએ પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોને ફ્રેંચ સંસ્થાનો ગણાવેલ અને ત્યાંના શિક્ષિત લોકો અશ્વેત ફ્રેંચ પ્રજા છે એમ જણાવેલ તે બાબત ખોટી છે એવો ઘટસ્ફોટ થયેલો છે. ‘કિંગ લાઝારસ’(1958, અં. ભા. 1961) નામની બેટી-રચિત નવલકથાને ‘સેંટ બૉવ’ પારિતોષિક (1957) અર્પણ થયું હતું. શેખ હમીદૌ કાને(જ. 1928)ની ‘લ એદવેન્ચર ઍમ્બિગ’ (1961) અને યામ્બો ઔલોગુએમની, ‘બાઉન્ડ ટૂ વાયોલન્સ’ (1968) તત્વચિંતનાત્મક નવલકથાઓ છે. તેમાં ઇસ્લામ અને પશ્ચિમના ભૌતિકવાદ અથવા પરંપરાગત એકચક્રી શાસન અને ખ્રિસ્તી કરુણા વચ્ચે જાણે સંવાદ ચાલે છે.
પોર્ટુગીઝ ભાષાના આફ્રિકન કવિઓમાં અંગોલાના કવિ મારિયો દે ઍન્દ્રાદે (જ. 1928) તથા ઑગસ્ટિનો નેટો (જ. 1922) અંગોલાની આઝાદીના આંદોલનમાં સક્રિય હતા. ઍન્દ્રાદેએ અને નેટોએ પૉર્ટુગીઝ ભાષાની નીગ્રો કવિતાનો સંગ્રહ ‘એન્ટોલૉજિયા દ પોએઝિયા નેગ્રા દ ઍક્સપ્રેસાઓ પૉર્ટુગીઝ’ (1958, પૅરિસ) પ્રગટ કર્યો હતો. તેમાં પરદેશીઓના આફ્રિકન લોકો પરના રાજકીય અને સામાજિક જુલ્મો સામે પડકાર છે. લુઈ બર્નાડો હોમ્વાના પૉર્ટુગીઝ ભાષામાં લખનાર અગ્રગણ્ય વાર્તાકાર છે.
આફ્રિકન સાહિત્યમાં અંગ્રેજી ભાષામાં લખાયેલ અઢારમી સદીની કૃતિ ‘ધી ઇન્ટરેસ્ટિંગ નૅરેટિવ ઑવ્ ધ લાઇફ ઍન્ડ એડવેન્ચર્સ ઑવ્ ઑલાદી ઇક્વિનો ઑર ગુસ્થવસ વાસ ધી આફ્રિકન’ (1789) ગુલામ તરીકે વેચાયેલા આફ્રિકને લખેલ પોતાના દેશ અને લોકોની પરિસ્થિતિનો પ્રથમદર્શી અહેવાલ છે. વીસમી સદીના પાંચમા દાયકામાં લોકપ્રિય ‘ઓનિત્સા’ નવલકથાઓનું મોટા પ્રમાણમાં પ્રકાશન થવા લાગ્યું. આ નામ જ્યાં પુસ્તકો વેચાતાં તે બજારના નામ પરથી પડ્યું છે. એના મુખ્ય લેખકોમાં ઘાનાના મિકાએલ દૈ અનંગ અને રાફેલ આર્માનો, નાઇજીરિયાના ડેનિસ ઑસદેબે અને લાઇબેરિયાના એડવિન બાર્કલે હતા. એડવિન બાર્કલેએ કાવ્યો પ્રગટ કરીને કવિઓ માટે ભૂમિકા તૈયાર કરી હતી.
પ્રિન્સ મોડુપેની આત્મકથા ‘આઇ વૉઝ અ સૅવેજ’ (1958) વિનોદ અને વ્યંગપૂર્ણ છે. ‘આફ્રિકાના ગાંધીજી’ સમાન ગણાતા આલ્બર્ટ લુથુલીએ ‘લેટ માય પીપલ ગો’ નામે આત્મકથા લખી છે. કેન્યાના મુગા ગિકારુ(જ. 1920-)એ લૅંડ ઑવ્ સનશાઇન’ (1958) નામે આત્મકથા લખી છે અને તેમાં કેન્યામાં ‘માઉ-માઉ’ આંદોલન થયું તે પહેલાંની વાત છે. તેની ‘ચાઇલ્ડ ઑવ્ ટૂ વર્લ્ડ્ઝ’(1964)માં કેન્યાના કિકુયીપંથી જેમ્સ ગુગી (જ. 1938) તથા ‘માઉ-માઉ’ આંદોલન વિશે આલેખન છે. ‘વીપ નૉટ ચાઇલ્ડ’ (1964) તથા ‘રિવર બિટવીન’ (1965) નવલકથાઓમાંની પ્રથમ વીસમી સદીના છઠ્ઠા દાયકામાં ગોરા લોકોની વસાહતમાં રહેતા કિકુયુ કુટુંબની વાત છે. તેમાં ગોયોના 3 પુત્રોની કથા છે. પુત્ર બોરો ‘માઉ-માઉ’ આંદોલનને ગામડાં સુધી લાવે છે.
