આઢવ, બાબા પાંડુરંગ (જ. 1936, પુણે, મહારાષ્ટ્ર; અ. 8 ડિસેમ્બર 2025) : મહારાષ્ટ્રની મહાત્મા ફૂલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ચાલેલી દલિત ઉદ્ધારની પ્રવૃત્તિના મહત્ત્વના કાર્યકર.
ડૉ. આંબેડકરે 1927માં દલિતોના પીવાના પાણીના અધિકાર માટે ચવદાર તળાવ સત્યાગ્રહ કરેલો. તે પછી પણ દલિતો માટે પાણીની સમસ્યાનો કાયમી હલ થયેલો નહિ. બાબા આઢવે તેથી કરીને ‘એક ગાંવ, એક પનઘટ’ (કૂવો) અભિયાન શરૂ કર્યું. મરાઠાવાડા યુનિવર્સિટી સાથે ડૉ. આંબેડકરનું નામ જોડવાના મુદ્દે વિવાદ અને રમખાણો થયાં ત્યારે આ નામાન્તર સંઘર્ષમાં બાબાએ દલિતોના પક્ષે ઘણી સક્રિયતા દાખવી. વિષમતા નિર્મૂલન સમિતિ દ્વારા ફૂલે – આંબેડકરનાં કાર્યોને તેમણે આગળ ધપાવ્યાં. 1981ના ગુજરાતનાં અનામત વિરોધી રમખાણો વખતે પણ ગુજરાતની મુલાકાત લઈ રચના અને સંઘર્ષના કામોમાં જોડાયા.
માથોડી (માથે સામાન ઊંચકનારા) શ્રમજીવીઓનું યુનિયન બનાવ્યું. ‘કષ્ટાચી ભાખર’ તરીકે જાણીતો કાર્યક્રમ શરૂ કરી ઘઉંની જાડી રોટલી, જાડી દાળ અને શાકનું આરોગ્યપ્રદ ભોજન સસ્તા દરે મળે એવા કેન્દ્રો શરૂ કર્યાં. અસંગઠિત શ્રમજીવીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાના અન્ય કાર્યક્રમો પણ ચલાવ્યા. ‘કષ્ટાચી ભાખર’ એટલે ‘મહેનતનો રોટલો’ એમ કહી શ્રમનું ગૌરવ કરાવ્યું.
સમાજ-પરિવર્તન માટે તેમણે ચાર રીતે પ્રયાસો કર્યા. કાયદો, સત્યાગ્રહ, અહિંસા અને મતપેટી. શ્રમજીવીઓને બૅન્કની સહાય મળે તેની ગોઠવણ કરી. ફુલેની સ્મૃતિમાં સમતા પ્રતિષ્ઠાનની રચના કરી. ડૉ. શ્રીરામ લાગુની સાથે સામાજિક કૃતજ્ઞતાનિધિ માટે નાટકો દ્વારા ભંડોળ ઊભાં કર્યાં. ભંડોળના વ્યાજમાંથી શ્રમજીવીઓ અને કલાકારોને સહાય કરાય છે.
ડંકેશ ઓઝા
