આડી, એન્ડ્રે (જ. 22 નવેમ્બર 1877; ઍર્મિન્ઝેન્ટા, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1919, ગુડાપેસ્ટ, હંગેરી) : હંગેરીના વીસમી સદીના સૌથી મહાન ઊર્મિકવિ. શાળા છોડ્યા બાદ થોડો સમય કાયદાનો અભ્યાસ કરેલો. 1899માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વર્સેક’ પ્રગટ થયો હતો. 1900થી મૃત્યુ પર્યંત પત્રકાર તરીકે કામ કરેલું. 1915માં તેમનું લગ્ન બર્થા બોન્ઝા સાથે થયું. યૌવનકાળનો કેટલોક સમય પૅરિસમાં ગાળ્યો હતો, તેથી ફ્રેન્ચ સાહિત્યની અસર પ્રારંભનાં કાવ્યોમાં જણાય છે. 1903માં બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થયો ‘મેગ એગીઝર’. આ કાવ્યસંગ્રહમાં કવિની સ્વકીય વિશિષ્ટતા દેખાય છે. ‘ઉજ વર્સેક’ (નવાં કાવ્યો, 1906) પ્રગટ થતાં હંગેરિયન સાહિત્યક્ષેત્રે તેમને એકાએક પ્રસિદ્ધિ મળી. આ કાવ્યોમાં વિષયવસ્તુ અને ભાષામાં ક્રાંતિકારી તત્વ હતાં. પૅરિસના વસવાટે તેમની દૃષ્ટિ વિશાળ બની હતી. તેમણે હંગેરીની સંકુચિતતા પર પ્રહારો કરેલા એટલે ડાબેરીઓએ ટેકો આપ્યો અને રૂઢિચુસ્તોએ નિંદા કરી. પ્રથમ વિશ્વયુદ્ધે હંગેરી પર કરેલા આઘાતોની વેદનાને આ કવિએ વાચા આપી છે. કવિતાના 10 ગ્રંથો અને વાર્તાઓ ઉપરાંત અસંખ્ય લેખો તેમણે લખ્યાં છે. તેમની ધર્મવિષયક કવિતા ઘણાને આઘાત પમાડે તેવી હોવા છતાં તેમાં ઈશ્વરની શોધની કવિની ઝંખના દેખાય છે.

કૃષ્ણવદન જેટલી