આચાર્ય, દેવવ્રત (જ. 18 જાન્યુઆરી 1959, સમલખા, પંજાબ) : આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના 20મા રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ.

પિતાનું નામ લહરી સિંહ અને માતાનું નામ લક્ષ્મી દેવી. તેમણે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે. તેમણે સ્નાતક, અનુસ્નાતક (ઇતિહાસ અને હિન્દી), બી. એડ્., ડિપ્લોમા ઇન યોગિક વિજ્ઞાન, ડૉક્ટર ઑફ નેચરોપથી એન્ડ યોગિક સાયન્સની પદવી પ્રાપ્ત કરી છે.

તેઓ આર્ય સમાજના પ્રચારક અને શિક્ષણવિદ છે. તેમણે કુરુક્ષેત્ર, હરિયાણામાં ગુરુકુળના આચાર્ય તરીકે સેવા આપી છે. 1981થી જુલાઈ 2015 સુધી ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રચારક તરીકે કાર્ય કર્યું. તેમના સમયમાં ગુરુકુલનો અદ્વિતીય વિકાસ થયો. તેઓ ‘ગુરુકુલ દર્શન’ માસિકના મુખ્ય સંપાદક છે. તેમણે આરોગ્યની કિંમતી રીત: નેચરોપથી (અંગ્રેજી અને હિન્દી આવૃત્તિઓ), સ્વર્ગની સીડી, વાલ્મીકિનો રામ-સંવાદ (અનુવાદ), ગુરુકુલ કુરુક્ષેત્રનો ભવ્ય ઈતિહાસ, કુદરતી ખેતી (હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિઓ) જેવાં પુસ્તકો લખ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને વૈદિક મૂલ્યોના પ્રચાર માટે અમેરિકા, સ્વિત્ઝર્લૅન્ડ, નેધરલૅન્ડ, હોલૅન્ડ, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, ઈટાલી, વેટિકન સિટી, નેપાળ, ભૂતાન, સિંગાપોર, મોરેશિયસ અને થાઈલૅન્ડ વગેરે દેશોના પ્રવાસો કર્યા છે.

તેમને યોગ, પ્રાકૃતિક ચિકિત્સા, શિક્ષણ અને વહીવટીકાર્યનો બહોળો અનુભવ છે. ગોપાલન અને ગોવંશનું કાર્ય કરવાનો ચાર દાયકાનો અનુભવ છે. તેમણે હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ, ગોપાલન અને ગૌવંશ, સામાજિક સુધારણા, બેટી બચાવો-બેટી ભણાવો, સમરસતા, નશામુક્ત, સ્વચ્છ હિમાચલ અભિયાન, વૃક્ષારોપણ અને જળ-રક્ષણ જેવા અભિયાનોમાં સરકાર અને જનભાગીદારીનો સમન્વય કર્યો હતો.

તેઓ 12 ઑગસ્ટ, 2015થી 21 જુલાઈ, 2019 સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહ્યા. તેઓ 22 જુલાઈ, 2019માં ગુજરાતના રાજ્યપાલ બન્યા. ગુજરાતના રાજ્યપાલ બન્યા પછી કોરોનાકાળમાં રાજભવનમાં પ્રેરણાદાયી ‘કોરોના સેવાયજ્ઞ’નો આરંભ કર્યો. તેમણે એક લાખ લોકો સુધી જીવનોપયોગી જરૂરી સામગ્રી અને આરોગ્ય સાધનો પહોંચાડ્યાં હતાં. ગુજરાતના રાજ્યપાલ હોવાને કારણે તેઓ ભારતીય રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્યના પ્રમુખ, ગુજરાત રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડ, અમદાવાદના અધ્યક્ષ, ગુજરાત કૅન્સર સોસાયટી, અમદાવાદના પ્રમુખ, હિંદ કુશ નિવારણ સંઘ, ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ, ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડના પેટ્રન અને ગુજરાતની રાજ્ય યુનિવર્સિટીઓના કુલપતિ છે.

અનેક સંસ્થાઓ દ્વારા તેમનું બહુમાન કરી તેમનાં કાર્યોને બિરદાવવામાં આવ્યાં છે. તેમને ભારત જ્યોતિ ઍવૉર્ડ, સર્ટિફિકેટ ઑફ એક્સલન્સ ઍવૉર્ડ અને શ્રીમતી સરલા ચોપરા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સમાજમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 21 ઑગસ્ટ, 2002ના રોજ અમેરિકન મેડલ ઑફ ઓનર એનાયત કરવામાં આવ્યો. ગ્રામીણ ભારતની બિન સરકારી સંસ્થાઓના સંઘ(Confederation of NGOs of Rural India-CNRI) દ્વારા 19 એપ્રિલ, 2005ના રોજ ગ્રામીણ ભારતની સેવા માટે સર્ટિફિકેટ ઑફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા. 2009માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી.એન. ભગવતી દ્વારા જનહિત શિક્ષકશ્રી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. 8 મે, 2007ના રોજ ઋષિ પબ્લિક વેલ્ફેર ટ્રસ્ટ, કુરુક્ષેત્ર દ્વારા સમાજ સેવા સન્માન, 12 ફેબ્રુઆરી, 2006ના રોજગુરુકુલ સંસ્થાની પ્રગતિ માટે હિમોત્કર્ષ રાષ્ટ્રીય એકતા ઍવૉર્ડ, પરોપકારી સભા અજમેર દ્વારા આર્ય સંસ્થા એડમિન સન્માન, 30 નવેમ્બર, 2007ના રોજ પ્રાચીન અને નૈતિક મૂલ્યોના રક્ષણ માટે પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન, 20ઑગસ્ટ, 2011ના રોજ અક્ષય ઊર્જા સન્માન, સર્વદેશી આર્યવીર દળ દ્વારા વિશિષ્ઠ સેવા સન્માન,
ઓલ ઈન્ટેલેક્ચ્યુઅલ ફેડરેશન અને રિસર્ચ સેન્ટર કુરુક્ષેત્ર દ્વારા ‘ઇંટેલેક્ચુઅલ પર્સનાલિટી(વિદ્વાન રત્ન)’, 12મી ઑગસ્ટ, 2011ના રોજયોગ અને પ્રાકૃતિક ચિકિત્સાક્ષેત્રે વિશેષ યોગદાન માટે અને 30 એપ્રિલ 2012ના રોજ વૈદિક મૂલ્યોના વિકાસ માટે ‘પ્રશસ્તિપત્ર’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

અનિલ રાવલ