આતા ગોપાલ (જ. 1540, નઝીરા, અસમ; અ. 1 જાન્યુઆરી 1611) : મધ્યકાલીન અસમિયા કવિ. એક મત અનુસાર આતા ગોપાલનો જન્મ 1533માં થયો હતો. જન્મ પછી એમનું કુટુંબ નઝીરામાં કાયમી વસવાટ માટે ગયેલું પણ ત્યાંથી એ લોકો કામરૂપમાં આવેલા ભવાનીપુરમાં ગયા. ત્યાંના પ્રસિદ્ધ કોચરાજા નરનારાયણે એમને રાજ્યના મુખ્ય વહીવટી અધિકારી તરીકે નીમ્યા. બીજા એક મંતવ્ય પ્રમાણે ગોપાલનું કુટુંબ કલિતામાં રહેતું હતું અને ગોપાલનો જન્મ એના પિતાના મૃત્યુ પછી થયો હતો. તેમના જન્મ પછી માતા બજરંગી કુટુંબક્લેશને કારણે નઝીરા જતાં રહ્યાં. 7 વર્ષ ત્યાં રહ્યા પછી અહોમ રાજાના રોષને કારણે નઝીરા છોડવું પડ્યું અને સુંદરાદીયની પાસે એક ગામમાં આવીને વસ્યાં. પાછળથી ગોપાલ શ્રી શંકરદેવના પટ્ટશિષ્ય માધવદેવને મળ્યા અને તેમણે માધવદેવને ગુરુપદે સ્થાપ્યા. એમણે એક સત્રની સ્થાપના કરી અને તેની દ્વારા વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર કર્યો. એમની સાહિત્યિક કૃતિઓમાં 2 નાટકો ‘જન્મયાત્રા’ અને ‘ગોપીઉદ્ધવસંવાદ’ છે. એમણે ‘જન્મયાત્રા’નો પહેલો પ્રયોગ ભવાનીપુરમાં એમના ગુરુ માધવદેવની ઉપસ્થિતિમાં કરેલો. એનું કથાવસ્તુ ‘શ્રીમદભાગવત’ પુરાણમાંથી (10-1-5) લીધું છે અને મૂળ કથાવસ્તુમાં એમણે નાટ્યાનુરૂપ પરિવર્તનો કર્યાં છે.

‘ગોપીઉદ્ધવસંવાદ’નું કથાવસ્તુ પણ ‘ભાગવત(10-46-47)માંથી લીધું છે. નાટ્યકારે મૂળ કથાનકમાં એક પ્રવાસીનું પાત્ર ઉમેર્યું છે, જે કૃષ્ણની સમક્ષ નંદ, જશોદા અને ગોપીઓની તીવ્ર વિરહવ્યથા વર્ણવે છે. નાટકમાં શ્રી શંકરદેવ અને શ્રી માધવદેવનાં પદો (બરગીત) કલાત્મકતાથી ગૂંથ્યાં છે. તે ઉપરાંત એમણે પોતે રચેલાં કેટલાંક ગીતો પણ મૂક્યાં છે, જે અત્યંત સુંદર અને મધુર છે.

એમ કહેવાય છે કે ‘સ્યમંતકહરણ’ નામનું બીજું નાટક પણ લખ્યું છે અને તે બારપેટા સત્રમાં સુરક્ષિત પડ્યું છે. પ્રકટ થયું નથી.

ગોપાલ આતાને લોકો ‘ભવાનીપુરિયા ગોપાલ આતા’ તરીકે ઓળખે છે, કારણ કે તેમણે ભવાનીપુરમાં જ સ્થાયી વસવાટ કર્યો હતો.

પ્રીતિ બરુઆ