છઠ્ઠા અને સાતમા દાયકામાં પશ્ચિમ આફ્રિકામાં કવિતા, નવલકથા અને નાટકનું જાણે પૂર આવ્યું. સીપ્રિયન એક્વેન્સી(જ. 1921-)એ લાગોસની વેશ્યા વિશે ‘જગુઆ નાના’ (1961) નવલકથા પ્રગટ કરી. તેની ‘બર્નિગ ગ્રાસ’ (1962) તથા ‘બ્યૂટિફુલ ફેધર્સ’ (1963) નવલકથાઓની શૈલી આકર્ષક છે. ‘બ્યૂટિફુલ ફેધર્સ’માં પશ્ચિમી ઢબનાં લગ્નો ગૃહભંગાણ તરફ દોરી જાય છે એવું દર્શાવ્યું છે. નાઇજીરિયાના ચિનુઆ અચેબે(જ. 1930-)ની પ્રથમ નવલકથા ‘થિંગ્ઝ ફૉલ એપાર્ટ’ (1958)માં શ્વેત માણસના આગમનનો આદિવાસી સમૂહ પર પડતો પ્રભાવ દર્શાવ્યો છે. ‘નો લાગર ઍટ ઇઝ’(1960)માં યુવાન નાઇજીરિયનને પશ્ચિમના શિક્ષણનું પ્રલોભન પોતાના દેશમાંની જવાબદારીમાંથી છટકવા સમાન છે એમ બતાવ્યું છે. ‘એરો ઑવ્ ગૉડ’(1964)માં આધુનિક સંસ્કૃતિની પરંપરાગત ગ્રામજીવન પર વિપરીત અસર બતાવી છે. અચેબેની નવલકથાઓનો જર્મન, ઇટાલિયન અને સ્પૅનિશ ભાષાઓમાં અનુવાદ થયેલ છે.
ક્રિસ્ટોફર ઑકિલો (1932-1967) નાઇજીરિયન કવિ-બિઆફ્રાની આઝાદી માટે લડતાં મૃત્યુ પામ્યા હતા. તેમણે ‘હેવન્સ ગેટ’ (1962) અને ‘લિમિટ્સ’ (1964) કાવ્યસંગ્રહોમાં પ્રગટ કરેલ કવિતા પર અંગ્રેજ કવિ ટી. એસ. એલિયટનો પ્રભાવ છે.
જૉન પેપ્પર ક્લાર્કનું નાટક – ‘સૉંગ ઑવ્ અ ગોટ’ લંડનમાં 1965માં ભજવાયું હતું. નાઇજીરિયાના નવલકથાકાર ગેબ્રિયલ ઑકારા(જ. 1921-)ની નવલકથા ‘ધ વૉઇસ’(1964)માં ઈજો નામની બોલીને અંગ્રેજીમાં રજૂ કરીને એક ઉત્તેજક ભાષાનું નિર્માણ કર્યું છે. ઘાનાના વિશિષ્ટ શક્તિવાળા નાટકકાર અમા અતા ઐડુ છે. એફુઆ સધરલૅન્ડ નામની લેખિકાએ નાટ્ય-આંદોલન શરૂ કર્યું હતું. આફ્રિકાના પ્રથમ નોબેલ પારિતોષિક (1986) વિજેતા વ્હોલે સોયિંકા(જ. 1934-)નાં વીસમી સદીના આઠમા દાયકા સુધીમાં 9 નાટકો પ્રગટ થયાં છે. આફ્રિકાને લક્ષમાં રાખી લખાયેલ જૉસેફ કૉનરૅડની ‘હાર્ટ ઑવ્ ડાર્કનેસ’ની વિડંબના કરતી આ નવલકથા છે. એમણે અન્યત્ર આપેલ વ્યાખ્યાન ‘એન ઇમેજ ઑવ્ આફ્રિકા’(1988)માં એમણે કૉનરૅડને વંશીય કટ્ટરવાદી કહ્યો છે.
