આગ્નેય પ્રક્રિયા

February, 2001

આગ્નેય પ્રક્રિયા (igneous activity) : મૅગ્મા કે લાવાની મોટા પાયા પરની અંતર્ભેદન કે પ્રસ્ફુટનની પ્રક્રિયા. પૃથ્વીના પેટાળમાં સંજોગો અનુસાર મૅગ્મા ઉત્પન્ન થાય છે, જે જુદાં જુદાં કારણોથી પૃથ્વીની સપાટી તરફ ગતિ કરે છે. જો તે પોપડાના ખડકોમાં પ્રવેશ પામી ઠરે તો વિવિધ અંતર્ભેદકો રચે છે અને લાવારૂપે બહાર આવે તો જ્વાળામુખીજન્ય ખડકો બનાવે છે. પૃથ્વીના ઇતિહાસકાળ દરમિયાન વખતોવખત આગ્નેય પ્રક્રિયાઓ થયા કરી છે; તેમ છતાં આગ્નેય પ્રક્રિયાને લાગેવળગે છે ત્યાં સુધી આવી પ્રત્યેક ઘટના ભૂસંચલન ઘટનાની સાથે સંકળાયેલી રહી છે, અન્યોન્ય ક્રિયા – કારણરૂપ — પરિણામરૂપ રહી છે, સાથોસાથ કે આગળ  પાછળ થઈ છે; મુખ્યત્વે દરેક ભૂસંચલન ઘટનાની પૂર્વે પ્રસ્ફુટનો, સાથોસાથ અંતર્ભેદનો અને પશ્ચાત્કાળમાં ફરીને પ્રસ્ફુટનો થયેલાં છે. જ્યારે જ્યારે ભૂસંચલન ઘટના તેની મહત્તમ ઉગ્રતાની કક્ષાએ પહોંચી હોય ત્યારે વિશેષે કરીને આગ્નેય પ્રક્રિયા અવશ્ય થયેલી હોય છે. આગ્નેય ઘટનાના ફળસ્વરૂપ તે તે પ્રદેશમાં લગભગ એકસરખાં લક્ષણો ધરાવતા ખડકો તૈયાર થાય છે, પ્રાદેશિક સંદર્ભમાં તેમને સમખડક પ્રદેશ (= સમાન ખડકપ્રદેશ-petrographic province) અને જે કાળગાળામાં થયા હોય તેને સમાન ખડકકાળ (petrographic period) કહે છે.

દુનિયાનાં જુદાં જુદાં સ્થાનોમાં મળતા સમાનખડક પ્રદેશોના વ્યવસ્થિત અભ્યાસ પરથી એ હકીકતને સમર્થન મળ્યું છે કે ખંડીય (ખંડનિર્માણકારી-epeirogenic) અને પર્વતીય (ગિરિનિર્માણકારી-orogenic) સંચલનો જ્યારે તેમની ચરમસીમાએ પહોંચ્યાં હશે ત્યારે આગ્નેય પ્રક્રિયાઓ પણ થઈ હશે, અને તેની પૂર્ણ કક્ષાએ વિકસી હશે. આગ્નેય પ્રક્રિયાનાં કેન્દ્રો ભૂસંચલન સાથે સુસંગત રહેવા ઉપરાંત જે સમાન ગુણધર્મી (kindred) અગ્નિકૃત ખડકજૂથ રચાતાં ગયાં તે ભૂસંચલનના પ્રકાર અને ભૂસ્તરીય સંજોગો સાથે બદલાતાં પણ રહ્યાં છે. દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં મળી આવતા, જુદા જુદા કાળમાં થયેલી આગ્નેય પ્રક્રિયાઓના પરિણામરૂપે જે જે અગ્નિકૃત ખડકસમૂહો અસ્તિત્વમાં આવેલા છે તેમના વયનિર્ણય પરથી એક એવો અંદાજ પ્રસ્થાપિત કરવામાં આવેલો છે કે ભૂસ્તરીય કાળગણના/ખડકરચનાની તવારીખમાં એક પછી એક જેટલી આગ્નેય પ્રક્રિયાઓ થયેલી છે તે પ્રત્યેક 3 કરોડથી 5.5 કરોડ વર્ષના કાળગાળાના આંતરે આંતરે થતી રહી છે.

ભૂસ્તરીય ઇતિહાસ દરમિયાન કાલાંતરે અનેક પ્રકારની આગ્નેય પ્રક્રિયાઓ થયા કરી છે, જેના અસંખ્ય પુરાવા ભારતની સ્તરવિદ્યામાં સંગ્રહાયેલા પડ્યા છે. આર્કિયન વયના બેંગૉલ નાઇસ, બુંદેલખંડ નાઇસ કે ચાર્નોકાઇટ શ્રેણી જેવા ખડકો મૂળભૂત રીતે તો અગ્નિકૃત ખડકો જ છે. ધારવાડ વયનાં અંત:કૃત અંતર્ભેદનો, રાજસ્થાનનો જાણીતો નેફેલીન સાયનાઇટ, બિહાર-આંધ્ર-રાજસ્થાનનાં અબરખ-પેગ્મેટાઇટ, તમિળનાડુમાં સેલમનો ડ્યુનાઇટ; કડાપ્પા વયની બિજાવર શ્રેણીની જ્વાળામુખીજન્ય પ્રક્રિયા-પેદાશો અને અન્ય સમકાલીન અગ્નિકૃત ખડકો, ઈડર ગ્રૅનાઇટ કે એરિનપુરા ગ્રૅનાઇટ, માઉન્ટ આબુનો બેથોલિથ; વિંધ્ય વયની મલાની શ્રેણીના જોધપુરની આજુબાજુના હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેતા જ્વાળામુખીજન્ય ખડકો; નિમ્ન ગોંડવાના અને ઊર્ધ્વ ગોંડવાના વયના અનુક્રમે દામુદા શ્રેણીના કોલસાના સ્તરોમાંનાં અંત:કૃત અંતર્ભેદનો અને રાજમહાલ શ્રેણીના જ્વાળામુખીજન્ય અગ્નિકૃત ખડકો, ઊર્ધ્વ કાર્બોનિફેરસ વયની કાશ્મીરમાંની પંજાલ જ્વાળામુખીજન્ય પેદાશો; ઇયોસીન વયના જગપ્રસિદ્ધ અને અજોડ એવી પ્રચંડ જ્વાળામુખી પ્રસ્ફુટનક્રિયાના ખડકપ્રકારો (Deccan Trap) તેમજ ઑલિગોસીન-માયોસીન વયના હિમાલયમાંના અંત:કૃત અગ્નિકૃત ખડકો આગ્નેય પ્રક્રિયાનાં ભારતીય ઉદાહરણો છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા