આંશિક વિવૃતિ (Outrop) : સ્તર, સ્તરો કે તળખડકનો તેની ઉપર રહેલા શિલાચૂર્ણ (debris) કે જમીનજથ્થાના આવરણમાંથી ખુલ્લો થઈને દેખાતો ભાગ. ભૂપૃષ્ઠ પર બધે જ ખડકો ખુલ્લી સ્થિતિમાં મળતા હોતા નથી. તે ઘણી વાર જાડા કે પાતળા શિલાચૂર્ણજથ્થાથી, કાંપમય આવરણથી કે જમીનોથી ઢંકાયેલા હોય છે. અમુક ફળદ્રૂપ વિસ્તારોમાં તો કાંપ કે જમીન હજારો ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં પથરાયેલ હોય છે, તેથી તળખડકસ્તરો આચ્છાદિત રહે છે; ભાગ્યે જ ક્યાંક ખુલ્લો ખડકપટ દેખાતો હોય છે. પરંતુ પર્વતીય પ્રદેશોમાં,

ખડકવિવૃતિ

ટેકરીઓમાં કે ખીણપ્રદેશોની બાજુઓના ખુલ્લા ખડકછેદ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ રીતે પૃથ્વીની સપાટી પર ઘનખડકોનો જે ભાગ, જેટલો ભાગ ખુલ્લો થયેલો દેખાય તેને તે ખડકની આંશિક વિવૃતિ કહેવાય છે અને કાંપ કે જમીનના આચ્છાદન નીચે તે ખડકનો બાકીનો ભાગ વિસ્તરેલો હશે એવું અનુમાન બાંધી શકાય છે. ભૂસ્તરીય નકશા (geological maps) પરના જે તે પ્રદેશના ખડક-આલેખન માટે પણ વિશેષત: ‘વિવૃતિ’ શબ્દ જ વપરાય છે.

ગિરીશભાઈ પંડ્યા