તેમનું ‘લાયન ઍન્ડ જ્વેલ’ નાટક 1953માં ઇબેદનમાં પ્રથમ ભજવાયું. ‘ડાન્સ ઑવ્ ફૉરેસ્ટ્સ’ (1963) ઑક્ટોબર, 1960માં નાઇજીરિયન આઝાદીના ઉત્સવ પ્રસંગે ભજવાયું હતું. ‘ધ રોડ’(1965)માં સોયિંકાનો જીવન પ્રત્યેનો કરુણ દૃષ્ટિકોણ પ્રગટ થાય છે. 1965માં સોયિંકાની નવલકથા ‘ધી ઇન્ટરપ્રિટર્સ’ પ્રગટ થઈ અને 1967માં ‘ઈદાન્રે ઍન્ડ અધર પોએમ્સ’ના પ્રકાશનથી તે વિશિષ્ટ કવિ તરીકે ખ્યાતિ પામ્યા.
નાઇજીરિયન નવલકથાકાર અમૉસ તુતુ ઑલા(જ. 1920)ની પ્રથમ નવલકથા ‘ધ પામ-વાઇન ડ્રંકાર્ડ’ (1952) તથા ‘માય લાઇફ ઇન ધ બુશ ઑવ્ ઘોસ્ટ્સ’ (1954) સારી કૃતિઓ છે. તેની પાંચમી નવલકથા ‘ફેધર વુમન ઑવ્ ધ જંગલ’ (1962) લેખકની પ્રબળ સર્જન-શક્તિનો નમૂનો બની છે.
દક્ષિણ આફ્રિકાના લેખકોમાં ઇઝકિયલ યફાલેલે(જ. 1919)એ તેની આત્મકથા ‘ડાઉન સેકન્ડ ઍવન્યૂ’માં હકીકતોની ચોકસાઈ સાથે નવલકથા જેવું રસભર્યું બયાન આપેલું છે. પ્રસિદ્ધ સાહિત્યકાર-સર્જક ઍલેક્સ લાગુમા(જ. 1925-)ની લઘુનવલો ‘એ વૉક ઇન ધ નાઇટ’ (1962), ‘ઍન્ડ અ થ્રીફોલ્ડ કૉર્ડ’ (1964), ‘ધ સ્ટોન કન્ટ્રી’ વગેરેમાં તીવ્ર વિરોધનો સૂર છે અને તેમાં ભયાનકતાને જાણે વાચા મળી છે. ગુમાની નવલકથાઓમાં રંગભેદની સૂક્ષ્મ છણાવટ છે. લૂઇસ ઍન્કૉસીએ પણ આ વિશેની ચર્ચા તેના નાટક ‘રિધમ ઑવ્ વાયોલન્સ’(1964)માં કરી છે. કેન થેમ્બા(જ. 1924)ની વાર્તાઓ ‘ધ બૉટમ ઑવ્ ધ બૉટલ’ અને ‘રેક્વિયમ ફૉર સોફિયાટાઉન’માં પણ શ્વેત શાસન પ્રત્યે તીવ્ર વિરોધ દર્શાવ્યો છે. ટોડ માત્શીકિઝા(જ. 1924)એ તેની બોલચાલની શૈલીમાં લખાયેલી કૃતિ ‘ચૉકલેટ ફૉર માય વાઇફ’(1961)માં કટાક્ષમય વિનોદ અને હાસ્યનો ઉપયોગ કર્યો છે. ‘મૉડર્ન આફ્રિકન પ્રોઝ’ના સંપાદક રિચાર્ડ રિવે(જ. 1931)એ તેમના ‘આફ્રિકન સૉંગ્ઝ’માં શ્વેત, કાળા અને રંગીન લોકોના ભેદભાવ પર વિરોધ દર્શાવતી કથાઓ રજૂ કરી છે. વીસમી સદીના સાતમા દાયકાના અગ્રગણ્ય કવિઓ વિલિયમ કગૉસિત્સિવ, કે. એ. નૂરત્જે અને ડેનિશ બ્રૂટસ છે. આમાં બ્રૂટસ પ્રૌઢ કવિ છે. તેમણે પાશવી દુનિયામાં માનવ-સંવેદનાના રક્ષણ માટે સતત ચિંતા વ્યક્ત કરી છે.
