આઝાદ, પૃથ્વીસિંહ બાબા

February, 2001

આઝાદ, પૃથ્વીસિંહ બાબા (જ. 15 સપ્ટેમ્બર 1892, લાલડુ, જિ.મોહાલી, પંજાબ; અ. 5 માર્ચ 1989) : ભારતીય ક્રાંતિકાર, વ્યાયામપ્રવૃત્તિના અગ્રણી પ્રવર્તક. પિતા મ્યાનમાર(બર્મા)માં વેપારી હતા. પૃથ્વીસિંહે શાળામાંથી અભ્યાસ છોડી દીધો હતો. યુવાવસ્થામાં આર્યસમાજી વિચારો અપનાવી ક્રાંતિકારી બનવાનો નિર્ધાર કર્યો. અત્યાચારી સાથે અથડામણો થશે એમ ધારી સાહસિકતા કેળવી અને શારીરિક બળપ્રાપ્તિ કરી. તેઓ માનવતાવાદી હોઈ સર્વસમભાવી તથા જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતાના વિરોધી હતા. પાશ્ચાત્ય શિક્ષણને બદલે ગુરુકુળ પદ્ધતિ તથા ગાંધીજીએ સૂચવેલ પાયાની કેળવણીના તેઓ હિમાયતી હતા. ભારતના કરોડો લોકોની ગરીબી માટે શ્રીમંતો જવાબદાર છે, એમ તેઓ માનતા.

Pruthvisinh azad bust at bhavnagar

પૃથ્વીસિંહ આઝાદની પ્રતિમા, ભાવનગર

સૌ. "Pruthvisinh azad bust at bhavnagar" | CC BY-SA 4.0

તેમની રાજકીય કારકિર્દી વીસમી સદીના બીજા દાયકાથી શરૂ થઈ. 1911માં તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને લાલા હરદયાળના સંપર્કથી ગદર પક્ષમાં જોડાયા. ત્યાં ‘ગદર’ અખબારના પ્રકાશનમાં સહાય કરવા યુગાન્તર આશ્રમમાં કામ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ભારત આવ્યા અને દેશમાં સશસ્ત્ર ક્રાંતિ કરવાની યોજના પાર પાડવા કામ કર્યું. 1914માં એક પોલીસ ઇન્સપેક્ટરના ખૂનના આરોપસર તેમને 10 વર્ષની સજા થઈ. 1915માં લાહોર કાવતરા કેસમાં તેમને ફાંસીની સજા થઈ. પાછળથી તેમાં ઘટાડો કરીને તેમને આજીવન કેદની સજા ભોગવવા આંદામાન લઈ જવામાં આવ્યા. ત્યાં જેલના જુલમો સામે તેમણે 155 દિવસના ઉપવાસ કર્યા. તેમને 1922માં ભારત લાવવામાં આવ્યા. નાગપુર જેલમાં સ્થળાંતર કરતી વખતે ચાલુ ગાડીએ કૂદી પડી નાસી ગયા અને  સ્વામીરાવ નામ રાખીને 17 વર્ષ ગુપ્ત રહ્યા. આ દરમિયાન આઠેક વર્ષ ભાવનગરમાં રહી વ્યાયામ અને રાષ્ટ્રભાવનાનો પ્રસાર કર્યો. સૌરાષ્ટ્રનાં નગરોમાં વ્યાયામશાળાઓ સ્થાપીને ખમીરવંતા, બલિષ્ઠ તથા સ્નાયુબદ્ધ યુવાનોની પેઢી તૈયાર કરી. તે યુવાનોએ સત્યાગ્રહ સંગ્રામમાં અપ્રતિમ શૌર્ય, સંયમ અને ફનાગીરી બતાવ્યાં. ભગતસિંહની આગેવાની હેઠળના હિંદુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન આર્મીમાં તેઓ જોડાયા હતા. ગુપ્તવાસ દરમિયાન 1931માં તથા 1934માં એમ બે વાર તેઓ સોવિયેત રશિયા ગયા, ત્યાં બૉલ્શેવિક પક્ષમાં કામ કર્યું અને 1935માં પાછા ફર્યા. 1938માં ગાંધીજીના સૂચનથી આત્મસમર્પણ કરી જેલ ભોગવી. તેમણે 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો હતો. ગાંધીજીએ 30 સપ્ટેમ્બર, 1939ના ‘હરિજન’ સાપ્તાહિકમાં એક ક્રાંતિકારી તરીકેનાં તેમનાં સાહસોની નોંધ લીધી હતી. 1956થી તેમણે પંજાબમાં વસવાટ કર્યો. ચીની આક્રમણ પછી પંડિત નહેરુના સૂચનથી દેશભરમાં જાગૃતિ લાવવા તેમણે વ્યાપક પ્રવાસ ખેડ્યો. 1965થી 1975 દરમિયાન તેમણે વિવિધ સ્થળે વ્યાયામશિબિરો ચલાવી. અખિલ ભારત સ્વાતંત્ર્ય સૈનિક સંઘના પ્રમુખ તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ આપી. તેમની બહુમૂલ્ય સેવાઓને બિરદાવી ભારત સરકારે 1977માં તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ અર્પણ કરીને સન્માન કર્યું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ તેમણે કોઈ સરકારી હોદ્દો મેળવવાની ખેવના રાખી નહોતી. તેઓ મહાન દેશભક્ત હતા.

જયકુમાર ર. શુક્લ