આંસૂ (1952) : આધુનિક સિંધી નવલકથા. આ નવલકથાના લેખક ગોવિંદ માલ્હી છે. પ્રસ્તુત નવલકથામાં વિભાજન પછી સિંધમાંથી હિજરત કરીને ભારતમાં આવીને વસેલ સિંધી સમાજની યાતનાસભર અનિશ્ચિત સ્થિતિનું અસરકારક ચિત્રણ છે. નિરાશ્રિત શિબિરોમાં વિસ્થાપિત માનવીઓની માનવતાના હ્રાસનું નિરૂપણ પણ છે. માતૃભૂમિની સ્મૃતિઓ, ભવિષ્યની અનિશ્ચિતતા તથા વર્તમાનની વિષમ મન:સ્થિતિ વચ્ચે જીવતો માનવી પણ જીવનમાંથી આસ્થા ગુમાવતો નથી. તેની સાથે નવલકથાનાં બે મુખ્ય પાત્રો દ્વારા પ્રેમલગ્નનું સમર્થન કરીને, નારી પણ આર્થિક રીતે સ્વાવલંબી બને તો જ પ્રેમલગ્ન ટકી શકે અને ભવિષ્યને ઉજ્જ્વળ બનાવી શકાય, તે આશાવાદી સૂર પણ આ નવલકથામાં ગુંજતો રહે છે.

જયંત રેલવાણી