આતાતુર્ક, મુસ્તફા કમાલ પાશા (જ. 1881, સાલોનિકા – ગ્રીસ; અ. 10 નવેમ્બર 1938, ઇસ્તંબુલ) : આધુનિક તુર્કી પ્રજાસત્તાકના સ્થાપક, સમાજ સુધારક અને પ્રજાસત્તાક પ્રમુખ (1923-1938). 1923ના ઑક્ટોબરમાં તેમણે તુર્કીના પ્રજાસત્તાકની સ્થાપના કરી અને લોકમત દ્વારા પ્રથમ રાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાયા.
તેમણે ક્રાંતિકારી પગલાં લઈને તુર્કીના નવનિર્માણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. ખલીફનો મજહબી હોદ્દો નાબૂદ કરીને ઇસ્લામી રાજ્યને બદલે તેમણે બિનસાંપ્રદાયિક રાજ્યની ઘોષણા કરી. રાજકીય ક્ષેત્રે લોકશાહી માળખાનો સ્વીકાર કર્યો અને ધાર્મિક આદેશો તથા ધાર્મિક સંસ્થાઓ સાથેનો રાજ્યનો સંબંધ કાપી નાખ્યો. તેમણે કાનૂની વ્યવસ્થા અને શૈક્ષણિક પદ્ધતિને આધુનિક બનાવી તથા યુરોપીય જીવનશૈલી અખત્યાર કરવાને પ્રોત્સાહન આપ્યું. લૅટિન વર્ણમાળામાં તુર્કી ભાષા લખાય અને નાગરિકો યુરોપીય શૈલીની અટકો સ્વીકારે એ હદ સુધી તેમણે સુધારા કર્યા. આર્થિક તંત્ર ઉપર રાજ્યનું નિયંત્રણ લાદ્યું અને 1934થી પંચવર્ષીય યોજનાનો આરંભ કર્યો. બંધારણમાં જ નાગરિકોને વ્યક્તિવિકાસ માટે જરૂરી હકોની બાંયધરી અપાઈ. બહુપત્નીપ્રથા અને પરદાપદ્ધતિ નાબૂદ કરી. 1934માં સ્ત્રીઓને મતાધિકાર પણ અપાયો. મુસ્લિમ કૅલેન્ડરને બદલે યુરોપીય જ્યૉર્જિયન કૅલેન્ડર અપનાવાયું. શુક્રવારને બદલે રવિવારને રજાનો દિવસ જાહેર કર્યો.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કમાલ પાશાએ બ્રિટન, રશિયા, પર્શિયા, ઇટાલી અને ગ્રીસ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપ્યા. તેઓ 1927, 1931 અને 1935માં પ્રમુખપદે ફરી ફરી ચૂંટાયા હતા. એમનું શાસન પ્રજાસત્તાક છતાં મહદંશે એકાધિકારી હતું. રાષ્ટ્રીય ધારાસભાએ 1933માં તેમને ‘આતાતુર્ક’ (તુર્કોના પિતા) તરીકે નવાજ્યા હતા.
હેમન્તકુમાર શાહ