હવે આફ્રિકાના લેખકો પોતાની અસ્મિતા માટે સભાન બન્યા છે એટલે પોતાની ઓળખ તરીકે તેઓ પોતાની સંવેદનશીલતા, લયલુબ્ધતા અને વિનોદવૃત્તિને નોંધપાત્ર પ્રમાણમાં પ્રગટ કરે છે. ઑકિલો ઉપરાંત સેંઘોર, કવામે, બરાકા, માલ્કમ, ડગલાસ જેવા અનેક આધુનિક લેખકો છે. ચિર્વાઝુ, જેમી, મેડાબુઇક આફ્રિકન સાહિત્યના આધુનિક વિવેચકો છે, યુગાંડાના આધુનિક કવિ ઑકોટ ય’ બિટેક છે, નૂરુદ્દીન ફરાહ સોમાલિયાના જાણીતા નવલકથાકાર છે. નુગીએ ‘વીપ નૉટ ચાઇલ્ડ’ (1964), ‘અ ગ્રેઇન ઑવ્ વ્હીટ’ (1967) નવલકથાઓ લખી છે. એમનાં ગદ્યલખાણોમાં ‘ધ હોમકમિંગ’ (1972), ‘રાઇટર્સ ઇન પૉલિટિક્સ’ (1982) અને ‘ડીકૉલોનાઇઝિંગ ધ માઇન્ડ’ (1986) નોંધપાત્ર છે. નુગીની માન્યતા મુજબ આફ્રિકા ખંડની ગરીબાઈ અને તેનાં મૂલ્યહ્રાસ અને સંસ્કૃતિહ્રાસ માટે આંતરરાષ્ટ્રીય મૂડીવાદ અને નવ્યસામ્રાજ્યવાદ જવાબદાર છે. આ પરંપરામાં રહીને ફૅસ્ટસ ઇયાકી, કૉલ ઑમોટૉસો, ઓમાફ્યુમ ઑરોગ અને બાયોડન જેયિફો સાહિત્યસર્જન કરે છે. નુગીએ ‘પેટલ્સ ઑવ્ બ્લડ’ (1977) પછી કેટલાક નિબંધોના અપવાદને બાદ કરતાં અંગ્રેજીમાં લખવાને બદલે પોતાની માતૃભાષા ગિકુયુમાં લખવા માંડ્યું છે. અંગ્રેજીના કારણે તો આફ્રિકી બાળક તેનાં મૂળિયાંમાંથી તદ્દન વિખૂટું પડી જાય છે; એક અર્થમાં તો તે પોતાના દેશવાસીઓથી પણ છૂટું પડી જાય છે એવો એક મત, કેટલેક અંશે ચર્ચાસ્પદ છતાં, વધુ ને વધુ જોર પકડતો જાય છે. ઓબી વાલી સ્વભાષામાં જ લેખનનો આગ્રહ રાખે છે તો ઑકિલો સમસ્ત આફ્રિકા માટે અંગ્રેજીનો ઉપયોગ થાય તેની તરફેણ કરે છે. લુઈ કૉશી નવલકથાકાર છે અને પરંપરાગત રીતે રચાતા આફ્રિકન સાહિત્યની રચનાના પક્ષમાં છે. વિવેચનક્ષેત્રે ક્લૉડ વૉધિયર ‘ધ લિટરેચર ઍન્ડ થૉટ ઑવ્ મૉડર્ન આફ્રિકા’(1978)થી પ્રસિદ્ધ છે. ફૉકૉલ્ટ, સેદ, સ્પિલાક અને બાખટિન અન્ય વિવેચકો છે. અબ્દુલ જાનમોહમ્મદે ‘એસ્થેટિક્સ : ધ પોલિટિકલ લિટરેચર ઇન કૉલોનિયલ આફ્રિકા’ (1983) લખ્યું છે અને તેથી તેમની ગણના અનુસંરચનાવાદી વિવેચક તરીકે થાય છે. બાયૉડન જેયિફો, ઑસોફિઝાન અને અમુટા સાહિત્યવિવેચકો છે. સ્ત્રી-લેખકોમાં બુચી ઍમચેતા, બેસી હેડ અને આમાઆટા આઇડૂનાં નામો ઉલ્લેખનીય છે. ફેસ્ટસ ઇયાસી, બેન ઑક્રી, કૉલ ઑમોટોસો, આઇ ક્વી આર્માહ ઊગતા લેખકો છે.
