આચાર્ય નરેન્દ્રદેવ

February, 2001

આચાર્ય નરેન્દ્રદેવ (જ. 31 ઑક્ટોબર 1889, સીતાપુર, ઉત્તર પ્રદેશ; અ. 19 ફેબ્રુઆરી 1956, ઇરોડ ચેન્નાઇ) : પ્રખર સમાજવાદી સ્વાતંત્ર્યસેનાની, શિક્ષણશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યાવિદ, બૌદ્ધદર્શનવિશારદ અને રાજ્યશાસ્ત્ર તથા હિંદીના અગ્રગણ્ય લેખક. સંસ્કારી પિતા પાસે અનેક સંન્યાસીઓ, પંડિતો અને ધર્માચાર્યો આવતા. એથી નાનપણથી દૃઢ ધાર્મિક સંસ્કારોની ઊંડી અસર પડેલી. બાળપણમાં જ સ્વામી રામતીર્થ તથા મદનમોહન માલવિયાનો સંપર્ક થયો હતો. પિતાના પ્રોત્સાહનથી સંસ્કૃત તથા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો. બી. એ. થયા પછી પુરાતત્ત્વનો અભ્યાસ કરવા કાશી ગયા. સ્નાતક અને અનુસ્નાતક સ્તરે પુરાલેખવિદ્યાની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો. કાયદાની ઉપાધિ પણ મેળવી અને ફૈજાબાદમાં પાંચ વર્ષ સુધી વકીલાત કરી. તે દરમ્યાન હોમરૂલ લીગની સ્થાપના કરી (1916) તથા જવાહરલાલ નહેરુના સૂચનથી 1921માં કાશી વિદ્યાપીઠમાં જોડાયા, જ્યાં ભગવાનદાસ આચાર્ય તથા શ્રીપ્રકાશ અને સંપૂર્ણાનંદ તેમના સાથી કાર્યકરો હતા. 1926માં ભગવાનદાસના મૃત્યુ પછી તેઓ આચાર્ય નિમાયેલા.

નરેન્દ્રદેવ આચાર્ય

એમણે બૌદ્ધ દર્શનનું ઊંડું અધ્યયન કર્યું હતું. તેના પરિપાકરૂપે ‘બૌદ્ધધર્મદર્શન’ પુસ્તક લખ્યું છે. એ પુસ્તક માટે તેમને 1957માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એમણે પાલિમાં લખાયેલા બૌદ્ધ ધર્મના પુસ્તક ‘અભિધમ્મત્થ સંહહો’નું હિંદીમાં ભાષાંતર ‘અભિધર્મકોષ’ નામે કર્યું છે. એમણે પ્રાકૃત તથા પાલિનું વ્યાકરણ હિંદીમાં લખ્યું છે.

સક્રિય રાજકારણમાં તેમનો ફાળો વૈવિધ્યપૂર્ણ રહ્યો છે. ઉત્તરપ્રદેશ કૉંગ્રેસ કમિટીના તેમજ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્ય ચૂંટાયેલા. 1929માં સાઇમન કમિશનના બહિષ્કારમાં તથા રાયબરેલીની ના-કરની લડતમાં તેમણે ભાગ લીધો હતો. 1934માં કૉંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ પ્રમુખ બન્યા અને જયપ્રકાશ નારાયણ મહામંત્રી નિયુક્ત થયા. 1936માં જવાહરલાલ નહેરુએ તેમને તથા અચ્યુત પટવર્ધનને કૉંગ્રેસ કારોબારીમાં સામેલ કર્યા.

1936માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા, પરંતુ સરકારમાં જોડાવા અનિચ્છા દર્શાવી. વિધાનસભાના સભ્ય તરીકે તેમણે જમીનસુધારણા તથા શિક્ષણના વિષયમાં રસ લીધો. 1939માં વિશ્વયુદ્ધ શરૂ થતાં બ્રિટિશ સરકાર સામે ચળવળ કરવા ઉત્સુક હતા; પરંતુ ગાંધીજીનું નેતૃત્વ સ્વીકારી 194૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ઝુકાવ્યું અને 1942 સુધી જેલવાસ ભોગવ્યો. 1946માં તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા, પરંતુ સરકારમાં જોડાવાથી ફરી દૂર રહ્યા હતા. 1954માં ઉત્તર પ્રદેશ વિધાનસભાએ તેમને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટી કાઢ્યા હતા.

1947થી 1951 લખનૌ વિશ્વવિદ્યાલય તથા 1951થી 1953 સુધી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયનું કુલપતિપદ તેમણે શોભાવ્યું હતું. 1952માં તેમણે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ચીનની મુલાકાત લીધી હતી. 1954માં દમનો વ્યાધિ ઉગ્ર બનતાં તેઓ સારવાર માટે યુરોપ ગયા હતા, જ્યાં તેમણે પશ્ચિમ યુરોપના ઘણા દેશોની મુલાકાત લીધી હતી.

ભારતનાં ગામડાંમાં વસતી જનતા સમાજવાદની ચળવળમાં સક્રિય રીતે ન જોડાય ત્યાં સુધી તેમની સમાજવાદી ચળવળ અધૂરી રહેશે એવી તેમની દૃઢ માન્યતા હતી. જમીનસુધારણાના તેઓ પ્રખર હિમાયતી હતા. સમાજવાદના સિદ્ધાંતો માત્ર રાજકીય કે આર્થિક જ નહિ, પરંતુ સાંસ્કૃતિક પણ તેટલા જ પ્રમાણમાં રહેવા જોઈએ એમ તેઓ માનતા હતા. કાર્લ માર્ક્સને પણ તેમણે માનવીય અને લોકશાહી મૂલ્યોના પુરસ્કર્તા તરીકે પિછાન્યા હતા. કેળવણીનું ક્ષેત્ર તેમને સૌથી પ્રિય રહેલું. સમૂળી ક્રાંતિનું તે જ સર્વોપરી સાધન છે તેવી તેમની દૃઢ શ્રદ્ધા હતી.

પત્રકાર તરીકે પણ તેમની કામગીરી પ્રશસ્ય રહી છે. તેઓ ‘વિદ્યાપીઠ’ ત્રૈમાસિક, ‘સમાજ’ ત્રૈમાસિક; ‘જનવાણી’ માસિક અને ‘સંઘર્ષ ઔર સમાજ’ સાપ્તાહિકના તંત્રી હતા. આ બધાં સામયિકોમાં એમણે વિવિધ વિષયો પર લેખો લખેલા તે ગ્રંથરૂપે પ્રગટ થયા છે, જેમાં ‘રાષ્ટ્રીયતા ઔર સમાજવાદ’, ‘સમાજવાદ, લક્ષ્ય તથા સાધન’, ‘સોશ્યાલિસ્ટ પાર્ટી ઔર માર્ક્સવાદ’, ‘ભારત કે રાષ્ટ્રીય આંદોલન કા ઇતિહાસ’, ‘યુદ્ધ ઔર ભારત’, ‘કિસાનોં કા સવાલ’ મુખ્ય છે.

સમાજવાદી હોવા સાથે જીવનભરના અભ્યાસના નિચોડરૂપ તેમનો બૌદ્ધદર્શનનો ગ્રંથ તેમના મૃત્યુ બાદ પ્રગટ થયો હતો.

દેવવ્રત  પાઠક

ચન્દ્રકાન્ત મહેતા