આચાર્ય દેવેન્દ્રનાથ (જ. 3 માર્ચ 1937 જોરહાટ આસામ; અ. 29 સપ્ટેમ્બર 1981) : અસમિયા નવલકથાકાર. દેવેન્દ્રનાથ તેજસ્વી વિદ્યાર્થી હતા. ઇજનેર હતા. એમનું પ્રથમ પુસ્તક તે બાળકો માટેનું ‘હાતીપતિ’. તે પછી એમણે 3 નવલકથાઓ લખેલી. ‘અન્ય જુગ અન્ય પુરુષ’ એમની પ્રથમ નવલકથા હતી. એ આસામના ઇતિહાસ ઉપર આધારિત છે. ઓગણીસમી સદીના આરંભમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આસામમાં પ્રવેશ કર્યો ત્યારથી માંડીને પ્રથમ વિશ્વયુદ્ધ સુધીની પશ્ચાદભૂમાં આ કૃતિની રચના થયેલી છે. કથાકેન્દ્ર એક નાના કસબાનો મહોલ્લો છે. એમાં આ સમયાવધિમાં આસામના જનજીવનમાં ક્રમશ: કેવું પરિવર્તન થતું ગયું તેનું તાદૃશ નિરૂપણ છે. લેખકની ભાષા પણ તળપદી છે. એમાં અસમિયા ભાષાના શબ્દભંડોળનો સુપેરે પરિચય થાય છે. એમના લખાણની બીજી એક વિશેષતા કથાનો સળંગ પ્રવાહ છે. ઐતિહાસિક તથ્ય તથા કવિની સર્જકતા એ બંનેનો સુભગ સમન્વય એમાં થયેલો છે.
એમની બીજી નવલકથા ‘કાલપુરુષ’ છે. સમગ્ર કથા એક પાત્રના આત્મવૃત્તાંત રૂપે આલેખાયેલી છે. એ કથાની પશ્ચાદભૂમિ 1639થી 1673 દરમિયાન આસામ પર થયેલ મોગલ આક્રમણની છે.
ત્રીજી નવલકથા ‘જંગમ’ને બે પુરસ્કારો મળેલા છે : (1) દિલ્હીની સાહિત્ય અકાદમીનો અને (2) અસમ પ્રકાશન નિધિનો પ્રકાશન પરિષદ પુરસ્કાર. આ કથામાં બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રહ્મદેશમાંથી જે ભારતવાસીઓએ સ્થળાંતર કર્યું તેમની કરુણ કથની છે. નવલકથાનો નાયક ભયંકર વિપત્તિની વચ્ચે પણ શ્રદ્ધા ગુમાવતો નથી. વિનાશ, વેર અને માનવતાના હ્રાસમાં પણ એની માનવતા પ્રત્યેની શ્રદ્ધા અખંડિત રહી છે. અસમિયા નવલકથા-સાહિત્યમાં આનું સ્થાન ઊંચું છે. એનો કીર્તિકળશ ચડ્યો એટલામાં જ તેમનું અવસાન થયું.
પ્રીતિ બરુઆ