આફ્રિકન-અમેરિકન સાહિત્ય : અમેરિકામાં રહેતા આફ્રિકન લેખકોની પરંપરામાં ઇસ્માઈલ રીડની ‘મંબો-જંબો’ (1972); એલિસ વૉકરની ‘ધ ટેમ્પલ ઑવ્ માય ફૅમિલિયર’ (1989); હૅરિયેટ ઈ. વિલ્સનની ‘અવર નિગ’; એમાં સાઉથવર્થની ‘ધ હિડન હૅન્ડ’, ‘ધ કૉન્જ્યુર વુમન’, ‘ધેર આઇઝ વેર વૉચિંગ ગૉડ’, ‘નેટિવ સન’ અને ‘ફ્લાઇટ ટૂ કૅનેડા’ (1976) અને ટૉની મૉરિસનની ‘બિલવેડ’ (1987) નોંધપાત્ર નવલકથાઓ છે. હૅરિયેટ ઈ. વિલ્સનને તો ‘આફ્રો-અમેરિકન નવલકથાની માતા’નું બિરુદ આપવામાં આવ્યું છે. ‘ધ હિડન હૅન્ડ’ નવલકથાનું વેચાણ સૌની મોખરે રહ્યું હતું. ફ્રાન્સિસ ઍલન, વૉટકિન્સ હાર્પર, ડન્બાર, હૅંસબેરી અને આમિરી બાર્કાનાં નામ કવયિત્રીઓ તરીકે જાણીતાં છે. લૅંગ્સ્ટન હ્યૂજીઝને બ્લૅક અમેરિકાના રાજકવિ તરીકે ઓળખવામાં આવે છે. બૉબ કૉફમૅન અને ટેડ જૉન્સન શ્યામ કવિઓ તરીકે અળગાપણું, જાઝ, યુદ્ધ તથા મૃત્યુના વિષયો પર લખે છે. હાકી મધુબુટી, નિક્કી ગિયોવાની, સોનિયા સાંચેઝ, ઇથરિજ નાઇટ, આસ્કિંગ ટૂર, ક્લૅરન્સ મેજર અને લારી નીલ ‘લોકો માટે કલા’ના ધ્યેયમાં માને છે. આ બધાં 35-37થી ઓછી વયના સમકાલીન આધુનિક કવિઓ છે. નાટ્યક્ષેત્રે જૉસેફ વૉકર, જેમ્સ બૉલ્ડવિન, રૉન મિલ્નર, પૉલ કાર્ટર હેરિસન, નોઝાક શૉંગ, ચાર્લ્સ ગૉર્ડન, ચાર્લી ફુલર અને ઑગસ્ટ વિલ્સનનાં નામ નોંધપાત્ર છે. વિવેચનક્ષેત્રે બર્નાર્ડ ડબ્લ્યૂ. બેલ, રૉબર્ટ સ્ટેપ્ટો, બાર્બરા ક્રિશ્ચિયન, હ્યૂસ્ટન બાર્કર, કીથ બેયરમૅન, મેલવિન ડિકસન, હૅઝલ કાર્બી, વિલ્હામ એન્ડ્રૂ અને હેનરી ગેટ્સનાં નામો ઉલ્લેખનીય છે.
આફ્રિકામાં ગરીબાઈ, નિરક્ષરતા, રોગચાળો અને અનાજની ગંભીર અછતના પ્રશ્નો પારાવાર છે. ઈથિયોપિયાએ તો દુષ્કાળનાં ભયંકર તાંડવ જોયાં છે. વંશીય વેરઝેરને લીધે પ્રજાઓમાં એકતા થતી નથી. સરહદો માટે યુદ્ધો થાય છે. દક્ષિણ આફ્રિકાના અંદરોઅંદરના ઝઘડાઓએ વિશ્વની ચિંતા વધારી છે. આ સંજોગોમાં સર્વઆફ્રિકીવાદ (Pan-Africanism) અને ‘નેગ્રીટ્યૂડ’ માટેનાં ગૌરવ અને સન્માન માટેની ચળવળને લક્ષમાં રાખી સાહિત્યકારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતપોતાના પ્રતિભાવો વ્યક્ત કરે છે. નેલ્સન મંડેલા જેવા રાષ્ટ્રનેતાઓ આફ્રિકાના દેશોની એકતા માટે સજાગ છે; જેની અસર સાહિત્યકારો પર થતી રહી છે.
કૃષ્ણવદન જેટલી
મહેશ ચોકસી
વિ. પ્ર. ત્રિવેદી