આગુપ્તાયિક (સંવત) : સાતમી સદીના મધ્યમાં ભારતના દખ્ખણ પ્રદેશમાં પ્રચલિત સંવત. રાષ્ટ્રકૂટ રાજા દેજ્જ મહારાજના ગોકાક તામ્રપત્રમાં ‘આગુપ્તાયિક રાજાઓનું વર્ષ 845’ આપવામાં આવ્યું છે. લિપિના મરોડ પરથી આ દાનશાસન સાતમી સદીના મધ્યનું લાગે છે. દેજ્જ મહારાજ પ્રાય: ચાલુક્ય રાજા પુલકેશી બીજાના મૃત્યુ (ઈ. સ. 642) અને વિક્રમાદિત્ય પહેલાના રાજ્યારોહણ (ઈ. સ. 655) વચ્ચેના ગાળા દરમિયાન બેલગામ પ્રદેશમાં રાજ્ય કરતો હોવાનું જણાય છે. તો આ સંવત પ્રાય: લગભગ 645 વર્ષ પહેલાં અર્થાત્ ઈ. પૂ. 2૦૦માં શરૂ થયો ગણાય. પરંતુ ભારતમાં ઈ. પૂ. 57 પહેલાં કોઈ સંવત પ્રચલિત થયો હોવાનું જાણવામાં આવ્યું નથી. આથી આ સંવત દેજ્જ મહારાજના સમયમાં 845 વર્ષ પહેલાંના કોઈ બનાવની સ્મૃતિમાં પ્રચલિત હશે.

ભારતી શેલત