ઇકદુલ ફરીદ

January, 2002

ઇકદુલ ફરીદ : મહાન અરબી સાહિત્યકાર અને લેખક. ઇબ્ન અબ્દ રબ્બિહ(ઈ. 860-940)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. તેનો અર્થ અનુપમ મોતીમાળા થાય છે. તેને આઠમી સદીના મુસ્લિમ સ્પેનના બૌદ્ધિક ઇતિહાસનું એક અતિ ઉજ્જ્વળ પ્રકરણ ગણવામાં આવ્યું છે. કુર્તબામાં (Corodova) જન્મેલો તેનો લેખક હિશામ પહેલાનો ગુલામ હતો, પણ પાછળથી તેને આઝાદ કરવામાં આવ્યો હતો. ખલીફા અબ્દુર્રહમાન ત્રીજાના રાજ્યઅમલ દરમિયાન તેની કીર્તિ ટોચ પર પહોંચેલી. તેના આ ગ્રંથમાં હિન્દ અને ઈરાનનાં રીતરિવાજ, સંસ્કૃતિ, સભ્યતા, રાજ્યનીતિ, બુદ્ધિશક્તિ વગેરે અંગે મહત્વની માહિતી મળે છે. તેમાં ઉમય્યા વંશના ખલીફાઓ અને ગ્રીસ દેશના શહેનશાહો વચ્ચેના પત્રવ્યવહાર ઉપરાંત હિન્દુસ્તાનના એક રાજાએ અબ્બાસી ખલીફા હારૂન અર્રશીદ પાસે ભેટસોગાદ સાથે પ્રતિનિધિઓને મોકલ્યાનો ઉલ્લેખ છે. વળી તેમાં ઇસ્લામી યુગના આરંભથી લેખકના સમય સુધીનો સંગીતનો ઇતિહાસ સમાવિષ્ટ છે. વિપુલ અને કીમતી માહિતીના ભંડારરૂપ આ ગ્રંથને પ્રખ્યાત અરબી મહાગ્રંથ ‘અલ અધાની’ની સમકક્ષ મૂકવામાં આવે છે.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી